ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની આતુરતાનો આજે અંત આવ્યો છે. 19મી સિઝનની શરૂઆત બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થઈ રહી છે, જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મુકાબલો રમાઈ રહ્યો છે. મેચ પહેલા સાંજે 7 વાગ્યે ટોસ ઉછાળવામાં આવ્યો હતો, જેમાં RCBએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મુકાબલામાં બંને ટીમો મજબૂત દેખાઈ રહી છે. RCBનું નેતૃત્વ રજત પાટીદાર કરી રહ્યા છે, જ્યારે SRHની કમાન ઈશાન કિશન સંભાળી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ સિઝનમાં પ્રથમ વખત તમામ ટીમોના કેપ્ટન ભારતીય ખેલાડીઓ છે, જે IPL માટે નવી બાબત છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 26 મેચ રમાઈ છે. જેમાં SRHએ 14 મેચ જીત્યા છે, જ્યારે RCBએ 11 જીત મેળવી છે અને એક મેચ રદ થઈ છે. જોકે, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBનો દબદબો રહ્યો છે. અહીં રમાયેલી 8 મેચમાંથી RCBએ 5 અને SRHએ 3 જીત્યા છે. RCBની ટીમમાં વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, જિતેશ શર્મા, કૃણાલ પંડ્યા અને ભુવનેશ્વર કુમાર જેવા મહત્વના ખેલાડીઓ સામેલ છે. બીજી તરફ SRHમાં ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા અને હર્ષલ પટેલ જેવા ખેલાડીઓ છે, જે મેચનો પાસો ફેરવી શકે છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ચાહકો માટે આ સિઝન ખૂબ જ ખાસ રહેવાની આશા છે, કારણ કે નવી કેપ્ટનશીપ, મજબૂત ટીમો અને સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.
આ વખતે BCCIએ IPL 2026 માટે ઓપનિંગ સેરેમની ન યોજવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે RCBના વિજય પછી બેંગલુરુમાં યોજાયેલી વિક્ટ્રી પરેડ દરમિયાન થયેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા. આ દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને આ વર્ષે કોઈ ઉદઘાટન સમારોહ રાખવામાં આવ્યો નથી.