Gujarat

1050 એકરમાં મોરબી પાસે જાંબુડિયા–પાનેલી ખાતે ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક સ્થપાશે

ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપતી એક મહત્વપૂર્ણ પહેલ તરીકે જાંબુડિયા–પાનેલી ખાતે ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક આગામી સમયમાં વિકસાવવામાં આવશે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા હાથ ધરવામાં આવતો આ પ્રોજેક્ટ રાજ્યના ઔદ્યોગિક ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. મોરબી–રાજકોટ ઔદ્યોગિક પટ્ટામાં જાંબુડિયા–પાનેલી ખાતે વિકસિત થનારો આ ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક આશરે 1050 એકર વિસ્તારમાં ફેલાયેલો રહેશે. વિશ્વવિખ્યાત મોરબી સિરામિક ક્લસ્ટરની નજીક આવેલો હોવાને કારણે આ પાર્ક સ્થાપિત ઉદ્યોગિક ઇકોસિસ્ટમનો સીધો લાભ મેળવશે અને ગુજરાતને વૈશ્વિક સિરામિક ઉદ્યોગના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવશે.

આ પ્રોજેક્ટ સિરામિક ઉદ્યોગની સમગ્ર મૂલ્ય શૃંખલાને મજબૂત કરવા માટે રચાયો છે. પાર્કમાં મુખ્યત્વે ટાઇલ્સ અને સેનિટરીવેરના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવશે, સાથે જ ઔદ્યોગિક અને એડવાન્સ્ડ સિરામિક્સ જેવા ઉચ્ચ મૂલ્યવાળા અને વિશિષ્ટ ક્ષેત્રોમાં નવા રોકાણોને આકર્ષિત કરવામાં આવશે. પરિણામે ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાની સાથે રોજગાર સર્જન અને નિકાસ આધારિત વૃદ્ધિ શક્ય બનશે.

લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીની દૃષ્ટિએ પણ આ પાર્કને મહત્વપૂર્ણ લાભ પ્રાપ્ત થશે. આ વિસ્તાર NH-27 થી માત્ર 1.5 કિ.મી. દૂર, મોરબી રેલ્વે સ્ટેશનથી 12 કિ.મી. અંતરે અને રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી આશરે 70 કિ.મી. દૂર આવેલો છે. ઉપરાંત, મકનસર ખાતેનું ઇનલેન્ડ કન્ટેનર ડેપો માત્ર 5 કિ.મી. અંતરે છે, જ્યારે નવલખી, કંડલા અને મુન્દ્રા જેવા મુખ્ય બંદરોની નિકટતા વૈશ્વિક નિકાસ માટે મજબૂત આધાર પૂરો પાડે છે.

ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્કની સૌથી મોટી વિશેષતા તેની વિશિષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ છે. ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કોમન ડિસ્પ્લે સેન્ટર, NABL-પ્રમાણિત પ્રયોગશાળા સાથેનું સેન્ટર ઑફ એક્સેલન્સ, તેમજ કાર્યબળની કુશળતા વધારવા માટે કૌશલ્ય વિકાસ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. ઉદ્યોગોની વધતી માંગને પહોંચી વળવા માટે 30 MLD ક્ષમતાનો સમર્પિત પાણી પુરવઠો, તેમજ બે 66 KV અને એક 220 KV ક્ષમતાવાળા કુલ ત્રણ સબસ્ટેશન માટે જમીન ફાળવવામાં આવી છે. પર્યાવરણ સંરક્ષણને મહત્વ આપતાં ઘન કચરા વ્યવસ્થાપન અને સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.

આ સંદર્ભમાં 11 અને 12 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) – કચ્છ અને સૌરાષ્ટ્ર વિશેષ મહત્વ ધરાવે છે. આ કોન્ફરન્સ દરમિયાન સિરામિક્સ, બંદરો, લોજિસ્ટિક્સ અને ગ્રીન એનર્જી સહિતના અગ્રણી ઉદ્યોગ ક્ષેત્રોના પ્રતિનિધિઓ ભાગ લેશે. સ્થાનિક ઉદ્યોગો, ઉદ્યોગ અગ્રણીઓ અને વૈશ્વિક રોકાણકારો માટે આ મંચ સહયોગ અને નવી તકો સર્જશે.

ઉદ્યોગ પ્રતિનિધિઓ જાંબુડિયા–પાનેલી સિરામિક પાર્કને ઔદ્યોગિક વિકાસ, ટેકનોલોજી અપગ્રેડેશન અને કૌશલ્ય વિકાસનું એક આદર્શ મોડલ તરીકે જોઈ રહ્યા છે. મોરબી વિસ્તારની કુશળ માનવ સંસાધન શક્તિ અને રાજ્ય સરકારની મજબૂત માળખાકીય પ્રતિબદ્ધતા સાથે આ પાર્ક આવનાર સમયમાં ગુજરાતને સિરામિક ક્ષેત્રમાં ગુણવત્તા, નવીનતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાનું કેન્દ્ર બનાવશે.

Most Popular

To Top