ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના આયોજન માટે ચારથી પાંચ સ્થળો પર વિચારણા કરી રહ્યું છે, કારણકે મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસ વધવાને લીધે તેને એકમાત્ર યજમાન શહેર તરીકે પસંદ કરવું હવે સંભવ જણાતું નથી.
આ પહેલા એવી ચર્ચા હતી કે મુંબઇમાં વાનખેડે, બ્રેબોર્ન, ડીવાય પાટીલ અને રિલાયન્સ સ્ટેડિયમ હોવાને કારણે બાયો સિક્યોર બબલ તૈયાર કરીને 8 અઠવાડિયા સુધી ચાલનારી ટૂર્નામેન્ટનું આયોજન યોગ્ય રહેશે. જો કે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કેસ વધવાને કારણે સ્થિતિ ગંભીર બની છે.
બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે પીટીઆઇને જણાવ્યું હતું કે આઇપીએલ શરૂ થવા આડે હજુ એક મહિનાનો સમય બચ્યો છે પણ ચોક્કસપણે કેટલાક નિર્ણયો કરવા પડશે. હવે જ્યારે કોરોનાના કેસ વધ્યા છે ત્યારે એકમાત્ર મુંબઇમાં તેનું આયોજન કરવું જોખમી ગણાશે.
આ અધિકારીએ કહ્યું હતું કે તેથી જ હૈદરાબાદ, બેંગલુરૂ અને કોલકાતા જેવા શહેરો યજમાની માટે તૈયાર રહેશે. આ સાથે જ એવી પણ પુરી સંભાવના છે કે આઇપીએલના પ્લેઓફ અને ફાઇનલ મેચની યજમાની અમદાવાદ જ કરશે.
આઇપીએલ એપ્રિલના બીજા અઠવાડિયામાં શરૂ થશે. ગત વર્ષે કોરોનાના કારણે તેનું આયોજન યુએઇમાં કરવામાં આવ્યું હતું. આ સ્થિતિમાં આ વર્ષે તેના આયોજન મામલે ચાહકોના મનમાં સવાલો ઊભા થઇ રહ્યા હતા, જો કે બીસીસીઆઇના અધિકારીએ કહ્યું હતું કે આ વર્ષે તેનું આયોજન ભારતમાં જ કરવામાં આવશે.