ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આઇપીએલની 14મી સિઝનની શરૂઆત પહેલા તમામ ફ્રેન્ચાઇઝી ટીમોને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માટે બનાવેલી એસઓપી સોંપી દીધી છે.
બીસીસીઆઇએ તમામ ફ્રેન્ચાઇઝી ટીમોને માહિતગાર કરી દીધા છે કે સમદ્ર આઇપીએલ દરમિયાન કોરોના વેક્સીનેસન કરવામાં નહીં આવે. જો કોઇ ખેલાડી કે અન્ય વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાશે તો ઓછામાં ઓછા 10 દિવસ સુધી તેણે આઇસોલેશનમાં રહેવું પડશે અને ફરી કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે અન્ય ઓપચારિકતા પૂર્ણ કર્યા પછી જ તેને બાયો બબલમાં પ્રવેશ અપાશે.
બબલ ઇન્ટેગ્રીટી મેનેજર્સ આ પ્રક્રિયા પર આકરી નજર રાખશે અને કોઇ પ્રકારનો ભંગ થતો જણાશે તો તેઓ ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરશે. એ પણ સ્પષ્ટ કરી દેવાયું છે કે જો કોઇ ખેલાડી કે અન્ય વ્યક્તિ ટૂર્નામેન્ટના બાયો બબલમાં એન્ટ્રી પહેલા વેક્સીન લગાવશે તો તેણે કવોરેન્ટાઇનમાં રહેવું પડશે અને ટેસ્ટિંગ પ્રક્રિયામાંથી પાસ થવું પડશે. બીસીસીઆઇએ આ ગાઇડલાઇન્સ આઇપીએલની એસઓપીમાં હેલ્થ એન્ડ સિક્યોરિટી પ્રોટોકોલ તરીકે દાખલ કરી છે. તમામ ટીમોને તેનાથી માહિતગાર કરાવી દેવામાં આવી છે.
આઇપીએલ માટે બીસીસીઆઇ કુલ 12 બાયો બબલ બનાવશે
આઇપીએલ માટે બીસીસીઆઇ દ્વારા જે એસઓપી તૈયાર કરવામાં આવી છે, તેને ધ્યાને લેતા એવું જાણવા મળે છે કે આઇપીએલની આ 14મી સિઝન દરમિયાન બીસીસીઆઇ કુલ 14 બાયો બબલ બનાવશે. જેમાંથી 8 બાયો બબલ તમામ આઠ ફ્રેન્ચાઇઝી માટે હશે જ્યારે બે મેચ ઓફિશિયલ્સ માટે અને બે મેનેજમેન્ટ ટીમ માટે હશે. આ ઉપરાંત બ્રોડકાસ્ટ કોમેન્ટેટેર અને ક્રુ માટે બે બાયો બબલ બનાવાશે.
બાયો બબલમાં પ્રવેશવા પહેલા 7 દિવસનો ફરજિયાત ક્વોરેન્ટાઇન
બીસીસીઆઇ દ્વારા જે ગાઇડલાઇન બનાવવામાં આવી છે તે અનુસાર કોઇ પણ વ્યક્તિ કે ખેલાડીએ આઇપીએલ માટેના બાયો બબલમાં પ્રવેશતા પહેલા 7 દિવસના ફરજિયાત ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. જો કે જે ખેલાડીઓ પોતાની નેશનલ ટીમના બાયો બબલમાં છે તેઓ ત્યાંથી સીધા પોતાની ફ્રેન્ચાઇઝી ટીમોના બાયો બબલમાં આવી શકશે.