SURAT

સુરત પોલીસનો બિભત્સ ચહેરો સામે આવ્યો, દુષ્કર્મનો ભોગ બનેલી 8 વર્ષ બાળકીની દયા ખાવાના બદલે..

સુરત : શહેર પોલીસ કમિશનર વગરનું છે ત્યારે શહેર પોલીસના કેટલાક અધિકારીઓનો બીભત્સ ચહેરો સામે આવી રહ્યો છે. આજરોજ શુક્રવારે એક આઠ વર્ષની બાળકીના બળાત્કારની સનસનીખેજ ઘટના ચર્ચામાં આવી છે. મોરાભાગળ ખાતે આવેલા એક મેટરનિટી હોસ્પિટલમાં બપોરના સમયે એક આઠ વર્ષની બાળકીને લોહી લૂહાણ હાલતમાં લઈને તેના પરિવારજનો આવી પહોંચ્યા હતા.

  • દુષ્કર્મનો ભોગ બનેલી આઠ વર્ષની બાળકી લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચી
  • રાંદેર-જહાંગીરપુરા પોલીસ મહિલા તબીબને ગુનાની હદ બતાવતા રહ્યાં
  • જહાંગીરપુરા પોલીસ કલાક પછી આવી અને લોહીલુહાણ બાળકીને સિવિલ લઇ જવાને બદલે માનવતાને કોરાણે મૂકી એક કલાક સુધી નિવેદન લીધા
  • મહિલા તબીબે બાળકીને લોહી અટકાવવા ઈન્જેકશન આપ્યા અને તેને ન્યાય મળે તેવા તમામ પ્રયત્નો કરતા પોલીસે તેઓને ચકરાવે ચડાવી દીધા
  • આ બાળકી તેના કાકા સાથે રહેતી હતી, કાકાના સાળાએ બાળકી પર બળાત્કાર ગુર્જાયો હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે

મહિલા તબીબ બાળકીની હાલત જોઈ ચોંકી ગયા હતા. તેઓએ રાંદેર અને જહાંગીરાપુરા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા તો પોલીસ આટલા સંવેદનશીલ કેસમાં પણ પોત-પોતાની હદમાં આ કેસ નથી આવતો કહીને હાથ ઊંચા કરતાં રહ્યાં. પોલીસના આવા વર્તનથી મહિલા તબીબ ડઘાઈ ગયા હતા કેમકે એક તરફ બાળકી લોહીમાં તરફડિયા મારી રહી હતી તેઓએ માનવતાની રાહે તત્કાળ બાળકીને લોહી વહી જતું અટકાવવા ઈન્જેકશન્સ આપી આ રેપ કેસમાં રીતસર ન્યાયિક લડાઈ છેડવી પડી હોવાની વિગતો જાણવા મળે છે.

આ કેસમાં પ્રાપ્ત વિગતો મુજબ વરિયાવ ખાતે રહેતા એક શ્રમિક પરિવારની આઠ વર્ષની બાળકી પર ચૌદ વર્ષીય કિશોર દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હોવાની શંકા વ્યકત કરાઈ હતી. આ બાળકીના માતા પિતા મધ્યપ્રદેશમાં રહે છે અને અહીં તેના કાકાની સાથે આ બાળકી રહે છે.

તેના કાકાના સાળા દ્વારા આ બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. બાળકીની હાલત નાજૂક હોવાથી પરિવાર તેને મોરાભાગળ સ્થિત હોસ્પિટલમાં લઈને પહોંચતા બાળકીની હાલત જોઈને મહિલા તબીબ ચોંકી ગયા હતા. તેઓએ ત્વરીત રાંદેર પોલીસને ફોન કર્યો હતો.

ત્યારબાદ રાંદેર પોલીસે એવું કહ્યું કે આ અમારી હદ નથી. બળાત્કાર જેવા ગુનામાં પણ રાંદેર પોલીસ માનવતા ચૂકી ગઇ હતી. ત્યારબાદ જહાંગીરપુરા પોલીસને ફોન કરવામાં આવ્યો હતો. તો અહીંથી એવો જવાબ મળ્યો કે તેમની હદમાં આ ગુનો બન્યો નથી. બાળકી લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારી રહી હતી.

છેવટે મહિલા તબીબે રાજકીય આગેવાનને જાણ કરતા એક ઉચ્ચ અધિકારી દોડી આવ્યા હતા. આ મહાશયે મહિલા તબીબને ધમકીના સ્વરમાં જણાવ્યું હતુ કે તમે મિડીયા અને રાજકીય માથાઓને જાણ કરો છો અમે ચોક્કસ તમારૂં સમ્માન કરીશું. તેમ છતાં મહિલા તબીબે આ ગંભીર કેસમાં બાળકીને ન્યાય અને સારવાર મળે તેવા પ્રયત્નો ચાલુ રાખ્યા.

ખાસ તો મજૂર પરિવારમાંથી આવતી બાળકીને તેના પરિવારજનો લઇને ભાગી નહીં જાય તે માટે તેઓને રોકી રાખ્યા હતા. દરમિયાન જહાંગીરપુરા પોલીસ આવીને એક કલાક સુધી ગંભીર અને ગભરાયેલી બાળકીના કોઈ પણ જાતની દયા વગર નિવેદન લીધા હતા. પોલીસ ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરીને વિવાદી પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરે તે સમયની માંગ છે.

માંડ-માંડ આવેલી પોલીસે મહિલા તબીબને કહ્યું તમારી કારમાં સિવિલ લઈ જાવ
પોલીસે કહ્યું કે બળાત્કારના કેસમાં સીમેન લેવું પડશે. તેથી તેને સિવિલ લઇ જવી પડશે. મહિલા તબીબને માનવતા દાખવવાની સજા મળતી હોય તેમ સ્થળ પર આવેલા ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તમારી કારમાં બાળકીને લઇ જાવો.

આમ બાળકીને મદદ કરવા માંગતા મહિલા તબીબ પોલીસના આવા અમાનવીય વર્તનથી ડઘાઇ ગયા હતા. ત્યારબાદ મહિલા તબીબે બાળકીના શરીરમાંથી લોહી વધુ પડતું લોહી વહી જાય નહીં તે માટે ઇન્જેકશન આપ્યું હતું. સરવાળે મહિલા તબીબને બળાત્કારનો ભોગ બનેલી બાળકીને ન્યાય આપવા માટે ફિલ્મીઢબે લડાઇ છેડવી પડી હતી.

આ તમામમાં મહિલા તબીબની હાલત કફોડી થઈ ગઈ હતી. એક વાત ચોક્કસ છે કે ભવિષ્યમાં કદાચ આવી ઘટના અંગે કોઇ તબીબ પોલીસને જાણ જ નહીં કરે. આ ઘટનામાં અમે મહિલા તબીબનું નામ લખવા માંગતા નથી પરંતુ ઘટના સાચી છે.

તપાસ કરીને કાર્યવાહી કરીશું
સુરતના ડીસીપી આરપી બારોટ સાથે અમે આ મામલે વાત કરી ત્યારે તેઓ એ જણાવ્યું કે આ મામલે હાલમાં મારી પાસે કોઇ વિગત નથી. આ મામલે હું તપાસ કરીને તમને જણાવી શકીશ, કે આગળની કાર્યવાહી કરીશ.

Most Popular

To Top