સુરત : સુરત ક્રાઈમ બ્રાંચે પશ્ચિમ બંગાલ (West Bengal) જલપાઈગુડીની કુખ્યાત આંતરરાષ્ટ્રીય ગ્વાલા ગેંગના (International Gwala Gang) પાંચ સાગરીતોને ઝડપી પાડ્યા હતા. પોલીસે (Police) આ પાંચ સગીરાતોને ચોરીની ત્રણ મોટર સાઈકલ તથા રોકડા રૂપિયા સાથે વાપી કબ્રસ્તાન રોડ જુના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યા હતા. જેઓને ઝડપી પાડતા પોલીસે પાંચ ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં 50 થી વધુ ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ સાથે આ ગેગ બાઇક ઉપર હજારો કિલો મીટરનું અંતર કાપી ચોરી કરવામાં માહિર હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર ગઈ 12 જુલાઈ 2023ના રોજ બપોરના સાડા 12 વાગ્યાની આજુબાજુ પાર્લે પોઈન્ટ, ધીરજ સન્સની બાજુની ગલીમાં આવેલા મસકતી પ્લોટસના જાહેર રોડ ઉપરથી એક પલ્સર મોટર સાયકલ ઉપર આવેલા બે અજાણ્યા ઈસમો વૃદ્ધના ખભ્ભામાં રહેલા પર્પલ કલરનો બેગ ખેંચીને નાશી ગયા હતા. તે બેગમાં રોકડા રૂપીયા 2.10 લાખ તથા પાઉચમાં મુકેલ રોકડા રૂ 4 હજાર, તેમજ 5 હજારની કિંમતનો મોબાઈલ ફોન, આધારકાર્ડ નંગ-2 મળી કુલ 2.19 લાખના મત્તાની ખેંચીને ઝૂટવીને નાશી ગયા હતા. આ બાબતે ઉમરા પોલસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ ક્રાઇમ બ્રાંચના પો.સ.ઇ અને તેમની ટીમ ને સોંપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ તપાસ દરમિયાન બાતમીના આધારે 5 આરોપીઓને શકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. જેઓની તપાસમાં ત્રણ મોટર સાઈકલ તથા રોકડા રૂપિયા 61 હજાર તેમજ ચાર સાદા મોબાઈલ ફોન, ચાર બનાવટી આધાર કાર્ડ વગેરે મળી આવ્યું હતું. પકડાયેલા આરોપીઓ જલપાઈગુડીની ગ્વાલા ગેંગના નામે ઓળખાતા હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં આ ગેંગ આંતરરાષ્ટ્રીય ગુન્હાઓ આચરતી હોવાનું બહાર આવ્યું હતું. તેમજ મોટર સાઈકલ ઉપર હજારો કી.મી સુધીનુ અંતર કાપી ગુન્હાઓને અંજામ આપતા હોવાનું પણ સામે આવ્યું હતું.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ ગેંગ દરેક રાજયના મુખ્ય શહેરોમાં લુંટ કરવા જતી હોય છે. આ ગેંગે ભારતના વિવિધ રાજયોમાં વેસ્ટ બંગાલ, હરીયાણા, ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસ ગઢ તેમજ નેપાળમાં ઈટીહારી, કાકરવીટા, ધુલબારી ,જુમ્મા વગેરે શહેરોમાં 50 થી વધુ વાર પકડાયા હોવાની કબૂલાત કરી છે. આ ગેંગ બિહાર અને ઉત્તર પ્રદેશ ખાતેથી ત્રણ મોટરસાઈકલની ચોરી કરીને નંબર પ્લેટ બદલી મોટર સાઈકલ દ્વારા ગુજરાતના સુરત, વાપી, વલસાડ દમણ ખાતે જુદી-જુદી બેંકોમાંથી નાંણા લઈને જતા લોકોની રેકી કરીને તેનો પીછો કરીને ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એચ.ડી.એફ.સી બેંક પાસે વોચ રાખીને રકમ લઈને નીકળતા સીનીયર સીટીજનને ટારગેટ કરીને તેની પાસેથી રોકડા રૂપિયા બે લાખ દસ હજાર રૂપિયા ભરેલ બેગ આંચકીને ચોરી કરેલી હોવાનું કબુલાત કરી છે. આ સાથે વાપીમાં પણ બેંકમાંથી નાંણા લઈ જનાર કાર ચાલકનો પીછો કરીને કારના દરવાજાના કાચ તોડી અંદરથી સાડા પાંચ લાખ રૂપિયા ભરેલી બેગની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી છે.
પોલીસે ગ્વાલા ગેંગના મનોજ ઉર્ફે સીન્ટુ રાજ ગ્વાલા (ઉ.વ 40 રહે જલપાઈગુડી, પશ્ચિમ બંગાળ), રાહુલ શશી યાદવ ઉર્ફે ટીપુ રણજીત ગ્વાલા (ઉ.વ 30 રહે કટીહાર, બિહાર), ટીન્કુ અધિક ગ્વાલા (ઉ.વ 42 રહે જલપાઈગુડી, પશ્ચિમ બંગાળ), બાલા લાલજી યાદવ (ઉ.વ 40 રહે કટીહાર, બિહાર) અને અવિનાશ રાજેશ યાદવ (ઉ.વ 25 રહે એજન) ની ધરપકડ કરી હતી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી 1.80 લાખની કિંમત ની કુલ 3 મોટર સાઈકલ, રોકડા રૂપિયા 61 હજાર, ચાર મોબાઈલ ફોન, ચાર આધાર કાર્ડ, એક મરૂન કલરની લેધર હેન્ડ-બેગ, એરટેલ કંપનીના જુદા-જુદા પાંચ સીમકાર્ડ અને સીમકાર્ડના ખાલી 7 કવર મળી આવ્યું હતું. આ સાથે પોલીસે તેમની પાસેથી એક પલ્સર મો.સાની આરસી બુકની લેમીનેશન ફોટો કોપી, એક અવિનાશ પટનાકર નામનુ ડ્રાઈવીંગ લાઈસન્સની લેમીનેશન ફોટો કોપી, એક બજાજ એલાએન્સ કંપની વીમા પોલીસીની લેમીનેશન કોપી મળીને કુલ રૂપિયા 2.43 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.