IPL 2026 સીઝન માટે ખેલાડીઓની હરાજીની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનારી આ હરાજીમાં કુલ 350 ખેલાડીઓ ભાગ લેશે. આ વર્ષે 1,390 ખેલાડીઓએ નોંધણી કરાવી છે, જેમાંથી 350 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 240 ભારતીય અને 110 વિદેશી ખેલાડીઓ સામેલ છે. આ યાદીમાં 224 અનકેપ્ડ ભારતીય અને 14 અનકેપ્ડ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે, જે આ વર્ષના ખેલાડીઓના પૂલને વધુ મજબૂત બનાવે છે.
હરાજીના પહેલા સેટમાં ભારત અને મુંબઈના બેટ્સમેન પૃથ્વી શો અને સરફરાઝ ખાનનો સમાવેશ થાય છે, જેમણે તેમની બેઝ પ્રાઈસ 7.5 મિલિયન રાખી છે. વેંકટેશ ઐયરને KKR દ્વારા રિલીઝ કરવામાં આવ્યા હતા અને હવે આગામી હરાજી માટે તેમણે તેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રાખી છે.
આ વખતે ફ્રેન્ચાઇઝીઓ માટે કુલ 77 સ્લોટ ઉપલબ્ધ રહેશે, જેમાં 31 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. સૌથી વધુ બેઝ પ્રાઈસ કેટેગરી INR 2 કરોડ છે, જેમાં 40 ખેલાડીઓએ પ્રવેશ કર્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે સૌથી મોટું પર્સ
ત્રણ વખતની ચેમ્પિયન કોલકત્તા નાઈટ રાઈડર્સ 64.3 કરોડ ના સૌથી મોટા પર્સ સાથે 2026 ની હરાજીમાં પ્રવેશ કરશે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 43.4 કરોડ ના પર્સ સાથે બીજા ક્રમે છે. એક વખતની IPL ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે 25.5 કરોડ ના ત્રીજા ક્રમે છે.
IPL હરાજીમાં આ સ્ટાર ખેલાડીઓનો સમાવેશ
IPL દ્વારા શેર કરાયેલી યાદીમાં બે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ કેમેરોન ગ્રીન અને જેક ફ્રેઝર-મેકગર્ક, ન્યુઝીલેન્ડ અને ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ઓપનર ડેવોન કોનવે અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરનો સમાવેશ થાય છે, દરેકની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે.
દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોક જેમણે તાજેતરમાં ODI નિવૃત્તિમાંથી પાછા ફર્યા છે, તેમને અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ડી કોક 1 કરોડની બેઝ પ્રાઈસ સાથે યાદીમાં મોડેથી ઉમેરાયા છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે, જેની બેઝ પ્રાઈસ 2 કરોડ છે. સ્મિથે છેલ્લે 2021માં IPL રમી હતી.