મુંબઈ: આઈપીએલ 2024ની (IPl2024) સિઝન શરૂ થવા પહેલાં જ નાટ્યાત્મક ઢબે હાર્દિક પંડ્યાને (HardikPandya) મુંબઈ ઈન્ડિયન્સે (MI) ખરીદી લઈ કેપ્ટન જાહેર કર્યો હતો. હાર્દિકને કેપ્ટન બનાવવા રોહિત શર્માને (RohitSharma) મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટનપદેથી હટાવ્યો હતો. ત્યારથી જ શું રોહિત હવે હાર્દિકની કેપ્ટનશીપમાં રમશે? તેવો પ્રશ્ન ચાહકોને સતાવી રહ્યો હતો. હવે જ્યારે આઈપીએલ શરૂ થવા જઈ રહી છે ત્યારે હાર્દિક પંડ્યાએ પ્રેસકોન્ફરન્સમાં આ મામલે ખુલાસો કર્યો છે.
છેલ્લી બે સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કરનાર પંડ્યા 2024ની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરશે. પાંચ ટાઈટલ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સે આશ્ચર્યજનક રીતે રોહિતને કેપ્ટન પદેથી હટાવીને પંડ્યાને આ જવાબદારી સોંપી હતી.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સોમવારે તા. 18 માર્ચે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. પંડ્યાએ કહ્યું કે રોહિત શર્મા આઈપીએલની આગામી સિઝનમાં તેના મેન્ટરની ભૂમિકા નિભાવશે. જો રોહિત મારા નેતૃત્વમાં રમે છે તો કંઈ નવું અને અલગ નહીં હોય. તે હંમેશા મારી મદદ માટે હાજર રહેશે. તમે ઉલ્લેખ કર્યો છે કે તે ભારતીય ટીમનો કેપ્ટન છે, તે મારા માટે મદદરૂપ થશે. કારણ કે આ ટીમે અત્યાર સુધી જે કંઈ હાંસલ કર્યું છે તે તેમની કેપ્ટનશીપમાં જ હાંસલ કર્યું છે અને મારે આ પ્રક્રિયાને આગળ વધારવાની છે.
પંડ્યાએ વધુમાં કહ્યું કે ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત થયા બાદ તે છેલ્લા બે મહિનાથી રોહિતને મળ્યો નથી. સોમવારથી શરૂ થનારી ટીમના પ્રેક્ટિસ સેશનમાં તે પહેલીવાર રોહિતને મળશે. કારણ કે રોહિત છેલ્લાં કેટલાંક સમયથી સતત તે પ્રવાસ કરી રહ્યો છે અને રાષ્ટ્રીય ટીમ માટે રમી રહ્યો છે. અમે પ્રોફેશનલ છીએ. બે મહિના જ થયા છે. આજે અમે પ્રેક્ટિસ મેચ રમીશું, જ્યારે તે અહીં આવશે ત્યારે અમે તેની સાથે ચોક્કસ વાત કરીશું.
અનુભવી ઓલરાઉન્ડર આઈપીએલ સાથે ટોપ લેવલ ક્રિકેટમાં પરત ફરશે. ઑક્ટોબરમાં ODI વર્લ્ડ કપ દરમિયાન પગની ઘૂંટીમાં થયેલી ઈજાને કારણે તેને લગભગ ત્રણ મહિના માટે બાકાત રાખવામાં આવ્યો હતો. તેણે કહ્યું, મારા શરીર સાથે કોઈ સમસ્યા નથી, હું તમામ મેચ રમવાની યોજના બનાવી રહ્યો છું.