Sports

વિવાદ થતાં હાર્દિક પંડ્યાની ટીમનું નામ બદલવામાં આવ્યું, ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી ટીમનું હવે આ નામ રાખ્યું

નવી દિલ્હી: IPL-2022ની ટીમમાં અમદાવાદની (Ahmadabad) ટીમનું પણ નામ જાહેર થયું છે. સોશિયલ મીડિયામાં (social media) અમદાવાદની ટીમના નામ જાહેર થયા પહેલા વિવિધ નામ અંગે અટકળો શરૂ થઈ ગઈ હતી. એક માહિતીના આધારે આ ટીમનું નામ પહેલા અમદાવાદ ટાઈટન્સ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ત્યાર બાદ વિવાદ થતાં અને સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા ટ્રોલ કરાતા ટીમનું નામ બદલવામાં આવ્યું છે.

બે દિવસ પહેલાં ફ્રેન્ચાઈઝી હાર્દિક પંડ્યાની આઈપીએલ ટીમનું ‘અમદાવાદ ટાઈટન્સ’ જાહેર થયું હતું. આ નામને લઈને ફ્રેન્ચાઈઝી સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ પણ થઈ હતી. જેના પગલે ફ્રેન્ચાઈઝી દ્વારા ટીમનું નામ બદલીને’ગુજરાત ટાઈટન્સ’ (Gujarat Titans) રાખવામાં આવ્યું છે. ગુજરાત નામ એટલે રાખવામાં આવ્યું છે કે આ નામ સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઈટન્સે પોતાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ બનાવી દીધું છે.

તમને જણાવી દઈએ કે ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કર્યો છે, જ્યારે શુભમન ગિલ અને રાશિદ ખાન પણ ટીમના ખાસ ખેલાડી તરીકે મેદાનમાં ઉતરશે. કોચિંગ સ્ટાફની વાત કરીએ તો આશિષ નેહરા અને ગેરી કસ્ટર્નને પણ આ ટીમમાં સામેલ કરાયા છે. સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ ટીમનું નામ બદલવા ટકોર કરી રહ્યા હતા.

ટીમના નામ માટે એક એજન્સી હાયર કરવામાં આવી
ટીમનું નામ રાખવા માટે એક એજન્સી હાયર કરવામાં આવી હતી. ટીમના પાર્ટનર સિધાર્થ પટેલે નામને લઈને સ્ટાર સ્પોર્ટ્સને જણાવ્યું હતું કે ટીમને લઈને અમે ઘણું રિસર્ચ કર્યું. વધુમાં તેમમે કહ્યું કે અમારી કોશિશ હતી કે અમે ગુજરાતની ઈમેજને કેવી રીતે રજૂ કરી શકીએ. ટીમના કેપ્ટન હાર્દિકે પણ કહ્યું હતું કે મારો પરિવાર ગુજરાતમાં છે અને અમે ગુજરાતમાં રહીએ છીએ.

હાર્દિક પંડ્યાએ વીડિયો શેર કર્યો
હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) ટ્વીટર પર વિડિયો શેર કરીને કહ્યું કે નવી IPLની ટીમ અમદાવાદમાં નવી સફરની શરૂઆતને લઈને હું ઘણો જ ઉત્સુક છું. તેમણે મેનેજમેન્ટ અને ટીમના માલિકનો આભાર માન્યો હતો અને કહ્યું કે મને આ તક મળવા બદલ અને એક કેપ્ટન તરીકે મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું ટીમના માલિક અને ટીમ મેનેજમેન્ટનો ઘણો આભારી છું. ટીમ તેનું બેસ્ટ પ્રદર્શન કરીને બતાવશે. તેમણે કહ્યું કે રાશિદ ખાન અને શુભમન ગિલનું હું સ્વાગત કરું છું. આ બન્ને ખેલાડીને હું ઓળખું છું અને બન્નેનું પ્રદર્શન સારું છે, જે ટીમને પોઈન્ટ ટેબલમાં આગળ રાખવામાં મદદ કરશે. વિડિયોના અંતમાં તેમણે કહ્યું કે જલદી મળીશું.

હાર્દિક પંડ્યાને 15 કરોડ રૂપિયા મળશે
IPL 2022 માટે અમદાવાદ ટીમે ત્રણ ખેલાડીને પોતાની ટીમમાં લીધા છે. એક રિપોર્ટ્સ પ્રમાણે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડ રૂપિયા અને શુભમન ગિલને 7 કરોડ મળશે. અમદાવાદ ટીમે પોતાના કોચિંગ સ્ટાફની પસંદગી પણ કરી લીધી છે. ટીમના મુખ્ય કોચ તરીકે આશિષ નેહરાની પસંદગી કરવામાં આવી છે. તેમજ ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકી ટીમના ડાયરેક્ટર તરીકે રહેશે. ભારતીય ટીમના પૂર્વ કોચ ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર હશે. આ પહેલાં હાર્દિક પંડ્યા આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં, રાશિદ ખાન સનરાઈઝર્સ હૈદરાબાદમાં અને શુભમન ગિલ કોલકાતા નાઈટ રાઈડર્સમાં રમતા હતા.

Most Popular

To Top