Columns

શેર બજારમાં ડબ્બા ટ્રેડિંગ દ્વારા કરોડોની કમાણી કરનારા પિતા-પુત્રની રસપ્રદ કથા

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં ભાડે રાખેલા ફ્લેટમાંથી DRI અને ATS દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. આ ફ્લેટમાંથી એજન્સીઓએ ૮૭ કિલો સોનું અને કરોડથી વઘારેની રોકડ રકમ જપ્ત કરી છે. પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર બિલ્ડિંગમાં ફ્લેટ ભાડે રાખીને પિતા-પુત્રની જોડી શેરબજારની કાળી કમાણી સોના અને રોકડ તરીકે છૂપાવતી હોવાનું મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. મહેન્દ્ર શાહ અને મેઘ શાહ મૂળ ગુજરાતના વાવ થરાદ નજીકના જેતરડા ગામના રહેવાસી છે. મહેન્દ્ર શાહ અને મેઘ શાહ મુંબઈના શેરબજારમાં આગળ પડતા કારોબારી હોવાનું પણ જાણવા મળ્યું છે. પાલડીમાં મેઘ શાહની બહેન પમ્મી શાહ ચોથા માળે ફ્લેટમાં રહેતી હોવાથી ભાડે મકાન રાખીને કરોડોનો મુદ્દામાલ તેમાં સંતાડ્યો હતો.

મહેન્દ્ર શાહ ઉર્ફે મહેન્દ્ર કાળિયા ડબ્બા ટ્રેડિંગનો સૌથી મોટો કારોબાર ચલાવે છે. તેની મોટા બિલ્ડર્સ તથા માલદાર રોકાણકારો સાથે પણ સાંઠગાંઠ હોવાનું બહાર આવ્યું છે. મહેન્દ્ર શાહ છેલ્લા કેટલાક સમયથી કેટલીક કંપનીઓના શેરના ભાવોમાં કૃત્રિમ વોલ્યુમ ઊભું કરી અને તેના ભાવ ઊંચા લઈ જતો અને પછી તેનું વેચાણ કરવાનો ધંધો કરતો હતો. એટલું જ નહીં, મહેન્દ્ર શાહને માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કાળા નાણાંને ધોળા કરવાનાં ધંધાનો કિંગ માનવામાં આવે છે. આશરે ૫૦૦ એન્ટ્રી ઓપરેટરો તેના હાથ નીચે કામ કરે છે.

મહેન્દ્ર શાહ છેલ્લાં ઘણાં વર્ષોથી ડબ્બા ટ્રેડિંગનો સૌથી મોટો કારોબાર કરે છે. જેમાં તેણે બિલ્ડરોની સ્કીમમાં ખૂટતાં નાણાં ચોક્કસ વ્યાજ સાથે આપવાની સાથે બહારથી આવતાં કાળા નાણાંને પણ કાયદેસરના કરી આપવા માટેનું કામ પણ મોટા પ્રમાણમાં કરે છે, જેમાં તે કાળા નાણાંને કાયદેસર કરવાના બદલામાં ૧૫ ટકા કમિશન લઇને તેના હાથ નીચે કામ કરતા એન્ટ્રી ઓપરેટરને રોકડ આપીને તેને અન્ય લોકોના બેંક એકાઉન્ટમાં જમા કરાવીને તેને ચેક દ્વારા ઉપાડીને નાણાંને વ્હાઇટ કરી આપતો હતો. એવી પણ વિગતો મળી છે કે તે નાણાં હવાલાથી મોકલીને તેની સામે દુબઇ તેમજ અન્ય દેશોમાંથી સોનું મંગાવતો હતો. થોડા જ દિવસ પહેલાં જ ૨૦ કરોડની રોકડ સાથે ઝડપાયેલો સંજય શાહ પણ મહેન્દ્ર શાહ માટે કામ કરતો હતો.

મજાની વાત એ છે કે પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં આવેલા બંધ ફલેટમાં કરોડો રૂપિયાનું સોનુ તથા દાગીના હોવાની વાતની પોલીસના પહેલાં ચોરોને ખબર પડી હતી. ૩-૪ દિવસ ૫હેલાં અમદાવાદના જાણભેદુ ચોરોની ટોળકી કટર લઈને મેઘ મહેન્દ્ર શાહના આ ફ્લેટમાં ચોરી કરવા આવી હતી. પરંતુ રહીશોને અવાજ આવી જતાં બૂમાબૂમ થઇ અને ચોર ભાગી ગયા હતા. એટીએસના અધિકારીઓ જ્યારે આવિષ્કાર એપાર્ટમેન્ટના રહીશો સાથે વાતો કરી રહ્યા હતા ત્યારે તેમને વાત વાતમાં જાણવા મળ્યું હતું કે રાતના સમયે તેમના એપાર્ટમેન્ટના એક ફલેટનું તાળું કટરથી તોડવામાં આવી રહ્યું હોય તેવો અવાજ આવતો હતો. અવાજ સાંભળીને રહીશો જાગી ગયા હતા અને બૂમ પાડતા બે-ત્રણ માણસો એપાર્ટમેન્ટમાંથી ભાગ્યા હતા. જો કે આ ચોર કયા ઘરનું તાળું તોડવા આવ્યા હતા તે વિશે કોઈ કશું જાણતું ન હતું, પરંતુ એપાર્ટમેન્ટમાં મેઘ શાહનું એક માત્ર ઘર બંધ હોવાની ચર્ચા ચાલતી હતી. આ વાત સાંભળીને એટીએસના અધિકારીઓમાં રમૂજમાં ચર્ચા કરતા હતા કે તાળું ખૂલ્યું હોત તો ચોરોને તડાકો પડ્યો હોત. હવે રહીશો મજાકમાં કહી રહ્યા છે કે સરકારે ચોરોને શોધીને તેમને પણ બાતમીદારનું ઇનામ આપવું જોઈએ.

ગુજરાતમાં રેડ દરમ્યાન પ્રથમ વાર આટલી મોટી રકમ મળી આવી છે. ડીઆરઆઈની ટીમને ફ્લેટમાંથી એક બંધ બોક્સ મળ્યું હતું. જ્યારે તે ખોલવામાં આવ્યું ત્યારે અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. તમામ મુદ્દામાલને કેમેરાની દેખરેખ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે. શેરબજારના દલાલની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સોનાનો જથ્થો ક્યાંથી આવ્યો તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ પાલડીના આ બંધ ફ્લેટમાં આ કોરાબાર ત્રણ વર્ષથી ચાલતો હતો. ફ્લેટમાં રાતના સમયે વાહનોમાં થેલામાં શંકાસ્પદ ચીજ વસ્તુઓ લાવવામાં આવતી હતી અને જેને લઈ ગુજરાત એટીએસને બાતમી મળી હતી ત્યારે છેલ્લા એક સપ્તાહથી અધિકારીઓ ફેરિયાના સ્વરૂપમાં ફ્લેટની આસપાસ ફરતા રહ્યા અને અચાનક જ રેડ પાડતાં ૯૫.૫ કિલો સોનું અને કરોડોની રોકડ મળી હતી. રોકડ એટલી હતી કે ગણવા માટે મશીન મંગાવાયા તો સોનાનો જથ્થો પણ વધુ હોવાથી જોખવા માટે ત્રાજવા મંગાવાયા હતા.

દરોડામાં હવાલાના કરોડોના નાણાકીય વેપારો અને બિટકોઈન જેવી ક્રિપ્ટોના વેપારોના કેટલાક મહત્ત્વના દસ્તાવેજો પણ હતા, જે જપ્ત કરવામાં આવ્યા. જ્યારે જપ્ત કરાયેલું સોનું છેલ્લા એક વર્ષના સમયગાળામાં ખરીદવામાં આવ્યું હોવાની શક્યતા સેવાઇ રહી છે. કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો અત્યાર સુધીમાં કરવામાં આવ્યાની કેટલીક એન્ટ્રીઓ પણ મળી આવી છે. મેઘ શાહ રોકાણકારોને મોટા નફાની લાલચ આપી પડતર શેરોમાં રોકાણ કરાવતો હતો. જો કે ત્યારબાદ શેરના ભાવ વધવાને બદલે ઘટી જતાં રોકાણકારોને જંગી નુકસાન થયું હતું. શેરબજાર ઓપરેટરની આડમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે.

આ કેસમાં સંડોવાયેલા પિતા-પુત્રના ઉંચા સંપર્કો હોવાનું સામે આવ્યું છે. બંનેના અમદાવાદ અને મુંબઈના કેટલાક આઈપીએસ અધિકારી સાથે ઘરોબો હોવાનું જાણવા મળ્યું છે. બંને પિતા-પુત્ર રૂપિયાના જોરે શેરબજારમાં બંધ પડેલી કંપનીઓ ચાલુ કરાવતા હતા. તેના બાદ એ કંપનીના શેરના ભાવોમાં કૃત્રિમ ઉછાળો લાવીને લાખો શેર રોકાણકારોને પધરાવી દેતા હતા. ચારેક વર્ષમાં આ રીતે તેઓએ અબજો રૂપિયા ઘરભેગા કર્યા છે. આ રીતે તેઓએ અડધો ડઝન લોકો પાસેથી ૫૦ થી વધુ ખોખાં કંપનીઓ ખરીદી હતી. ખોખાં કપની એટલે જે કંપનીઓ વર્ષોથી બંધ થઈ ગઈ હોય તેને ખરીદીને મહેન્દ્ર આણી મંડળી સેબીમાં તેને લીસ્ટેડ કરાવતા હતા. ત્યાર બાદ આ કંપનીના શેરના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવતા હતા. આ શેરના ભાવ વધ્યા તેવી અફવા પોતાની રિંગના માણસો દ્વારા મહેન્દ્ર કાળીયા આણી મંડળી ફેલાવતી હતી. આ રીતે લોકોને ઉંચા ભાવે શેર લેવડાવ્યા બાદ પોતે સસ્તા ભાવે ખરીદેલા શેર વેચીને કરોડો રૂપિયા રળી લેતા હતા. આ રીતે ઉંચકાયેલા શેરના ભાવ ઘટી જતાં નાણાં રોકનાર લોકોને રડવાનો વારો આવતો હતો.

કાળાં નાણાંને ધોળાં કરવાના આયોજનબદ્ધ કાવતરાં હેઠળ મહેન્દ્ર શાહ ઉર્ફે મહેન્દ્ર કાળિયા અને તેના મળતિયાને માર્ચ ૨૦૨૧માં ૩.૧૦ના ભાવે અને ઓક્ટોબર ૨૦૨૪માં રૂ. ૧૨૧ના ભાવે પ્રેફરન્સિયલ શેર એલોટ કરી દીધા હતા. આ ઉપરાંત એક જ ઝાટકે પ્રમોટરના બદલે ૦૯ ટકા જેટલા શેરો માત્ર ઓપરેટરોને ફાળવી દીધા હતા. બજારમાં માત્ર જૂજ લોકો પાસે શેર હોય તો તેના ભાવમાં વધઘટ કરવી સરળ બને છે. તેઓએ અમદાવાદ અને મુંબઈના ટોચની ૩૦ જેટલી આંગડિયા પેઢીમાં સોનું મૂકીને કરોડોની ક્રેડિટ ખરીદી લીધી હતી. આ ક્રેડિટનો ઉપયોગ શેરોના ભાવમાં ઘાલમેલ કરવા માટે કરવામાં આવતો હતો. કેટલીક ખોખાં કંપનીના શેરોના ભાવો અચાનક વધી જતાં રોકાણકારો કમાયા હતા પણ મોટા ભાગના લોકો બરબાદ થઈ ગયા હતા.

ગુજરાત એટીએસના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે મેઘ શાહ મૂળ મુંબઇમાં રહે છે અને તે વર્ષોથી ડબ્બા ટ્રેડિંગ સાથે કનેક્ટેડ છે. અનેક સ્ક્રિપ્ટ ડાઉન કરવા કે પછી અપ લઈ જવા માટે તે મોટો ખેલાડી માનવામાં આવતો હતો. તેણે આવી રીતે અનેક સ્ક્રિપ્ટમાં કરોડો રૂપિયા ભેગા કર્યા હતા અને તે તમામ ટ્રેડિંગ મોટાભાગે રોકડમાં કરાવતો હતો, જેથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની બહુ ખબર પડતી નથી. ધીમે ધીમે રોકડ રકમ વધતી ગઈ. પહેલાં તો તેણે સોનું ખરીદવાનું શરૂ કર્યું અને પછી તેણે કરોડો રૂપિયાનું સોનું ભેગું કરીને તેને સાચવવા માટે શું કરવું તેનો પ્લાન કર્યો હતો. મેઘ શાહ પોતે બજાર બાજીગર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છે. મેઘ શાહે સોશિયલ મીડિયા પર આપેલી વિગતો મુજબ સ્ટોક માર્કેટને પોતાનો રસનો વિષય ગણાવ્યો છે. હાલ તેણે ભારતની પ્રથમ સ્ટોક માર્કેટ ફેન્ટસી એપ બજાર બાજીગર શરૂ કરી છે. આ એપ લોકોને શીખવા અને કમાવાનું પ્લેટફોર્મ પૂરી પાડતી હોવાનું કહેવાયું છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top