IPLની 18મી સીઝનનો શનિવારે સાંજે દબદબાભેર ઉદ્ઘાટન સમારોહ યોજાયો. તેનું સંચાલન બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાને કર્યું. સમારંભની શરૂઆત છેલ્લી 17 ચેમ્પિયન ટીમોના નામની જાહેરાત સાથે થઈ. કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં શ્રેયા ઘોષાલે પહેલું પ્રદર્શન આપ્યું. તેમણે ફિલ્મ ભૂલ ભુલૈયાનું પહેલું ગીત, મેરે ઢોલના સુન… ગાયું. શ્રેયા ઘોષાલના ગીત પર લોકો ઝૂમી ઉઠ્યા હતા.
બોલિવૂડ અભિનેત્રી દિશા પટાની અને પંજાબી ગાયક કરણ ઔજલાએ પણ પરફોર્મ કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે એક દિવસ પહેલા જ કોલકાતા પહોંચી ગયો હતો. તે પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને સપોર્ટ કરશે.
શ્રેયા ઘોષાલે ભૂલ ભુલૈયા, પદ્માવત અને સંજુ ફિલ્મોના ગીતો ગાયા
શ્રેયા ઘોષાલે ફિલ્મ ભૂલ ભુલૈયાનું ગીત મેરે ઢોલના સુન… ગાયું હતું. ત્યારબાદ ઘૂમર-ઘૂમર અને કર હર મેદાન ફતેહ ગીત ગાયું હતું. પુષ્પા-2 ના ગીત પર પણ લોકો ઝૂમી ઉઠ્યા હતા.
દરમિયાન મેચ શરૂ થાય તે પહેલાં ચાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે.. વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને પીચ પર કવર લગાવવામાં આવ્યા હતા પરંતુ હવે તેને દૂર કરવામાં આવ્યા છે. હાલમાં કોલકાતામાં હવામાન સ્વચ્છ છે અને વરસાદ પડવાની શક્યતા નથી.
18મી સીઝનની પહેલી મેચ RCB અને KKR વચ્ચે છે. આ મેચ કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સમાં રમાશે. 18 વર્ષ પછી આઈપીએલની શરૂઆતની મેચ કોલકાતા અને બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો છેલ્લી વખત પહેલી સીઝનની પહેલી મેચ એટલે કે આઈપીએલ 2008માં એકબીજા સામે ટકરાઈ હતી.
રસપ્રદ વાત એ છે કે બંને ટીમોમાં નવા કેપ્ટન છે અને આજે બંને માટે કસોટી છે. આરસીબીએ યુવા રજત પાટીદારને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. જ્યારે KKR ની કમાન સિનિયર બેટ્સમેન અજિંક્ય રહાણેના હાથમાં છે. બંને પોતાના યુગની શરૂઆત વિજય સાથે કરવા માંગશે.
હેડ ટુ હેડની વાત કરીએ તો KKR અને RCB વચ્ચે કુલ 34 મેચ રમાઈ છે, જેમાંથી કોલકાતાએ 20 મેચ જીતી છે, જ્યારે બેંગલુરુએ 14 મેચ જીતી છે. ભલે KKR હેડ ટુ હેડમાં ઉપરી હાથ ધરાવે છે, આ વખતે RCBની ટીમ ઘણી મજબૂત છે.
