વડોદરા: નવી દિલ્હીની સૃષ્ટિ મનચંદા અને મલ્લિકા કુલશ્રેશ્ઠ આમ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી ચૂકેલી જીમ્નાસ્ટ છે પરંતુ નેશનલ ગેમ્સમાં તેઓ પહેલીવાર હરીફાઈ કરવાની છે જેનો ખાસો રોમાંચ આ બંને અનુભવી રહી છે.તેઓ સમાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવેલી વ્યવસ્થાઓ તેમજ રમતના ઉમદા સાધનો થી ખુશખુશાલ છે અને આયોજનની પ્રશંસા કરી રહી છે.આ બંને આર્ટિસ્તિક જીમ્નાસ્ટીક ની તમામ ચાર વિધાઓ એટલે કે પ્રકારોમાં હરીફોને હંફાવવા કટિબદ્ધ છે.
સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હાલમાં દેશના વિવિધ રાજ્યો અને સંઘ પ્રદેશોમાંથી આવેલા કસાયેલા ખેલાડીઓની હલચલ થી ધમધમી રહ્યું છે.ગુજરાતની ટીમ પણ રોમાંચ અનુભવી રહી છે.
જીમ્નાસ્ટના હેરત અંગેજ કરતબો જોઈને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ હર્ષની કિલકારીઓ થી ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યાં છે.આજે સવારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના વરિષ્ઠ નિયામક એકતા વિસ્નોઈએ, સાઈ,એસએજી ,નેશનલ ગેમ્સ આયોજન સમિતિ અને જિલ્લા રમત વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સ્પર્ધાઓ શરૂ કરાવી હતી.પુરુષ ખેલાડીઓના કરતબો થી આ રાષ્ટ્રીય સ્પર્ધા શરૂ થઈ હતી.બપોર પછી મહિલા ખેલાડીઓ મેદાનમાં ઉતરી હતી.આજે પુરુષ સ્પર્ધકોએ ફ્લોર એક્સરસાઇઝ,ટેબલ વોલ્ટ,પેરેલાલ બાર,હોરીઝોન્ટલ બાર,રોમન રીંગ અને પોમલ હોર્શમાં અને મહિલા ખેલાડીઓએ ફ્લોર એક્સરસાઇઝ, ટેબલ વોલ્ટ, બેલેન્સિંગ બીમ અને અન ઈવન બાર્સમાં ખેલ કુશળતાનું પ્રદર્શન કરીને સૌ ને અચંભિત કર્યા હતા.સૃષ્ટિ એ પાંચ વર્ષની કુમળી વયે આ રમત રમવાનું શરૂ કર્યું હતું.
તેણે જણાવ્યું કે હું ખૂબ જ રમતિયાળ સંતાન હોવાથી મારા માતાએ મને આ રમત સાથે જોડી.આ અગાઉ તેણે ખેલો ઇન્ડિયા,સ્કૂલ ગેમ્સમાં મેડલ્સ જીત્યા છે.મોટી બહેન રિતિકા જીમ્નાસ્ટ હતી એટલે તેના થી પ્રેરાઇને મલ્લિકા આ રમત તરફ વળી. તેણે ખેલો ઇન્ડિયા અને સ્કૂલ ગેમ્સમાં ચંદ્રકો જીત્યા છે અને હવે નેશનલ ગેમ્સમાં મેડલ વિનર બનવાનું ઝનૂન તેના મન પર સવાર છે.લગભગ તમામ રાજ્યોના ખેલાડીઓ આ બંને ની જેમ જ ઉત્સાહ થી થનગની રહ્યાં છે.આ સ્પર્ધા ખૂબ જ રોમાંચક બનવાની છે અને રમતપ્રેમીઓ એ શ્રેષ્ઠ રમત કૌશલ્યો ઘર આંગણે જોવા અને માણવાની તક ચૂકવા જેવી નથી.