Business

સહી હૈ…!, એક જ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 83 ટકા વધ્યું, કેમ લોકો વધુ રોકાણ કરી રહ્યાં છે? જાણો..

નવી દિલ્હી: મ્યુચ્યુઅલ ફંડ્સ વધુને વધુ લોકપ્રિય બન્યા છે. તેનું કારણ પરંપરાગત રોકાણ માધ્યમોની સરખામણીમાં ઊંચું વળતર છે અને આ કેટેગરીમાં નાની રકમથી રોકાણથી શરૂ કરી શકાય છે. જેના લીધે મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. હવે વધુ એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.

મે મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં જોરદાર વધારો થયો હતો અને તે 34,697 કરોડ રૂપિયાના રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. આ આંકડો પાછલા મહિના કરતાં 83 ટકા વધુ છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ) ના અહેવાલમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે.

રોકાણ આટલું ઝડપથી કેમ વધ્યું?
મોર્નિંગ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાના રિસર્ચના એસોસિયેટ ડિરેક્ટર-મેનેજર હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તૂટક તૂટક કરેક્શનથી રોકાણકારોને બજારમાં ખરીદી કરવાની તક મળી છે. ઉપરાંત નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની આગેવાની હેઠળની સરકાર ફરી સત્તામાં આવશે તેવી આશાએ પણ રોકાણકારોની ખરીદીને વેગ આપ્યો હતો.

આ કારણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઝડપથી વધ્યું છે. રોકાણકારો એ ધારણા સાથે રોકાણ કરી રહ્યા છે કે તેઓને છેલ્લાં 10 વર્ષમાં જેટલું મળ્યું છે તેવું જ આગામી પાંચ વર્ષમાં ઉત્તમ વળતર મળશે. તેથી રોકાણ ઝડપથી વધ્યું છે.

મે મહિનામાં SIP કેટેગરીમાં રોકાણ વધીને રૂ. 20,904 કરોડ થયું હતું
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi) એ જાહેર કરેલા ડેટામાં જણાવ્યું હતું કે ઇક્વિટી ફંડ્સમાં ચોખ્ખું રોકાણનો આ સતત 39મો મહિનો છે. વધુમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs)માંથી માસિક યોગદાન એપ્રિલમાં રૂ. 20,371 કરોડથી વધીને મે મહિનામાં રૂ. 20,904 કરોડ થયું છે.

આ યોજનાઓમાં માસિક રોકાણ સતત બીજા મહિને રૂ. 20,000 કરોડને વટાવી ગયું છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં મે મહિનામાં રૂ. 1.1 લાખ કરોડનો એકંદર નાણાપ્રવાહ જોવા મળ્યો હતો, જે અગાઉના એપ્રિલમાં રૂ. 2.4 લાખ કરોડ હતો. આ પ્રવાહ ઇક્વિટી તેમજ ડેટ સ્કીમ્સમાં રોકાણને કારણે હતો.

આ રોકાણ સાથે ઉદ્યોગની નેટ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) મેના અંતે વધીને રૂ. 58.91 લાખ કરોડ થઈ છે જે એપ્રિલના અંતે રૂ. 57.26 લાખ કરોડ હતી. ડેટા અનુસાર મે મહિનામાં ઇક્વિટી સંબંધિત સ્કીમ્સમાં રૂ. 34,697 કરોડનું રોકાણ આવ્યું હતું, જે એપ્રિલમાં રૂ. 18,917 કરોડના આંકડા કરતાં ઘણું વધારે છે.

Most Popular

To Top