સુરત: (Surat) શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચોરી કરેલાં વાહનો (Vehicles) લઇ જઇ અન્ય જગ્યાએ પાર્ક કરી દેવામાં આવે છે. નો-પાર્કિંગ ઝોન તેમજ અન્ય લોકોને નુકસાન થાય તેવી રીતે પાર્ક કરેલાં વાહનોને સુરત ટ્રાફિક (Traffic Police) પોલીસના રિજયન-1ના વિભાગ દ્વારા ટોઇંગ કરેલાં વાહનોની તપાસ કરતાં તેમાંથી કુલ 11 વાહનો ચોરીનાં હોવાનું બહાર આવ્યું હતું. આ વાહનો અંગે જે-તે પોલીસ મથકને જાણ કરી દેવામાં આવી હતી. બીજી તરફ સિંગણપોર અને ડભોલીમાંથી વાહન ચોરતી ગેંગ પકડાઇ છે.
સુરત પોલીસની રિજયન-1એ કતારગામ, સલાબતપુરા, વરાછા, ઉધના, પુણા, કાપોદ્રા વિસ્તારમાંથી વાહનો ટોઇંગ કરવાનું શરૂ કર્યું હતું. વાહનોની પોકેટ કોપમાં તેના રજિસ્ટ્રેશન નંબર તેમજ ચેસીસ નંબરના આધારે વાહનોના માલિક સુધી પહોંચવાની તજવીજ કરાઇ હતી. દરમિયાન પોલીસની તપાસમાં કુલ 11 વાહનો ચોરીના હોવાનું નીકળ્યું હતું. આ વાહનો ચોરાયાં અંગેની જે-તે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદો પણ નોંધાઇ હતી. પોલીસની તપાસમાં સૌથી વધારે વરાછા પોલીસ મથકના 6, ઉધના પોલીસ-1, કતારગામ, સલાબતપુરા, પુણા અને કાપોદ્રા પોલીસનાં પણ 1-1 વાહનો નીકળી આવ્યાં હતાં. પોલીસે 11 વાહનની જાણ જે-તે પોલીસ મથકના અધિકારીને કરી હતી અને મુદ્દામાલ મેળવી લેવા માટેની તજવીજ શરૂ કરી હતી.
સિંગણપોર અને ડભોલીમાંથી વાહન ચોરતી ગેંગ પકડાઇ
સુરત : સિંગણપોર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન એક મોપેડમાં સવાર ત્રણ યુવકોને પકડીને પુછપરછ કરતા ત્રણેય ચોર નીકળ્યા હતા. ત્રણેયએ મોબાઇલ તેમજ મોટરસાઇકલની ચોરી કરી હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
સિંગણપોર પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો આ દરમિયાન એક એક્ટીવા ઉપર ત્રણ યુવકો નીકળ્યા હતા. પોલીસે તેઓની પુછપરછ કરતા ત્રણેય ત્રિલોક સોસાયટીમાં રહેતો ક્રિષ્ના ઉર્ફે ગોપાલ ભરતભાઇ દગડુબા, રાજેશભાઇ દિલીપભાઇ દલવી અને વેડરોડના લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો જયેશ સંજયભાઇ જાવરે નીકળ્યા હતા. પોલીસે એક્ટીવાની ડીકી ખોલીને તપાસ કરતા તેમાંથી ચાર મોબાઇલ મળી આવ્યા હતા.
પોલીસે ત્રણેયની કડક પુછપરછ કરતા તેઓએ મોબાઇલ ચોરી કરી હોવાનુ જણાવ્યું હતું. આ ઉપરાંત ત્રણેયએ ચોકબજારમાંથી એક ડિસ્કવર મોટરસાઇકલ પણ ચોરી કરી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી ચાર મોબાઇલ તેમજ ત્રણ મોટરસાઇકલો કબજે કરી હતી. પકડાયેલા ત્રણેયની સામે અગાઉ પણ કતારગામ અને અમરોલી પોલીસ મથકમાં ફરિયાદો નોંધાઇ હતી.