surat : શનિવારે મનપાની મુખ્ય કચેરી ખાતે વરાછા ઝોન ( varacha zone) એ અને વરાછા ઝોન-બીના કોર્પોરેટરો, અધિકારીઓ, પદાધિકારીઓની સંકલન બેઠક મળી હતી. જેમાં ખાસ કરીને દબાણ, ગંદકી મુદ્દે રજૂઆતો થઈ હતી. તેમજ ઘણા કોર્પોરેટરોની પ્રાથમિક સુવિધાનાં કામોને લઈ ફરિયાદ હોવાથી મનપા કમિશનરે ( smc commissioner) સંકલનમાં જ અધિકારીઓને સૂચના આપી હતી કે, કામો જલદીથી થવા જોઈએ. કોઈપણ કામ હાથ પર લો તો તેને તાકીદે પૂર્ણ પણ કરો. ઉપરાંત સંકલન બેઠકમાં દરેક વ્યક્તિને વેક્સિન મળી રહે એ માટે સરકાર પાસે માંગણી કરવા અને વેક્સિનેશન સેન્ટરો ( vaccination center) વધારવા રજૂઆતો થઇ હતી. જેની સામે શાસકો તરફથી વેક્સિન ( vaccine) નો સ્ટોક સરકારમાંથી આવે એ પ્રમાણે અપાય છે એવો જવાબ અપાયો હતો.
વરાછા ઝોનમાં રખડતાં ઢોરોના પ્રશ્નોમાં અધિકારીઓનો જવાબ: 3 વાર ટેન્ડર બહાર પડાયાં, કોઈ આવતું નથી
આખા શહેરમાં જ રખડતાં ઢોરોનો પ્રશ્ન છે. જે માટે અવારનવાર રજૂઆતો થતી રહે છે. વરાછા ઝોનમાં પણ રખડતા ઢોરોના મુદ્દે ઘણા કોર્પોરેટરોએ રજૂઆત કરી હતી. જે મુદ્દે અધિકારીઓએ જવાબ આપ્યો હતો કે, એ માટે 3 વાર ટેન્ડર બહાર પડાયાં છે. પરંતુ કોઈ એજન્સી આવતી નથી.
નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આપવા માંગ
નવા સમાવિષ્ટ વિસ્તારોમાં રોડ ( road) , રસ્તા, સ્ટ્રીટલાઇટ, ગટરની સુવિધા આપવાનો પણ મુદ્દો ગાજ્યો હતો. જો કે, શાસકોએ નવા વિસ્તારોમાંથી આવક આવી નથી. પાલિકા પાસે જે કંઇ બેલેન્સ છે, તે ફાળવી શકાય એમ નથી એમ જણાવ્યું હતું. જેથી પ્રશ્ન ઊભો થયો છે કે, નવા વિસ્તારો માટે મનપા દ્વારા બજેટમાં જે ફાળવણી કરાઈ છે તેનું શું??
ખાડીપૂર, પાણીના ઓછા પ્રેશર મુદ્દે પણ રજૂઆતો થઈ
ગત વર્ષે ચોમાસામાં સણિયા હેમાદ-સારોલી વિસ્તારમાં ખાડીપૂરની સમસ્યા સર્જાઇ હતી. જેથી ખાડી પૂર નહીં આવે તે માટે ખાડી ચોમાસા પહેલાં ડ્રેજિંગ કરવા સાથે જરૂરી કાર્યવાહી કરવા સ્થાનિક નગરસેવકો દ્વારા રજૂઆતો થઇ હતી. તેમજ પાણી ઓછા પ્રેશરથી આવતું હોવાની પણ ફરિયાદો થઈ હતી. સાથે સાથે ગંદકીના મુદ્દે પણ કોર્પોરેટરોએ યોગ્ય નિકાલ કરવા રજૂઆત કરી હતી. તેમજ કચરામાંથી ખાતર બનાવવાની મશીનોમાં આજદિન સુધી 100 ગ્રામ પણ ખાતર નથી બન્યું તેવી ફરિયાદ આપના કોર્પોરેટરોએ કરી હતી.
આમ આદમી પાર્ટી ( aam aadmi party) ના કોર્પોરેટરોને પ્રથમવાર સરદાર ખંડમાં બેસવાનો વારો આવ્યો
આમ આદમી પાર્ટીના નવા કોર્પોરેટરોને તેઓ ચુંટાયા ત્યારથી મનપા મુખ્ય કચેરીના સરદાર ખંડમાં બેસવાનો વારો જ આવ્યો નથી. જેટલી પણ સભા થઈ તે પાલ સંજીવકુમારમાં ક્યાં તો ઓનલાઈન થઈ હતી. પરંતુ સંકલન બેઠકને પગલે તેઓને સરદાર ખંડમાં બેસવાનો વારો આવ્યો હતો.