નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝનની 29 મેચ પુરી થયા પછી હવે કોરોના વાયરસે આઇપીએલના બાયો બબલ (BIO BUBBLE)માં પ્રવેશ કરી લીધો છે અને કોલકાતા નાઇટ રાઇડર્સ KKR)ના બે ખેલાડી વરૂણ ચક્રવર્તી તેમજ સંદીપ વોરિયરના ટેસ્ટ પોઝિટિવ (POSITIVE) આવતા સોમવારે સાંજે રમાનારી કેકેઆર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની અમદાવાદમાં રમાનારી મેચને સ્થગિત કરી દેવામાં આવી છે. આ મેચ હવે 30મી મેએ પુરી થનારી ટુર્નામેન્ટ દરમિયાન કોઇ અન્ય દિવસે આયોજિત કરવામાં આવશે.
આઇપીએલ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવાયું હતું કે છેલ્લા ચાર દિવસમાં ત્રીજા રાઉન્ડના ટેસ્ટીંગમાં વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ટીમના અન્ય તમામ સભ્યોના કોવિડ-10 ટેસ્ટનો રિપોર્ટ જો કે નેગેટિવ રહ્યો છે. ચક્વર્તી અિને વોરિયરને આઇસોલેશનમાં મુકી દેવાયા છે અને હાલમાં ટીમના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ બંનેમાંથી વોરિયરને કેકેઆરે રમેલી 7 મેચોમાંથી એકમાં પણ રમવા મળ્યું નથી. આઇપીએલ દ્વારા કહેવાયું હતું કે મેડિકલ ટીમ સતત બંનેના સંપર્કમાં છે અને તેમના આરોગ્ય પર નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન કેકેઆરની ટીમ રોજિંદા ટેસ્ટીંગની દિનચર્યામાંથી પાસ થશે કે જેથી કોઇ અન્ય સંભવિત કેસ હોય તો તેની ઓળખ થઇ શકે અને તેને જેમ બને તેમ ઝડપથી સારવાર આપી શકાય.
દિલ્હી કેપિટલ્સના પણ તમામ ખેલાડીઓનો ટેસ્ટ કરવામાં આવશે
કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની છેલ્લી મેચ 29 એપ્રિલે દિલ્હી કેપિટલ્સની સામે અમદાવાદમાં રમી હતી, ત્યારે બીસીસીઆઇના એક સૂત્રએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે હાલ અમદાવાદમાં સ્થિત દિલ્હી કેપિટલ્સની ટીમના ખેલાડીઓના પણ ટેસ્ટ કરવામાં આવશે અને તેની સાથે જ મેડિકલ ટીમ પોઝિટિવ સેંમ્પર એકત્ર કરવાના 48 કલાક પહેલા વરૂણ ચક્રવર્તી તેમજ સંદીપ વોરિયરના સંપર્કમાં આવનારા તમામ ખેલાડીની એપ દ્વારા ઓળખ કરવામાં આવશે.
ગુરૂવારે મેચ બાદ વરૂણ ચક્રવર્તી ખભાના સ્કેન માટે હોસ્પિટલ ગયો હતો
દિલ્હી કેપિટલ્સની સામે અમદાવાદમાં ગુરૂવારે રમાયેલી કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ પછી વરૂણ ચક્રવર્તી પોતાના ખભાનો સ્કેન કરાવવા માટે હોસ્પિટલ ગયો હતો અને તે પછી જ તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે એવું માનવામાં આવે છે કે હોસ્પિટલમાં સ્કેન માટે ગયા પછી જ તેને આ વાયરસનો ચેપ લાગ્યો હોવો જોઇએ.
રવિવારે પોઝિટિવ આવેલા સીએસકે સપોર્ટ સ્ટાફના 3 સભ્યોના રિપોર્ટ સોમવારે નેગેટિવ
ચેન્નાઇ સુપર કિંગ્સના સીઇઓ કાશી વિશ્વનાથન બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને સપોર્ટ સ્ટાફના અન્ય એક સભ્યનો ટેસ્ટ રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવ્યો હોવાનું કહેવાયું હતું, જો કે સોમવારે આ તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બીસીસીઆઇના એક ટોચના અધિકારીએ રવિવારના તેમના પોઝિટિવ રિપોર્ટને ખોટા ગણાવ્યા હતા. જો સોમવારનો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોત તો તેમણે પણ આઇસોલેશનમાં રહેવું પડ્યું હોત.
કોટલા મેદાનના કેટલાક ગ્રાઉન્ડસમેન પોઝિટિવ, ડીડીસીએએ કહ્યું તેમાંથી કોઇ ડ્યુટી પર નથી
દિલ્હીના ફિરોજશા કોટલા કે જેનું હવે અરૂણ જેટલી સ્ટેડિયમ નામકરણ કરાયું છે કેના કેટલાક ગ્રાઉન્ડસમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)ના અધ્યક્ષ રોહન જેટલીએ જો કે એવું કહ્યું હતું કે જે ગ્રાઉન્ડસમેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમાંથી એકને પણ મેદાન પર જવાબદારી સોંપવામાં આવી નહોતી, અર્થાત તેઓ ડ્યુટી પર નહોતા.