ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આગામી સિઝન માટેના આયોજન સ્થળોમાં મોહાલી ક્રિકેટ સ્ટેડિયમનો સમાવેશ ન કરવા મામલે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે આશ્રર્ય વ્યક્ત કરવાની સાથે મંગળવારે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ને આ મામલે ફેર વિચારણા કરવાની અપીલ કરી છે.
સાથે જ તેમણે કોવિડ-19ના સમયગાળામાં ખેલાડીઓની સુરક્ષા સંબંધી તમામ વ્યવસ્થા ગોઠવવાનું આશ્વાસન પણ આપ્યું હતું.અમરિન્દર સિંહે ટ્વિટ કર્યું હતું કે આઇપીએલની આગામી સિઝન માટેના આયોજન સ્થળોમાં મોહાલી ક્રિકેટ સ્ટેડિયમને સ્થાન ન અપાતા મને નવાઇ લાગી છે.
હું બીસીસીઆઇ અને આઇપીએલને અપીલ કરૂં છું કે તેઓ પોતાના નિર્ણયમાં ફેર વિચારણા કરે. એવું કોઇ કારણ નથી કે મોહાલી આઇપીએલનું આયોજન ન કરી શકે. એ ઉલ્લેખનીય છે કે મોહાલીનું પંજાબ ક્રિકેટ એસોસિએશ સ્ટેડિયમમ પંજાબ કિંગ્સનું હોમ ગ્રાઉન્ડ છે.
આઇપીએલની આગામી સિઝનના આયોજન માટે હાલ દિલ્હી, અમદાવાદ, કોલકાતા, બેંગલુરૂ અને ચેન્નાઇની પસંદગી કરવામાં આવી છે, જો કે આ મામલે હજુ કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી.