બેંગ્લોર : આઈપીએલ 2022ની (IPL 2022) હરાજી (Auction) 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થઈ રહી છે. આ વખતે IPL મેગા હરાજીમાં 10 ટીમ ભાગ લીધો છે. આ મેગા ઓક્શનમાં કુલ 600 ખેલાડી પર બોલી લાગી રહી છે. IPLની શરૂઆત 2008માં થઈ હતી અને આ વખતે એની 15મી સીઝન રમાશે. ચાલો, જાણીએ કે આખરે કેવી રીતે થાય છે IPLની હરાજી, કેવી રીતે નક્કી થાય છે ટીમોની બેઝ પ્રાઈસ, શું છે રાઈટ ટુ મેચ કાર્ડ?
IPL હરાજીથી નિર્ણય થાય છે કે કઈ ટીમ માટે કયો ખેલાડી રમશે
આઈપીએલ માટે ખુલ્લી હરાજી થાય છે, જેમાં તમામ ટીમના માલિકો ભાગ લઈ શકે છે અને તેઓ જે ખેલાડીને ખરીદવા માંગતા હોય તેની પર બોલી લગાવે છે.
ભલે કોઈ ટીમે બીસીસીઆઈને (BCCI) ખેલાડીઓની યાદી મોકલતી વખતે એ ખેલાડીમાં રસ ન દર્શાવ્યો હોય પણ હરાજીમાં તે એ ખેલાડી પર બોલી પણ લગાવી શકે છે અને તેને ખરીદી પણ શકે છે. હરાજીમાં આવનારી ટીમો પાસે એ ખેલાડીઓની યાદી હોય છે, ટીમો જે ખેલાડીને ખરીદવા માગે છે. તેના માટે તેઓ પ્લાન એ, બી, સી, ડી વગેરે બનાવીને આવે છે. ટીમોની જે ખેલાડીઓને ખરીદવાની યોજના હોય છે એમાં જો તે સફળ ન થાય તો તે પોતાના પ્લાન બીમાં સામેલ ખેલાડીઓને ખરીદે છે અને પછી અન્ય પ્લાનમાં સામેલ ખેલાડીઓને ખરીદે છે.
Auction માં આ રીતે અલગ-અલગ ગ્રુપમાં ખેલાડીઓની વહેંચણી થાય છે
સામાન્ય રીતે હરાજીમાં ખેલાડીઓને ત્રણ કેટેગરી-ઈન્ડિયન કેપ્ડ, ઈન્ડિયન અનકેપ્ડ અને વિદેશી ખેલાડીઓમાં વહેંચવામાં આવે છે. એ પછી આ ખેલાડીઓને અલગ-અલગ લોટમાં તેમની વિશેષતાના આધારે રાખવામાં આવે છે, જેમ કે – બોલર, ઝડપી બોલર, સ્પિન બોલર, ઓલરાઉન્ડર અને વિકેટકીપર. પોતાના દેશ માટે અત્યારસુધી ઈન્ટરનેશનલ મેચ નહીં રમનારા ખેલાડીને અનકેપ્ડ કહેવામાં આવે છે.
શું હોય છે ખેલાડીઓની બેઝ પ્રાઈસ, કેવી રીતે થાય છે નક્કી?
બેઝ પ્રાઈસ એ લઘુતમ કિંમત હોય છે, જેના પર હરાજીમાં ખેલાડી પર બોલી લાગે છે. બેઝ પ્રાઈસને ખેલાડી હરાજી અગાઉથી નક્કી કરે છે અને બીસીસીઆઈને સોંપે છે. ખેલાડી પોતાના બોર્ડથી એક નોન-ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે NOC પણ બીસીસીઆઈને સોંપે છે, જેમાં લખેલું હોય છે કે તેને બોર્ડની તરફથી તેને આઈપીએલમાં સામેલ થવાની અનુમતિ મળી ચૂકી છે. સામાન્ય રીતે ચર્ચિત કેપ્ડ ભારતીય ખેલાડી અને વિદેશી ખેલાડી પોતાની બેઝ પ્રાઈસ વધુ રાખે છે, કેમ કે તેમને આશા હોય છે કે તેમને હરાજીમાં ઊંચી કિંમત મળશે. જ્યારે અનકેપ્ડ અને ઓછા ચર્ચિત ખેલાડી અપેક્ષાકૃત પોતાની બેઝ પ્રાઈસ ઓછી રાખે છે.
ખેલાડી બેઝ પ્રાઈસને નક્કી કરતી વખતે પોતાના અગાઉના પ્રદર્શન, પોતાની લોકપ્રિયતા, સોશિયલ મીડિયા ફોલોઅર્સ વગેરે જેવી ચીજોને ધ્યાનમાં રાખે છે.