નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023ને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) આ વર્ષે ડિસેમ્બરમાં આઇપીએલમાં (IPL) ખેલાડીઓનું (Players) ઓક્શન (Auction) કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ઓક્શન 16 ડિસેમ્બરે થઇ શકે છે અને તે અંગે ફ્રેન્ચાઈઝીઓમાં (Franchise) ચર્ચા ચાલી રહી છે. ગયા વર્ષે ખેલાડીઓની મેગા હરાજી થઈ હતી. આ વખતે મીની હરાજી હાથ ધરવામાં આવશે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાં 10 ટીમો ભાગ લે છે. છેલ્લી સિઝન ગુજરાત ટાઇટન્સે જીતી હતી.
- આ વર્ષે ફ્રેન્ચાઇઝીઓનું પર્સ 90 કરોડથી વધારીને 95 કરોડ કરવામાં આવે તેવી ચાલી રહેલી ચર્ચા
- સીએસકેએ રવિન્દ્ર જાડેજા અને ગુજરાત ટાઇટન્સે રાહુલ તેવટિયાને ટ્રેડ કરવાની ચર્ચા નકારી કાઢી
ગત મેગા ઓક્શન દરમિયાન ફ્રેન્ચાઇઝીનું પર્સ 90 કરોડ હતું. આ વખતે તેમની પાસે વધારાના 5 કરોડ હશે એટલે કે તેઓનું પર્સ 95 કરોડનું હશે. આ સિવાય તે હરાજીમાં રિલીઝ થયેલા ખેલાડીની કિંમતનો પણ ઉપયોગ કરી શકે છે. આ સિવાય ખેલાડીઓ ટ્રેડ અને ટ્રાન્સફર પણ થઈ શકે છે. ફ્રેન્ચાઇઝીઓ હરાજીના એક અઠવાડિયા પહેલા સુધી ટ્રેડ અને ટ્રાન્સફર કરી શકે છે. હરાજી બાદ ફરીથી વિન્ડો ખોલવામાં આવશે. એવી ચર્ચા હતી કે રવિન્દ્ર જાડેજાને ચેન્નાઇ સુપર કિંગ્સ ટ્રેડ કરશે, જો કે સીએસકેએ આ ચર્ચા ફગાવી દેતા જાડેજાને ટ્રેડ કરવાનું નકાર્યું છે, તો ગુજરાત ટાઇટન્સે તેવટિયાને ટ્રેડ કરવાનું નકાર્યું છે.