જ્યાં ભ્રષ્ટાચાર વ્યાપેલો હોય ત્યાં નીતિમત્તા અદૃશ્ય હોય છે. રાજનેતાઓ અને સરકાર પ્રત્યે નીતિમત્તાની અપેક્ષા ભાગ્યે જ રખાય. બાકીના બધા વ્યવહારો માટે નીતિમત્તાનો આગ્રહ રાખી શકાય. આપણા દેશમાં ધર્મસંસ્કારની વાતો તો ઘણી થાય છે પણ આચરણમાં નિરાશા જ જોવાય છે. પાશ્ચાત્ય જીવનશૈલીમાં ઘણી બાબતોમાં વિવાદ હોઈ શકે પણ લોકશાહીને અનુરૂપ વ્યવસ્થા પણ પ્રસ્થાપિત છે. કેલિફોર્નિયાનો એક હેવાલ દર્શાવે છે કે ત્યાંના નાગરિક સુવિધાનાં કામો અને વિકાસ યોજનાઓમાં નીતિમત્તા અગ્રસ્થાને હોય છે. રસ્તાઓનું સમારકામ કે નવા રસ્તા તૈયાર કરવાનાં કામો ચાલુ હોય ત્યારે સ્પષ્ટ રીતે લખાણ સાથેના બોર્ડ પર જણાવાયું હોય છે કે ‘‘યોર ટેક્ષ ડોલર્સ એટ વર્ક’’એટલે કે તમારા ભરેલા ટેક્ષના નાણાંમાંથી આ કામ થઈ રહ્યું છે.
તેની સાથે જ કામ કઈ તારીખે શરૂ થયું અને ક્યારે પૂરું થશે તેનો ઉલ્લેખ પણ હોય છે. એ કામ જેમને સોંપાયું હોય તે કોન્ટ્રાક્ટર અને ઓડિટરનાં નામો પણ લખેલાં હોય છે. નાગરિકો તેમના ભરેલા ટેક્ષનાં નાણાં થકી થતો ખર્ચ બરાબર થઈ રહ્યો છે તેવું ઉચ્ચ ગુણવત્તાનું જીવન અનુભવી શકે છે, પારદર્શક તંત્રનો સંતોષ થાય છે. ખુલ્લી કિતાબ જેવો હિસાબ જાહેર થાય છે. લોકોએ રાઈટ ટુ ઈન્ફોર્મેશન જેવી તસ્દી લેવી પડતી નથી. કલ્યાણકારી કાયદાઓનું ચુસ્ત પાલન થાય છે. કાયદાનો ડર પણ રહે છે. આપણે ત્યાં પણ જે તે પ્રોજેક્ટની તમામ માહિતી કામ દરમ્યાન અને તે પછી કાયમ માટે તકતીની જેમ ખાસ મુકાવી જોઈએ.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.