રમત એટલે શારીરિક, માનસિક તથા બૌદ્ધિક ક્ષમતા અનુસાર કૌશલ્ય અને નિયમોના આધારે આકાર લેતી પ્રબળ પ્રવૃત્તિ. રમત મનોરંજન આપે તો આપે જ પણ સાથે સાથે આરોગ્ય સુધારે અને વ્યક્તિમાં ટીમવર્ક, શિસ્ત અને સ્પર્ધાની ભાવના વિકસાવે છે. દર વર્ષની ૬ઠ્ઠી એપ્રિલે આંતરરાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને આ પ્રથા વર્ષ ૨૦૧૩થી શરૂ કરવામાં આવી હતી. દિવસ તરીકે ૬ઠ્ઠી એપ્રિલનું મહત્વ એ છે કે આ દિવસે વર્ષ ૧૮૯૬માં પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતોત્સવ શરૂ થયો હતો. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ વૈશ્વિક સ્તરે રમત દ્વારા વિકાસ અને શાંતિને પ્રોત્સાહન આપવાનો છે. તેની સાથે રમત દ્વારા વિશ્વમાં એકતા, સહકાર તથા નિર્દોષ મનોરંજન માટેની સંભાવના પણ જોડાયેલી છે. આ દિવસ લોકોને એમ જણાવે છે કે રમત માત્ર રમત નથી, પરંતુ સમાજને જોડવા અને અને તેનો વિકાસ સાધવા માટેની મહત્વની તક છે. યુનાઇટેડ નેશન્સ આ દિવસે અનેક પ્રવૃત્તિઓ કરે છે. રમતનું આયોજન થાય છે, રમતના વિષય પર ચર્ચા અને સેમિનાર આયોજાય છે, ચોક્કસ રમત માટે કાર્યશાળાનું આયોજન થતું હોય છે, વિવિધ વ્યક્તિ તથા સંસ્થાને ‘પ્રોત્સાહન રકમ’ અપાય છે તો ક્યાંક ખાસ બાળકો માટે કાર્યક્રમનું આયોજન થાય છે. આ બધાં પાછળની મૂળ ભાવના એ જણાવવાની છે કે રમત માત્ર જીત-હાર માટે નથી. તે શાંતિ, મિત્રતા અને માનવ વિકાસ માટે પણ મહત્વની ભૂમિકા ભજવી શકે. આંતરરાષ્ટ્રીય રમતનું આયોજન ક્યારેક હિંસક પણ બની શકે. ઘણી વખત રાજકીય,
સામાજિક અથવા રાષ્ટ્રીય કારણોસર રમતની સાચી ભાવનાને નુકસાન થયું હોય તેવી ઘટનાઓ પણ બની છે. વર્ષ ૧૯૭૨માં મ્યુનિક ઓલિમ્પિકમાં ઈસ્લામી આતંકવાદીઓએ ઇઝરાયેલના ખેલાડીઓને બંધક બનાવ્યાં હતાં, જેમાંના ૧૧ રમતવીરોનું મૃત્યુ પણ થયું હતું. ઓલિમ્પિક રમતના શાંતિ અને મિત્રતાના સંદેશાને ગંભીર રીતે નુકસાન પહોંચાડનારી આ ઘટના હતી. વર્ષ ૧૯૮૦માં રાજકીય કારણોસર મોસ્કોમાં યોજાયેલા ઓલિમ્પિકનો અમેરિકા અને તેના સાથી દેશોએ બહિષ્કાર કર્યો હતો. આ ઉપરાંત અન્ય ઉદાહરણો પણ છે, જેનાથી એ વાત સમજી શકાય કે સમાજમાં ‘શાંતિ અને વિકાસ’ માટે આંતરરાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીનું શું મહત્વ છે. રમતની ભાવનાનું સન્માન થવું જોઈએ, પરસ્પરનો મતભેદ કે દ્વેષ દૂર થાય તેવાં પ્રયત્ન થવાં જોઈએ, શિસ્તની આવશ્યકતા બધાએ સમજવી પડે અને પ્રત્યેક પરિપ્રેક્ષ્યમાં સકારાત્મક તેમજ તંદુરસ્ત વૈશ્વિક માહોલ માટે કૃતનિશ્ચયતા હોવી જોઈએ. આંતરરાષ્ટ્રીય રમત દિવસ આ માટે ઈચ્છાશક્તિ સર્જાય તેવી તક ઊભી કરી શકે. રમત જ્યારે રાજકારણ કે રાષ્ટ્રીય ગૌરવ જેવી બાબતો પર વધુ કેન્દ્રીત થવા માંડે ત્યારે એક પ્રકારનું માનસિક દબાણ ઊભું થાય. આ દબાણની માત્રા જો વધી જાય તો રમતની સાચી ભાવનાને નુકસાન પહોંચાડીને પણ રાજકારણ કે રાષ્ટ્રીય ગૌરવને, પોતાની દ્રષ્ટિ પ્રમાણે, ‘સાચવી’ લેવાનો પ્રયત્ન થાય.
રમત માનવીની શારીરિક, માનસિક, બૌદ્ધિક તેમજ સામાજિક વિકાસ માટે એક મહત્વની ઘટના છે. રમત દ્વારા ટીમ વર્ક અને નેતૃત્વની ક્ષમતા વિકસી શકે, શિસ્ત અને સમય પાલનનું મહત્વ જાણી શકાય, શારીરિક-માનસિક-બૌદ્ધિક ક્ષમતા વચ્ચેનાં સમન્વયનું સમીકરણ સમજી શકાય, જીવનની નાની નાની બાબતો પ્રત્યે પણ ધ્યાન જાય, યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવાની ટેવ પડી શકે, એકાગ્રતા તેમજ નિર્ણય લેવાની શક્તિ પ્રખર બને અને તેનાંથી આત્મવિશ્વાસ વધી શકે, સામૂહિક સહયોગ, સમજ, સહકાર, મિત્રતા અને સહનશીલતાના સામાજિક ગુણ વિકસી શકે. ક્યાંક જીવન અને સમાજમાં સંતુલનનું મહત્વ સમજાય.
આંતરરાષ્ટ્રીય સ્તરે રમતથી જુદાં જુદાં રાષ્ટ્રો વચ્ચે મિત્રતા વધે. સાથે સાથે વ્યક્તિગત ધોરણે સંસ્કૃતિ તેમ જ સામાજિક અગ્રતાક્રમ માટે પરસ્પર સમજ તેમજ સન્માનની શક્યતા વધે. બે સમૂહ વચ્ચે સંવાદ ઉભો થાય જે આગળ જતાં આર્થિક, સામાજિક, બૌદ્ધિક તેમજ તકનિકી સહયોગની સંભાવના ઊભી કરે. આમ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે રમતનું આયોજન થાય ત્યારે પ્રવાસન, હોસ્પિટાલિટી અને વ્યાપાર જેવા ક્ષેત્રમાં આર્થિક વિકાસ થતો હોય છે. આ પ્રકારના ઇવેન્ટને કારણે વિશ્વના વિવિધ દેશો એક મંચ પર આવતા હોય છે, અને બે રાષ્ટ્ર વચ્ચે જો અબોલા હોય તો તે પણ દૂર થઈ શકે. વિશ્વમાં એકતાનો ભાવ પ્રસરે જેનાથી શાંતિનો માહોલ સ્થાપિત થઈ શકે. આંતરરાષ્ટ્રીય રમતોત્સવ દ્વારા જે તે દેશની પ્રતિષ્ઠા પણ વધતી હોય છે.
સુનિયોજિત રીતે નહીં પરંતુ માનવીના સ્વભાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે રમતની નકારાત્મક અસર પણ શક્ય છે. ક્યાંક રાષ્ટ્રીય અહંકારનો ટકરાવ થઈ શકે તો ક્યાંક અન્યનાં રાષ્ટ્રીય ગૌરવને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન થાય, ક્યાંક જીત માટે રાજકીય દબાણ હોઈ શકે તો ક્યાંક ચોક્કસ વિચારધારાના પ્રચાર માટેની તક ઉભી કરાય, ક્યાંક પોતાનો બિનજરૂરી પ્રભાવ દર્શાવવાનો પ્રયત્ન થાય તો ક્યાંક ચોક્કસ રાજકીય એજન્ડાને વેગ અપાય, ક્યાંક ખેલાડીઓ વિવાદમાં સામેલ થાય તો ક્યારેક વાત હિંસા સુધી પણ પહોંચી જાય. એમ લાગે છે કે માનવીની એ પ્રકૃતિ છે કે દરેક જગ્યાએથી મતભેદ તથા ઘર્ષણની સંભાવના ગોતી કાઢે છે.
રમત જેમ વ્યક્તિગત માનવીના વિકાસ માટેની એક મહત્વપૂર્ણ છે તેમ આંતરરાષ્ટ્રીય રમત વિશ્વસ્તરે મિત્રતા, શાંતિ અને સહકાર વધારવાનું શક્તિશાળી માધ્યમ છે. પરંતુ તેમાં રમતની ભાવના, શિસ્ત, આંતરરાષ્ટ્રીય ઉત્તરદાયિત્વ જેવી બાબતો માટે ગંભીરતા હોય એ જરૂરી છે. રમત થકી જેમ વ્યક્તિની જીવનશૈલી સુગઠિત થઈ શકે તેમ સમગ્ર સમાજ અને વિશ્વ પણ તંદુરસ્ત બની શકે. વ્યક્તિની અને રાષ્ટ્રની એકલતા ખાળવા રમત આવશ્યક છે.
