તમને યાદ છે, 2022માં ChatGPTએ કેવો માહોલ બનાવ્યો હતો? ChatGPT પર સવાલો પૂછીને એના જવાબો પરથી એની બુદ્ધિમત્તાની વાહવાહી થતી હતી. લોકો કહેવા લાગ્યા હતા કે બસ, હવે માણસની બધી નોકરીઓ જોખમમાં છે. તે એટલે સુધી કે પ્રોજેક્ટ્સના રાઈટિંગથી લઈને સર્ચ સુધીમાં થોડા દિવસોમાં જ ChatGPTનો દબદબો જોવા મળ્યો હતો. ગણતરીના દિવસોમાં એના યુઝર્સનો આંકડો કરોડોને પાર પહોંચી ગયો હતો.
જો તમે શરૂઆતથી જ AI ચેટબોટ્સના અપડેટ્સ ફોલો કરતાં હશો તો તમને એ પણ યાદ હશે કે ગૂગલની મોનોપોલી તૂટી જશે અને સર્ચ એન્જિનનો યુગ પૂરો થઈ જશે એવી અટકળો શરૂ થઈ ગયેલી. સર્ચ એન્જિનમાં 90-92% હિસ્સો ધરાવતા ગૂગલના માલિકોને અને CEOને પરસેવો છૂટી ગયો હતો. તે એટલે સુધી કે ભારતીય મૂળના સુંદર પીચાઈએ સ્થાપકોને દખલ આપવા વિનંતી કરી હતી. આમ તો ગૂગલે AI ટેકનોલોજી પર કામ શરૂ કર્યું હતું પરંતુ એ પ્રોજેક્ટ પૂરો થાય તે પહેલાં જ ઓપન AIએ મોકા પર ચોકો મારીને ચર્ચા જગાવી દીધી હતી. પછી તો ગૂગલે પણ જેમિનાઈ લોંચ કરીને ટક્કર આપવાનું શરૂ કર્યું.

જો તમને સ્મરણ હોય તો ત્યારે માઈક્રોસોફ્ટના CEO સત્ય નાડેલા ભારતમાં આવેલા અને તેમણે ChatGPTનું ડેમોન્સ્ટ્રેશન પણ કર્યું હતું કારણ કે માઈક્રોસોફ્ટ AIને ફંડ આપતું હતું અને આ ચેટબોટને માઈક્રોસોફ્ટના સર્ચ એન્જિન બિંગ સાથે જોડીને ગૂગલને ટક્કર આપવાની ગણતરી હતી. ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવી ટોચની બે ટેકનોલોજી કંપનીઓ વચ્ચે AIની સ્પર્ધા શરૂ થઈ પછી તો દુનિયાભરમાં AI માણસને રિપ્લેસ કરી દેશે એવી હવા બંધાઈ ગઈ હતી.
મોટી મોટી કંપનીઓએ AIમાં રોકાણ કરવા માટે અલાયદું ફંડ ફાળવી દીધું હતું. કંપનીઓને લાગ્યું હતું કે માણસને બદલે AI એજન્ટ બહુ ઉપયોગી થઈ પડશે. જો AIમાં રોકાણ નહીં કરીએ તો પાછળ રહી જઈશું. ટેકનોલોજીના ક્ષેત્રની કંપનીઓમાં AIના કારણે છટણીનો દૌર પણ ચાલ્યો હતો. લોકોમાં AIના કારણે જોબ ગુમાવવાનો ડર હતો.
જો કે આ બધી વાતો હવે ત્રણ વર્ષ પછી બદલાઈ ગઈ છે. હવે નવા અહેવાલમાં દાવો થયો છે કે AIના અનેક પ્રોજેક્ટ્સ અધવચ્ચે લટકી પડયા છે. અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના લેટેસ્ટ અહેવાલમાં કહેવાયું કે AIના જે પ્રોજેક્ટ શરૂ થયા હતા એમાંથી 5% પ્રોજેક્ટ જ સફળ થયા છે. 95% પાયલટ પ્રોજેક્ટ અદ્ધરતાલ રહી ગયા છે. મોટાભાગની કંપનીઓએ AI ટૂલ્સને એડપ્ટ કરવામાં ઉત્સાહ બતાવ્યો પરંતુ કંપનીઓને એમાં ફાયદો જણાયો નહીં એટલે પ્રોજેક્ટ પડતાં ÜðÜમુકાયા. ‘ધ જેન ડિવાઈડ – સ્ટેટ ઓફ AI ઈન બિઝનેસ-૨૦૨૫’ નામના અહેવાલમાં કહેવાયું કે AI પર પૂરી ન કરી શકાય એવી અપેક્ષાનો બોજ હતો. અસરકારકતાનો અભાવ જોવા મળ્યો અને સ્પેશ્યલ એડપ્શન પણ ધારણા પ્રમાણે થયું નહીં. સ્પેશ્યલ એડપ્શન એને કહેવાય કે કોઈ કંપની એની સર્વિસ પ્રમાણે AI એજન્ટ બનાવીને એની સર્વિસ લેવાની શરૂ કરે પરંતુ એવા સ્પેશ્યલ એજન્ટ બનાવવાનું મોંઘું છે ને પછીય એની પાસેથી ધારણા પ્રમાણે કામ લઈ શકાતું નથી. તેના પરિણામે કંપનીઓએ ફંડ આપવાનું ટાળ્યું છે.
છેલ્લા ઘણા સમયથી એવી હવા ચાલતી હતી કે ChatGPT, ક્લાઉડ અને જેમિનાઈ જેવા AI ટૂલ્સ વર્ક પ્લેસને બદલી નાખશે. માણસને રિપ્લેસ કરીને એનું સ્થાન AI લઈ લેશે. MITએ AIના પાયલટ પ્રોજેક્ટનું એનાલિસિસ કર્યું તો જણાયું કે મોટી મોટી કંપનીઓને AIથી મોહભંગ થઈ ગયો છે. માત્ર ૩૦% AI મોડલ્સ જ ઓફિસ સ્ટાફનું કામ કરી શકે તેમ છે. એ પછીનું કામ તો માણસોએ જ કરવું પડે છે, તેથી કંપનીઓએ એવું વિચાર્યું કે ૩૦% કામ માટે AI ટૂલ્સ વિકસાવવાનુ મોંઘું પડશે. AI ટૂલ્સ નિષ્ફળ જાય છે એ પાછળ લર્નિંગ ગેપ પણ એક મહત્ત્વનું કારણ છે.
ઘણી કંપનીઓએ ઉત્સાહમાં AI ટૂલ્સ પાસેથી કામ લેવાનો પ્રારંભ કર્યો છે પરંતુ એને પોતાની કંપનીને અનુરૂપ ડિઝાઈન કરવા પાછળ ફંડ ફાળવવામાં આવતું નથી. અત્યાર પૂરતી એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે AI એક એવો ફુગ્ગો સાબિત થયો છે, જે બહુ વહેલો ફૂટી જશે. તમે વિચાર કરો કે માણસ નકામો થઈ જાય તો કંપનીઓ સામું ન જોતી હોય ત્યારે ચેટબોટને તો ક્યાંથી ભાવ આપે!
- આનંદ ગાંધી