અમેરિકાનો શ્રીલંકા પર દબાવ, બચાવાયેલા ઈરાની નૌસૈનિકોને ઈરાન ન મોકલવાની માંગ
IRIS-Dena પર અમેરિકી સબમરીનનો ટોર્પીડો હુમલો, 80થી વધુ નૌસૈનિકોના મોત; બચાવાયેલા 30થી વધુ નૌસૈનિકોને લઈને રાજનૈતિક ખેંચતાણ: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે હવે શ્રીલંકા પણ આ આંતરરાષ્ટ્રીય વિવાદમાં ખેંચાઈ ગયું છે.
ઈરાનની નૌસેનાનો વોરશિપ IRIS-Dena ડૂબી જવાની ઘટનાના બાદ અમેરિકા તરફથી શ્રીલંકા પર રાજનૈતિક દબાવ વધારવામાં આવ્યો છે. અમેરિકાએ શ્રીલંકાની સરકારને અપીલ કરી છે કે ડૂબેલા ઈરાની યુદ્ધજહાજમાંથી બચાવાયેલા નૌસૈનિકોને પાછા ઈરાન ન મોકલવામાં આવે.
સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ અમેરિકી વિદેશ મંત્રાલયના એક આંતરિક કેબલમાં આ માહિતી આપવામાં આવી છે. અહેવાલ અનુસાર, ગયા બુધવારે શ્રીલંકાના દરિયાકાંઠા નજીક એક અમેરિકી સબમરીન દ્વારા ટોર્પીડો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઈરાનનો વોરશિપ IRIS-Dena ડૂબી ગયો હતો. આ હુમલામાં જહાજ પર સવાર 80થી વધુ ઈરાની નૌસૈનિકોના મોત થયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
હુમલા બાદ શ્રીલંકાની નૌસેનાએ તરત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને 30થી વધુ ઈરાની નૌસૈનિકોને બચાવવામાં સફળતા મળી હતી. હુમલો શ્રીલંકાના દક્ષિણ શહેર ગાલેથી લગભગ 19 નોટિકલ માઈલ દૂર થયો હતો, જે શ્રીલંકાની 12 નોટિકલ માઈલની સમુદ્રી સીમા બહારનો વિસ્તાર ગણાય છે.આ ઘટનાના એક દિવસ બાદ શ્રીલંકાએ જણાવ્યું હતું કે ઈરાનનું બીજું નૌસેનાનું જહાજ IRIS Bushehr પણ તેના એક્સક્લૂસિવ ઇકોનોમિક ઝોનમાં પ્રવેશ્યું હતું અને ટેકનિકલ સમસ્યાઓને કારણે ડોકિંગ માટે વિનંતી કરી હતી. આ જહાજમાં 208 ક્રૂ મેમ્બર્સ હતા, જેને હાલ શ્રીલંકાની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે જણાવ્યું હતું કે ઈરાની નૌસૈનિકોને આશરો આપવો માનવતા વાદી રીતે જવાબદારી છે. જોકે, અમેરિકા આ મામલે અલગ અભિગમ અપનાવી રહ્યું છે.કેબલ મુજબ કોલંબોમાં અમેરિકી દૂતાવાસના અધિકારી જેઇન હોવેલે શ્રીલંકા સરકારને જણાવ્યું છે કે IRIS-Denaમાંથી બચાવાયેલા 32 નૌસૈનિકો તેમજ IRIS Bushehrના ક્રૂને ઈરાન પાછા ન મોકલવા જોઈએ. અમેરિકાનો દાવો છે કે ઈરાન આ નૌસૈનિકોને પ્રોપેગેન્ડા માટે ઉપયોગમાં લઈ શકે છે.
આ વચ્ચે માહિતી સામે આવી છે કે એક અન્ય ઈરાની જહાજ હાલ ભારતના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષિત રીતે ડોક કરાયું છે. સૂત્રો અનુસાર, ઈરાને 28 ફેબ્રુઆરીએ ટેકનિકલ સમસ્યાના કારણે તાત્કાલિક ડોકિંગ માટે ભારતનો સંપર્ક કર્યો હતો.આ સમગ્ર ઘટનાક્રમને કારણે વિસ્તારમાં ભૂરાજકીય તણાવ વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.