Columns

ક્રિપ્ટોના કડાકાને કારણે રોકાણકારોના ૧.૩૩ ટ્રિલિયન ડોલર ધોવાઈ ગયા છે

ક્રિપ્ટોકરન્સી અને ખાસ કરીને બિટકોઈનના ભાવોમાં જબરદસ્ત કડાકો ચાલી રહ્યો છે. એક બિટકોઈનની કિંમત એકાદ મહિના પહેલાં ૧,૨૫,૦૦૦ ડોલર બોલાતી હતી તે આજે ઘટીને ૮૦,૦૦૦ ડોલર ઉપર આવી ગઈ છે. બિટકોઈનના ભાવોમાં ૨૫ ટકાથી વધુ કડાકો બોલી ગયો છે. આ વાતાવરણમાં રિચ ડેડ પુઅર ડેડ ના લેખક રોબર્ટ કિયોસાકીએ ખુલાસો કર્યો કે તેમણે ૨૨.૫ લાખ બિટકોઈન લગભગ ૯૦,૦૦૦ ડોલરના ભાવમાં વેચ્યા છે.

તેમણે વર્ષો પહેલાં ક્રિપ્ટોકરન્સી ખરીદી હતી, જ્યારે બિટકોઈનની કિંમત ૬,૦૦૦ ડોલરની આસપાસ હતી. બિટકોઈન જાયન્ટ ઓવેન ગુન્ડેન દ્વારા લગભગ ૧.૩ અબજ ડોલર મૂલ્યના તેમના લગભગ સમગ્ર બિટકોઈન હોલ્ડિંગ્સને વેચી દીધા તેના થોડા સમય પછી કિયોસાકીનો ખુલાસો થયો છે. કિયોસાકી દલીલ કરે છે કે એક દાયકા કરતાં વધુ સમય પહેલાં તેમણે જે મંદીની આગાહી કરી હતી તે હવે વાસ્તવિક સમયમાં પ્રગટ થઈ રહી છે. બિટકોઇનમાંથી મળેલી રોકડ રકમથી હું બે સર્જરી સેન્ટર ખરીદી રહ્યો છું અને બિલબોર્ડ બિઝનેસમાં રોકાણ કરી રહ્યો છું. મારો અંદાજ છે કે સર્જરી સેન્ટરો અને બિલબોર્ડ બિઝનેસમાં મારું ૨૨.૫ લાખ બિટકોઇનનું રોકાણ ફાયદાકારક રહેશે.

ઇતિહાસનો સૌથી મોટો ક્રેશ પહેલાંથી જ શરૂ થઈ ગયો છે અને તે અમેરિકા, યુરોપ અને એશિયામાં ફેલાઈ રહ્યો છે. નાણાંકીય બજારો દબાણ હેઠળ છે અને કૃત્રિમ બુદ્ધિમત્તા રોજગાર બજારોને ભયાનક ગતિએ બદલી રહી છે. તેમણે રોકાણકારોને તાત્કાલિક પોતાની સંપત્તિ સોના, ચાંદી જેવી દુર્લભ ધાતુઓમાં સ્થાનાંતરિત કરવાની વિનંતી કરી છે. કિયોસાકીએ ચાંદીના ભાવનો વિગતવાર અંદાજ રજૂ કર્યો છે, જેમાં તેમણે કહ્યું કે ચાંદીનો ભાવ આજે ઔંસ દીઠ ૫૦ ડોલર છે પણ હું આગાહી કરું છું કે ચાંદીનો ભાવ ટૂંકમાં ૭૦ ડોલર ૨૦૨૬ માં ૨૦૦ ડોલર સુધી પહોંચશે.

કિયોસાકી માને છે કે આ મંદી રોકાણકારો માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. લાખો લોકોને ગંભીર નાણાંકીય નુકસાન થઈ શકે છે, પરંતુ જેઓ શરૂઆતમાં પોતાનું સ્થાન નક્કી કરે છે, તેમને આધુનિક ઇતિહાસમાં સૌથી મોટી સંપત્તિ ટ્રાન્સફરનો લાભ મળશે. કિયોસાકી પાસે પહેલાથી જ અન્ય રિયલ-એસ્ટેટ રોકાણો છે, જે સ્થિર અને નફાકારક રોકડ પ્રવાહ ઉત્પન્ન કરે છે.

બિટકોઇનને ડિજિટલ દુનિયાનું સોનું કહેવામાં આવે છે. તે એક ડિજિટલ ચલણ છે, જે કોઈ પણ બેંક કે સરકારના નિયંત્રણ વિના કાર્ય કરે છે. એટલે કે તે વિકેન્દ્રિત છે. કોઈ એક સત્તાનું તેના પર નિયંત્રણ નથી. બિટકોઇન કોઈ ભૌતિક સિક્કો કે નોટ નથી, પરંતુ એક ડિજિટલ કોડ છે જે તમારા ડિજિટલ વોલેટમાં રહે છે. જેમ તમે WhatsApp પર સંદેશા મોકલો છો, તેવી જ રીતે તમે ઇન્ટરનેટ દ્વારા વિશ્વમાં ગમે ત્યાં બિટકોઇન મોકલી શકો છો. તેની સંખ્યા પણ મર્યાદિત છે.

વિશ્વના સૌથી પ્રખ્યાત રોકાણકારોમાંના એક, વોરન બફેટે વારંવાર બિટકોઇનને રોકાણ કરતાં સટ્ટા તરીકે વર્ણવ્યું છે અને ચેતવણી આપી છે કે મોટો ક્રેશ લાખો રોકાણકારોની સંપત્તિનો નાશ કરી શકે છે. તેમણે બિટકોઇનની સીધી સરખામણી જુગાર સાથે કરીને રોકાણકારોને સ્ટોક અને બોન્ડ જેવી પરંપરાગત સંપત્તિઓ સાથે વળગી રહેવા વિનંતી કરી છે, જેને તેઓ સુરક્ષિત અને વધુ સ્થિર માને છે.

છેલ્લા કેટલાક દિવસોથી ક્રિપ્ટો માર્કેટ ઊથલપાથલનો સામનો કરી રહ્યું છે. ક્રિપ્ટોકરન્સીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે રોકાણકારોને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. બિટકોઈનની કિંમત તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી લગભગ ૩૦ ટકા ઘટી ગઈ છે. ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડો યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની ઓછી અપેક્ષાઓ, ચાલુ વૈશ્વિક અસ્થિરતા, મોટા અને જૂના રોકાણકારો દ્વારા વેચાણ અને અન્ય મંદીનાં કારણોસર હોઈ શકે છે.

વૈશ્વિક ક્રિપ્ટો બજારનું મૂલ્ય ૩ ટ્રિલિયન ડોલરથી નીચે આવી ગયું છે. ઓક્ટોબરમાં તે ૪.૨૮ ટ્રિલિયન ડોલર હતું અને હવે તે ઘટીને ૨.૯૫ ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. રૂપિયામાં મૂલ્ય વિચારતાં તે આશરે ૩૭૯ લાખ કરોડ રૂપિયાથી ઘટીને લગભગ ૨૮૦ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે, જેનો અર્થ એ થયો કે લગભગ એક મહિનામાં મૂલ્યમાં ૩૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે. ક્રિપ્ટો માર્કેટમાં બિટકોઈનનો હિસ્સો આશરે ૫૮ ટકા છે, જ્યારે ઈથેરિયમનો હિસ્સો ૧૨ ટકા અને અન્યનો હિસ્સો ૩૦ ટકા છે. એક મહિનામાં બિટકોઈનનું મૂલ્ય ઘટીને ૭૬ લાખ રૂપિયા થઈ ગયું છે, જે તેના સર્વકાલીન ઉચ્ચતમ ૧.૧ કરોડ રૂપિયાથી આશરે ૩૪ લાખ રૂપિયાનો ઘટાડો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોંધપાત્ર નુકસાન થયું છે. તેમની કુલ સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ફોર્બ્સના અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પની કુલ સંપત્તિમાં ૧.૧ અબજ ડોલરનો ઘટાડો થયો છે અને તેની પાછળનું સૌથી મોટું કારણ ખાસ કરીને મુખ્ય ક્રિપ્ટો બિટકોઇનનું ક્રેશ હોવાનું કહેવાય છે. વધુમાં ક્રિપ્ટો કરન્સી બાબતમાં ફિયર અને ગ્રીડ ઇન્ડેક્સ પણ ૧૧ને પાર પહોંચી ગયો છે. આનો સીધો અર્થ એ છે કે રોકાણકારોમાં ભયનું વાતાવરણ છે. તેઓ બજારમાં વિશ્વાસનો અભાવ પણ દર્શાવી રહ્યા છે. દરમિયાન, બિટકોઇનના સૌથી જૂના અને સૌથી મોટાં રોકાણકારોમાંના એક ઓવેન ગુન્ડેને ૨૧ ઓક્ટોબર, ૨૦૨૫ થી ૧૧,૦૦૦ બિટકોઇન વેચ્યા છે, જેનું કુલ મૂલ્ય ૧.૩ ટ્રિલિયન રૂપિયા છે. આ વેચાણથી બજાર પર વધુ દબાણ આવ્યું છે.

બિટકોઈનના રાજા ગણાતા ઓવેન ગુન્ડેને અચાનક એક એવું પગલું ભર્યું છે જેને સમજવા માટે આખી ક્રિપ્ટો દુનિયા સંઘર્ષ કરી રહી છે. કલ્પના કરો, એક વ્યક્તિ જેણે બિટકોઈન ૧ ડોલર કરતાં ઓછી કિંમતના હતા ત્યારે ખરીદ્યા હતા, તેણે આજે તેના બધા બિટકોઈન વેચી દીધા છે અને લગભગ ૧.૩ અબજ ડોલર સાથે બજારમાંથી બહાર નીકળી ગયા છે. ટ્રોન વીકલીના એક અહેવાલમાં જણાવાયું છે કે તેણે લગભગ ૧૧,૦૦૦ બિટકોઈન વેચ્યા છે.

બિટકોઈનની દુનિયામાં આ કોઈ નાનું પગલું નથી, પરંતુ તેને એક યુગનો એક વળાંક માનવામાં આવી રહ્યો છે. કેટલાંક લોકો કહી રહ્યાં છે કે ઓવેને બજારમાં ભય ફેલાવવા માટે આ કર્યું છે, પણ એવું બિલકુલ નથી. આ નફો કમાવાની ચાલ હતી. તેમને લાગ્યું હશે કે વર્તમાન બિટકોઇન ચક્ર તેની ટોચની નજીક છે અથવા તેઓ તેમના અબજો ડોલરને નવી ટેકનોલોજીમાં રોકાણ કરવા માંગતા હશે.

ઓવેનના આ પગલાં બાદ ક્રિપ્ટોક્વાન્ટનો બુલ સ્કોર ઇન્ડેક્સ પણ ઘટીને ૨૦ થઈ ગયો છે. બજારની ભાષામાં આને એક્સ્ટ્રીમ બેરિશ (મહામંદી) કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે રોકાણકારોમાં ભય અને અનિશ્ચિતતા વધી ગયાં છે. આશ્ચર્યજનક રીતે મોટાં સંસ્થાકીય રોકાણકારો બિટકોઇનમાં ઝડપી દરે તેમનાં નાણાં ઠાલવી રહ્યાં છે. ટ્રોન વીકલીના મતે સંસ્થાકીય ભાગીદારી, જે ૨૦૨૪ ના બીજા ક્વાર્ટરમાં ૨૭ ટકા હતી, તે હવે લગભગ ૪૦ ટકા સુધી વધી ગઈ છે. આનો અર્થ એ છે કે જ્યારે મોટા ખેલાડીઓ પ્રવેશ કરી રહ્યાં છે, ત્યારે ઓવેન જેવા અનુભવીઓ બહાર નીકળી રહ્યા છે. આ વિરોધાભાસ બજારને વધુ રસપ્રદ અને જટિલ બનાવી રહ્યો છે.

રસપ્રદ વાત એ છે કે, થોડાં અઠવાડિયાં પહેલાં જે વેપારીઓ બિટકોઈનને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા હતા તેઓ હવે ૭૪ કરોડ ડોલરથી વધુ મૂલ્યના ડાઉનસાઇડ કોન્ટ્રાક્ટ ખરીદી રહ્યા છે. તેજીવાળા કોન્ટ્રાક્ટમાં રસ લગભગ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયો છે. મોટાં સંસ્થાકીય રોકાણકારો બજારની તેજીનું મુખ્ય પ્રેરક બળ છે, પરંતુ આ વખતે તેમને જ નોંધપાત્ર નુકસાન સહન કરવું પડ્યું છે. ક્રિસ ન્યુહાઉસ કહે છે કે છેલ્લા છ મહિનામાં ખરીદી કરનારાં મોટા ભાગનાં રોકાણકારો હવે ખૂબ જ ગેરલાભમાં છે અને નવી ખરીદી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે. આનાથી બજારના મનોવિજ્ઞાન પર વિનાશક અસર પડી છે અને ભયનું પરિબળ વધુ ઊંડું થયું છે.

જે કંપનીઓ તેમના કોર્પોરેટ ટ્રેઝરીમાં ડિજિટલ સંપત્તિ ધરાવે છે તેઓ સૌથી વધુ દબાણનો સામનો કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં ઘણી કંપનીઓએ તેમની બેલેન્સ શીટને મજબૂત બનાવવા માટે મોટી માત્રામાં ક્રિપ્ટોકરન્સીઓ ખરીદી હતી. દાખલા તરીકે માઈકલ સેલરની સ્ટ્રેટેજી ઇન્કે તાજેતરમાં ૮૩.૫ કરોડ ડોલરના મૂલ્યના બિટકોઇન ખરીદ્યા હતા, પરંતુ અન્ય કંપનીઓને હવે તેમના નુકસાનને મર્યાદિત કરવા માટે ક્રિપ્ટોકરન્સીની સંપત્તિ વેચવાની ફરજ પાડવામાં આવી રહી છે. કંપનીઓ દ્વારા કરાતું આ ફરજિયાત વેચાણ બજાર પર વધુ દબાણ લાવી રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top