ગાંધીનગર: દોઢ ટકાથી શરૂ કરીને 30થી 32 ટકા જેટલું વ્યાજ (Interest) લેવા સામે હવે પોલીસ (Police) આંખ લાલ કરી રહી છે. આજથી રાજ્યભરમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા લોક દરબારનું (Lok Darbar) આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ તથા ગાંધીનગરમાં સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા આજથી લોક દરબારમાં ફરિયાદો સ્વીકારીને તેમાં આરોપીની વિગતો મેળવી હતી. જેના આધારે તપાસ હાથ ધરી પગલાં લેવાશે.
- વ્યાજખોરો સામે પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન
- ફરિયાદો સ્વીકારીને તેમાં આરોપીની વિગતો મેળવી
- વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી
વ્યાજખોરોની ચુંગાલમાં આવેલા લોકોને મુક્ત કરાવશે
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. સુરત પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી. જેને મળેલી સફળતાના પરિણામે હવે આ મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો (Money Lender) વિરુદ્ધ એક ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્ય પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયાસો કરશે અને ગેરકાયદે વ્યાજ વસૂલતા કસૂરવારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરશે.