India

નોઈડાના ફેઝ-2 અને સેક્ટર-60માં મજૂરોનો ઉગ્ર વિરોધ

ઉત્તર પ્રદેશના નોઈડા શહેરમાં ફેક્ટરી કામદારો દ્વારા લાંબા સમયથી બાકી પડેલી પગારવધાની માંગને લઈને શરૂ થયેલો વિરોધ પ્રદર્શન સોમવારે ઉગ્ર બની ગયો હતો. ખાસ કરીને નોઈડાના ફેઝ-2 અને સેક્ટર-60 વિસ્તારમાં હજારો કામદારો રસ્તા પર ઉતરી આવ્યા અને પરિસ્થિતિ હિંસક બની જતા સરકારી વાહનો સળગાવવાના તેમજ તોડફોડના બનાવો સામે આવ્યા.

માહિતી અનુસાર વિવિધ ઔદ્યોગિક એકમોના મોટી સંખ્યામાં કામદારો પગાર સુધારાની લાંબા સમયથી બાકી રહેલી માંગને લઈને એકત્ર થયા હતા. પ્રદર્શન દરમિયાન કેટલાક તત્વોએ પોલીસ વાહનો સહિત અન્ય વાહનોને નુકસાન પહોંચાડ્યું અને આગ ચાંપી દીધી. ઉપરાંત પથ્થરમારો અને તોડફોડની ઘટનાઓ પણ નોંધાઈ હતી. વિરોધ વધતા વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પ્રયાસ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

આંદોલનના કારણે નોઈડાના અનેક મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ખાસ કરીને ઓફિસ સમય દરમિયાન લાંબી વાહન કતારો જોવા મળી હતી અને અનેક મુસાફરો કલાકો સુધી રસ્તા પર અટવાઈ ગયા હતા. મજૂરોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા છે, પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતા તેમને રસ્તા પર ઉતરવું પડ્યું. કેટલાક વિસ્તારોમાં રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે દિલ્હી-નોઈડા બોર્ડર સહિત અનેક વિસ્તારોમાં અવરજવર પર અસર પડી હતી.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાને ગંભીરતાથી લઈ અધિકારીઓને શાંતિભંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. સાથે જ પ્રશાસને અફવાઓથી દૂર રહેવા જનતાને અપીલ કરી છે અને સ્થિતિ સામાન્ય કરવાની ખાતરી આપી છે. આ સમગ્ર ઘટનાએ ફરી એક વખત ઔદ્યોગિક વિસ્તારોમાં મજૂરોની વેતન સંબંધિત સમસ્યાઓ અને કામકાજની પરિસ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હાલ પોલીસ અને પ્રશાસન દ્વારા પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં લેવા સતત કાર્યવાહી ચાલુ છે.

Most Popular

To Top