અમદાવાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અહીં પંજાબ કિંગ્સ(PUNJAB KINGS)ની ટીમ જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ આવતીકાલે શુક્રવારે જ્યારે મેદાન પર ઉતરશે ત્યારે તેણે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. પંજાબ કિંગ્સની ટીમ કંગાળ પ્રદર્શનને કારણે બેકફૂટ પર ધકેલાઇ ગઇ છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે પાંચ વિકેટે પરાજીત થયેલી પંજાબ કિંગ્સ માટે રમતના ત્રણેય પાસામાં ઉમદા પ્રદર્શન કરનારી આરસીબીના આકરા પડકારનો સામનો કરવો મુશ્કેલ બનશે.
પંજાબ કિંગ્સની ટીમ ચાર હાર અને બે જીત સાથે ચાર પોઇન્ટ લઇને પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે, જ્યારે આરસીબીએ પોતાની છમાંથી પાંચ મેચ જીતી છે અને એકમાત્ર સીએસકે સામે તેઓનો પરાજય થયો છે. જો સીએસકે સામેના પરાજયને બાદ કરવામાં આવે તો આરસીબી પોતાના પહેલા આઇપીએલ ટાઇટલ ભણી આગળ વધી રહી હોવાનું જણાય છે અને તેના ખેલાડીઓ એક પછી એક મેચમાં ફોર્મમાં આવતા જાય છે.
પંજાબ કિંગ્સે અત્યાર સુધી પોતાના બેટ્સેમનોના ખરાબ પ્રદર્શનને કારણે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. છે મેચમાંથી ત્રણ મેચમાં રાહુલની આગેવાની હેઠળની ટીમે પહેલા બેટિંગ કરતાં 106, 120 અને 123 રનનો સ્કોર બનાવ્યો હતો. નબળા સ્કોરને બચાવવામાં તેમનું બોલિંગ આક્રમણ પણ એટલું પ્રભાવી રહ્યું નથી, વળી તેમની બોલિંગમાં પણ આક્રમકતાનો અભાવ જણાય છે.