Entertainment

ઇન્ડિયન પ્રિયંકા સાથે ઇન્ટરનેશનલ ફિલ્મ: ચાન્સ પે ડાન્સ

પ્રિયંકા ચોપરાની ઓળખ હવે સાવ બદલાઇ ગઇ છે. હિન્દી ફિલ્મો તેના માટે ભૂતકાળ બનવા માંડી છે. જોકે તેની ચર્ચા જ થવી બંધ થઇ ગઇ હોય એવું ય નથી. કારણકે હિન્દી ફિલ્મોના પ્રેક્ષકો હજુ પણ તેને હિન્દી ફિલ્મોમાં જોવા આતુર છે. હકીકતે તો ઘણા નિર્માતા પણ ઇચ્છે છે કે તેમની ફિલ્મમાં પ્રિયંકા હોય પણ હવે પ્રિયંકાનું સ્ટેટસ એટલું મોટું બની ગયું છે કે તેની સાથે ઇન્ટરનેશનલ કક્ષાની ફિલ્મ જ વિચારી શકાય. એવું લાગે છે કે આ પ્રકારની ફિલ્મનું સાહસ હજુ આપણો હિન્દી ફિલ્મોદ્યોગ કરી શકે એવો સક્ષમ નથી. બાકી હવે ભારતની ફિલ્મોમાં અનેક દેશોમાં રજૂ થાય છે.

ચીન અને જાપાનમાં પણ હિન્દી ફિલ્મો સફળ રહી છે ને અમેરિકા, યુરોપના દેશોમાં તો પ્રેક્ષકો છે જ! હવે ઇન્ટરનેશનલ ફિલ્મ ઇંગ્લિશમાં જ બનાવવી જરૂરી નથી રહી કારણકે હોલીવુડની ફિલ્મો જો આપણે ડબીંગ વડે હિન્દીમાં માણી શકતા હોય તો હિન્દી ફિલ્મો ઇંગ્લિશ ડબીંગમાં ય રજૂ કરી શકાય. જો આ શકય બને તો પ્રિયંકાને લઇ ઇન્ટરનેશનલ કક્ષાની ફિલ્મો બનાવી શકાશે. આવું સાહસ સંજય લીલા ભણશાલી, વિદુ વિનોદ ચોપરા, ફરહાન અખ્તર, મણીરત્નમ જેવા દિગ્દર્શકો વડે શકય છે અને આદિત્ય ચોપરા, કરણ જોહર, ફરહાન અખ્તર તેના નિર્માતા હોય શકે છે. દક્ષિણના નિર્માતાઓ જોકે વધુ સાહસી બની ગયા છે અને તેમની ફિલ્મો વિદેશમાં પણ મોટી કમાણી કરી ચુકી છે. તેઓ પ્રિયંકાને લઇ ફિલ્મ બનાવી શકે. પણ એવું તો બને ત્યારે જ બનશે.

અત્યારે લાગે છે એવું કે સ્વયં પ્રિયંકા ચોપરા જ પોતાના માટે ફિલ્મ બનાવશે. જો કે તે આ ફિલ્મો હિન્દીમાં બનાવવા નથી માંગતી પણ હિન્દીના પ્રેક્ષકોને રસ પડે એવા વિષય સાથે અંગ્રેજીમાં જરૂર બનાવી રહી છે. હમણાં તો નિર્માત્રી અને એકટ્રેસ તરીકે ‘શીલા’ નામની ફિલ્મ બનાવી રહી છે જે મા આનંદ-શીલાના જીવન આધારીત છે. ઓશોના ચાહકો વિશ્વભરમાં છે અને મા આનંદ શીલા સાથે તેમનું અનેક ભૂમિકાએ કનેકશન હતું એટલે એ ફિલ્મમાં રસપ્રદ મસાલો શકય છે. પ્રિયંકા ચોપરા શાણી અને ધંધાકીય દૃષ્ટિ ધરાવતી નિર્માત્રી છે. આ વર્ષે ‘ધ વ્હાઇટ ટાઇગર’ રજૂ થયેલી તેની એકિઝકયુટિવ નિર્માત્રી પણ પ્રિયંકા જ હતી અને તેના આગલા વર્ષે ‘એવીલ આઇ’ બનાવેલી. ૨૦૧૯ ની ‘ધ સ્કાય ઇઝ પિંક’ની સહનિર્માત્રી પણ તે હતી તે પહેલાં ‘ફાયરબ્રાન્ડ’, ‘પાની’ની નિર્માત્રી પણ પ્રિયંકા હતી.

પ્રિયંકા ચોપરા તેની હોલીવુડની પ્રતિષ્ઠા હિન્દીમાં વાપરી શકે છે પણ તે માટે તે મોટા પ્રોજેકટની અપેક્ષા રાખશે. હકીકતે અત્યારે તેને હિન્દી ફિલ્મોની ગરજ નથી કારણકે ‘ટેકસ્ટ ફોર યુ’, ‘શીલા’, ‘કાઉબોય નિન્જા વાઇકિંગ’, ‘ધ મેટ્રિકસ ૪’ ફિલ્મો ઉપરાંત ‘સીતાદલ’ નામની વેબ સિરીઝમાં તે રોકાયેલી છે. પણ તેની ગરજ હિન્દી ફિલ્મોને હોવી જોઇએ. દોઢેક વર્ષથી નવી ફિલ્મોની યોજના પડી ભાંગી છે પણ હવેના સમયમાં જો ઇન્ટરનેશનલ પ્રોજેકટ વિચારો તો પ્રિયંકા જેવી સ્ટાર આપણી પાસે છે. પ્રિયંકા જાણે આહવાન કરી રહી છે.

હોલીવુડમાં હવે એવા અનેક દિગ્દર્શકો છે જે ભારતીય મૂળના છે અને સારી ફિલ્મો બનાવે છે. પ્રિયંકા સાથે નવું કોમ્બિનેશન ઊભું થાય તો હિન્દી ફિલ્મોનું સ્ટાન્ડર્ડ પણ બદલાઇ શકે છે. જો તેમ ન થશે તો પ્રિયંકાની જ ફિલ્મો હિન્દી ડબીંગમાં જોવી પડશે. પ્રિયંકાને તેનો વાંધો ન હોય શકે પણ હિન્દી ફિલ્મોદ્યોગને હોવો જોઇએ. શા માટે તેઓ ઇન્ટરનેશનલ ધોરણ સાથેની ફિલ્મો ન બનાવે? લોહા ગરમ હે હથૌડા માર દો.

Most Popular

To Top