Gujarat

‘ભવ્ય કાશી દિવ્ય કાશી’ અભિયાન અંતર્ગત દેશના ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઇથી આવ્યા પછી હવે ઉત્તરપ્રદેશના પ્રવાસે જવાના છે. આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય ભાજપે દેશના ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને ઉત્તરપ્રદેશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી 13 થી 15 ડિસેમ્બર દરમ્યાન પ્રવાસ કરશે.દિવ્યકાશી-ભવ્ય કાશી કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓને ઉત્તરપ્રદેશ જવાનો આદેશ કરવામાં આવ્યો છે. 14મી ડિસેમ્બરે વારાણસીમાં પાર્ટી એક સંમેલનનું આયોજન કરી રહી છે જેમાં મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહેવાના છે. આ ત્રણ દિવસ દરમ્યાન વારાણસીમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના અધ્યક્ષ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક પણ કરવાના છે.ભાજપના આ ટોચના નેતાઓ વારાણસીમાં ગંગા આરતીનો લાભ લેશે, એ ઉપરાંત અયોધ્યાના રામમંદિરના દર્શને પણ જશે. દિવ્ય કાશી ભવ્ય કાશી અભિયાન 13મી ડિસેમ્બર થી 14મી જાન્યુઆરી સુધી યોજાવાનું છે.

આ તમામ તૈયારી ચૂંટણીલક્ષી હોવાનું સૂત્રો જણાવે છે. અભિયાનના પ્રથમ દિવસ વડાપ્રધાન કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્દઘાટન કરશે. વારાણસીમાં 14મી ડિસેમ્બરે કુલ 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ નાયબ મુખ્યમંત્રીઓનું સંમેલન યોજનાર છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ સામેલ હશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણ પછી તમામ મુખ્યમંત્રીઓને 51 શિવ મંદિરોના દર્શન કરાવવામાં આવશે. વારાણસીમાં આ મંદિરોને વિશેષરૂપથી સજાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાં દેશભરના 3000થી પણ વધુ સંતો તેમજ ધર્માચાર્ય ઉપસ્થિત રહેશે. દેશના 51000 સ્થાનો પર વારાણસીના તમામ ધાર્મિક કાર્યક્રમોનું લાઇવ પ્રસારણ કરાશે.

પીએમ મોદીના નેતૃત્વમાં ઐતિહાસિક મંદિરોના નિર્માણનું કાર્ય હાથ ધરાયું : પાટીલ
ગાંધીનગરમાં શુક્રવારે બપોરે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથના જીર્ણોદ્ધાર માટે સંકલ્પ કર્યો હતો. કાશીવિશ્વનાથ મંદિરની આજુબાજુ જે કાઇ ગેરકાયદેસર દબાણો હતા બાકીના અવરોધો હતા તે દુર કરી કાશીનું નિર્માણ કરવામાં આવ્યું, તેને શબ્દોમાં વર્ણાવી શકાય નહી તેટલું ભવ્ય મંદિરનું નિર્માણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. પીએમ મોદીજીએ એક પછી એક આપણા ઐતિહાસીક સ્થળો, ધાર્મિક સ્થળોનો વિકાસ કરવો, જીણોદ્ધાર કરવાના કામને પ્રધાન્ય આપ્યું છે.

ગુજરાતમાં ગામડે વસતા લોકો તેમના સ્થાને કાશીવિશ્વનાથના દર્શન કરી શકે તેવો પ્રયાસ આખા દેશમાં કરવામાં આવશે. ધારાસભ્યો ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને મદિરોમાં પૂજા અર્ચના કરાશે, જેમાં ધારાસભ્યો તથા ચુંટાયેલા પ્રતિનિધિઓ દરેક મંડળ–તાલુકાના કેન્દ્ર પર રહેશે, તાલુકાના આગેવાનો પણ દરેક ગામોમાં ઉપસ્થિત રહેશે. ગામમાં જળા અભિષેક થશે ગામના લોકો સામૂહિક રીતે કાર્યક્રમને નિહાળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. સમગ્ર ગુજરાતભરમાં 579 સંગઠનના મંડળો છે ત્યા પણ ભવ્યસ્વરૂપે કાર્યક્રમ યોજવામાં આવશે અને 41 સંગઠનના જિલ્લામાં મોટા કાર્યક્રમમાં સાધુ સંતો વિશેષ ઉપસ્થિત રહેશે.

Most Popular

To Top