સુરત: આપના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ સુરત મનપાના પદાધિકારીઓને આપવામાં આવતી સવલતો અંગે વિરોધ કર્યો હતો. પદાધિકારીઓને જે આઈફોન વાપરવા માટે આપવામાં આવે છે તે અંગે ધર્મેશ ભંડેરીએ આઈફોન ન આપી માત્ર સાદો એન્ડ્રોઈડનો સસ્તો ફોન આપવા માંગણી કરી હતી. જે અંગે ભાજપના નેતાઓ દ્વારા અકળામણ શરૂ કરવા માંડી છે. બળાપો કાઢતાં ભાજપનાં મહિલા કોર્પોરેટર ઉર્વશી પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને તેમાં લખ્યું હતું કે, ‘‘પેલા આપીયાને સમજાવો કોક, એન્ડ્રોઈડ ફોન એ આઈફોન જેટલો જ મોંઘો આવે, બહુ હોંશિયારી હોય તો ફોન જ ના લેવાય…’’
બીજી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ‘‘કાલે વરાછા ચોપાટી પર બેઠા એક આપીયા ભાઈ માથું ખંજવાળતા હતા. રસ્તા પર જતા એક ભાઈએ પૂછ્યું શું થયું. તો કે અમને કીધું છે, પાર્ટીમાંથી કે સત્તા પક્ષની ભૂલો શોધો…પણ સાલુ આજે મળી નહીં’’. એક બાજુ આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાના રૂપિયાનો બેફામ ઉપયોગ ન કરવા સત્તાપ ક્ષને અપીલ કરાઈ રહી છે, તેમાં પણ ભાજપના કોર્પોરેટરોને વાંધો આવતો હોય તેવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. અન્ય એક પોસ્ટમાં ઉર્વશી પટેલે એવું પણ લખ્યું હતું કે, ‘મોબાઇલ કરતાં તમને ફાળવાયેલી ગાડી ઘણી મોંધી છે, તે પણ ના લેવાય ભાઇ’.
અત્રે ઉલ્લેખનીય છે કે, આપના નેતા દ્વારા મનપા દ્વારા અપાતો મોંઘો આઈફોન લેવાની ના પાડવામાં આવતાં હવે ભાજપના પદાધિકારીઓની પણ કસોટી થનાર છે. જો ભાજપના પદાધિકારીઓ આઈફોન લઈ લેશે તો તેઓ પ્રજાના કરવેરાના નાણાંમાંથી સવલતો ભોગવી રહ્યાં છે તેવું લાગશે.
ચા-નાશ્તા પર ખોટો ખર્ચ ન કરવા આપની નસીહત
સુરત : સુરત મનપાના પદાધિકારીઓ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, શાસકપક્ષ નેતા અને વિપક્ષના નેતાને મનપા દ્વારા ઓફિસ, ગાડી, મોબાઇલ વગેરેની સુવિધા પ્રજાના કરવેરાના નાણામાંથી આપવામાં આવે છે. જેમાં મસમોટી ગાડીઓ અને મોંધા આઇફોન નેતાઓ દ્વારા હોંશે-હોંશે સ્વિકારવામાં આવે છે, ત્યારે હવે સુરત મહાપાલિકામાં વિપક્ષ આપના નેતા ધર્મેશ ભંડેરીએ પોતાનો મોંઘો આઈફોન આપવાને બદલે જેનાથી કામ ચાલી શકે તેવો સાદો એન્ડ્રોઈડ ફોન આપવા માટે મ્યુનિ. સેક્રેટરીને પત્ર લખ્યો છે.
પોતાના પત્રમાં ધર્મેશ ભંડેરીએ જણાવ્યું છે કે, મનપાના પદાધિકારીઓને અપાતી સવલતો પ્રજાના કરવેરાના નાણાંમાંથી અપાય છે. જેથી નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને જે મોબાઇલ આપવાના છે તે મોંધા આઇફોનને બદલે કોઇ પણ સારો એન્ડ્રોઇડ ફોન આપજો. અત્રે ઉલ્લેખનીય છે કે, મનપામાં મજબુત વિપક્ષ તરીકે સ્થાપિત થયેલા આમ આદમી પાર્ટીએ પ્રજાના નાણામાંથી થતા ખોટા ખર્ચ પર કાપ મુકવા માટે રજુઆતો શરૂ કરી દીધી છે. બે દિવસ પહેલા એક વિપક્ષી નગર સેવક દ્વારા મીટિંગોમાં થતા ચા-નાસ્તાના ખર્ચ પર કાપ મુકવાની માંગ કરવામાં આવી હતી.