National

જાહેરાત જોઈ મુંબઈના સગીરને લાલચ આવી, એવું કાવતરું તૈયાર કર્યું કે ખુલાસાથી પોલીસ પણ ચોંકી ઉઠી

મુંબઈ: મુંબઈના (Mumbai) 17 વર્ષીય સગીરે વીમાના (Insurance) પૈસા લેવા માટે કુરિયર પાર્સલમાં (Parcel) બોમ્બ (Bomb) મૂક્યો હતો. સગીરની દલીલ એવી હતી કે કુરિયરના સામાનને નુકસાન થશે અને પછી તેને વળતર આપવામાં આવશે તે નુકશાન કરતા 110 ટકા વઘુ હશે. પરંતુ પોલીસે (Police) આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. જો કે સગીરના ખુલાસાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

મળતી માહિતી મુજબ મુંબઈના સગીરે જે પાર્સલ મંગાવ્યું હતું તે જોગેશ્વરીની કુરિયર ઓફિસમાં નાનો વિસ્ફોટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. જેના કારણે પાર્સલમાં રહેલો સામાન બળી ગયો હતો. કુરિયર કંપનીએ આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતાં તેમને કંઈક ખોટું થયું હોવાનું જણાયું હતું. આવી સ્થિતિમાં પાર્સલ મોકલનારની તમામ માહિતી તરત જ માંગવામાં આવી હતી. આ માહિતીના આઘારે 17 વર્ષની સગીરની ઓળખ કરવામાં આવી હતી તેમજ તેની ધરપકડ કરી તેની સાથે સવાલ-જવાબની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં સગીર પૂછપરછમાં સહકાર આપી રહ્યો ન હતો, પરંતુ સતત સવાલો ઉઠતા તેણે પોતે જ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. સગીરના ખુલાસાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સગીરે જણાવ્યુે કે તેણે એક જાહેરાત જોઈ હતી જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે જો તમારા પાર્સલ પર વીમો છે અને તે બગડે છે, કે તેને કંઈક નુકશાન થાય છે તો આવી સ્થિતિમાં તમને સંપૂર્ણ વળતર મળશે. આ સાથે જે નુકસાન થયું છે તેના કરતાં 110 ટકા વધુ વળતર આપવામાં આવશે.

આ જાહેરાત જોઈને સગીરના મનમાં લોભ આવ્યો અને તેણે કાવતરું તૈયાર કર્યું હતું. કુરિયરમાં બોમ્બ મૂકવાનું, મોંઘી કંપનીમાંથી ઈન્સ્યોરન્સ લેવાનું અને પછી નાટક કરીને પૈસા વસૂલવાનું કાવતરું હતું. સગીરના કહેવા પ્રમાણે તેણે પહેલા પાર્સલ મંગાવ્યું, તેમાં મોબાઈલ ફોન, મેમરી કાર્ડ અને કેટલાક પ્રોસેસર મળ્યા. જેની કુલ કિંમત 9.81 લાખ રૂપિયા હતી. આ પછી યુવકે એક મોટી કંપની પાસેથી તેના પાર્સલનો વીમો લીધો હતો. યુટ્યુબની મદદ લઈ સગીર ટાઇમર સર્કિટ બનાવતા શીખ્યો. દિવાળીમાં ફોડવામાં આવતા ફટાકડા, બેટરીનો ઉપયોગ કરીને વિસ્ફોટક તૈયાર કરવામાં આવ્યું. ત્યારબાદ બ્લુ ડાર્ટ નામની કુરિયર કંપનીમાં તે પાર્સલ દિલ્હી પહોંચાડવા જણાવ્યું. પરંતુ જોગેશ્વરી પહોંચતાની સાથે જ પાર્સલમાં વિસ્ફોટ થયો. આ સગીરને 27 જુલાઈ સુધી ચિલ્ડ્રન્સ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો છે.

Most Popular

To Top