સુરત : સુરતનાં સાંસદ મુકેશભાઈ દલાલે વરાછા- કતારગામ જવેલર્સ એસોસિએશન તેમજ સુરત જવેલરી હોલસેલ એસોસિએશનનાં આગેવાનો સાથે દિલ્હીમાં ઉપભોગતા, ખાદ્ય અને જાહેર વિતરણનાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાને મળીને જ્વેલરી ઉદ્યોગોને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત કરી હતી. મુકેશ દલાલે જણાવ્યું હતું કે દેશમાં આજે સોનાની સાથે સાથે ચાંદીના ભાવો પણ ટોચની સપાટીએ છે. ધીમે ધીમે ચાંદીમાં પણ લોકોનો રસ વધતો જાય છે. પરંતુ સોનાની જેમ અને સોનાની જેટલી શુદ્ધતા ગ્રાહકોને ચાંદીમાં મળતી નહીં હોવાને કારણે ગ્રાહકોને તેમાં વિશ્વાસ પડતો નથી અને ઘણી વખત છેતરાવવાનો પણ વારો આવે છે.
વેપારીઓ દ્વારા ચાંદીના પૈસા લઇ 100% મજુરી લગાવીને ચાંદીના દાગીનામાં રહેલા સ્ટોન, મીણા, કુંદનને પણ ચાંદીના વજન સાથે જ ગણીને વેચવામાં આવે છે અને તેથી જો ચેક કરવામાં આવે તો ઘણી વખત 50 થી 60% ચાંદી જ નિકળતી હોય છે, જેને કારણે ગ્રાહકોને ચાંદીની શુદ્ધતા પરઝડપથી વિશ્વાસ પડતો નથી જેની અસર ચાંદીનાં ધંધા-ઉદ્યોગ પર પડે છે.
આથી મારી માંગણી છે કે સોનાની જેમ જ ચાંદી પર પણ હોલમાર્ક મારવામાં આવે તો ગ્રાહકોને છેતરાવું નહીં પડે અને ચાંદીનાં ધંધા-ઉદ્યોગોનો પણ વિકાસ ઝડપથી થાય.
ઉપરાંત BIS પોર્ટલ પર સુધારો કરાવી તેની પર તમામ વિગત મળી રહે તેવું કરવાનું છે. હાલ BIS પોર્ટલ પર HUID કોડ સર્ચ કરવામાં આવે ત્યારે તે ક્યા દાગીનાનો છે તે ખબર પડતી નથી તેથી HUID કોડ ની અંદર કેટલા કેરેટનું સોનું છે, કેટલા વજનનું છે અને ક્યા HUIDસેન્ટરનું છે તે માહિતી પણ મળી રહે તેવી વ્યવસ્થા કરવાની છે. જેથી દાગીનાની સંપૂર્ણ શુદ્ધતાની માહિતી સરળતાથી મળી રહે. ઉપરાંત BIS હોલમાર્ક સેન્ટરની કામગીરી ખૂબ જ નબળી અને ધીમી છે તેમાં ઝડપ લાવવામાં આવે.મંત્રીએ સાંસદશ્રીને તેમનાથી ઘટતું તમામ કરવાની ખાતરી આપી હતી.