ગુજરાતીમાં કહેવત છે કે વાર્યા ન વળે તે હાર્યા વળે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે દુનિયાના લગભગ તમામ દેશો સાથે ખતરનાક ટ્રેડ વોરનો પ્રારંભ કર્યો ત્યારે તેમના ઉદ્યોગપતિ મિત્રો અને સલાહકારોએ તેમને વાર્યા હતા કે આ વેપાર યુદ્ધનું સૌથી વધુ નુકસાન અમેરિકાને થશે પણ જિદ્દી ટ્રમ્પ પોતાનો કક્કો ખરો સાબિત કરવા ટેરિફ વોરના રસ્તે આગળ વધ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ સામે આખા અમેરિકામાં પ્રચંડ દેખાવો ચાલી રહ્યા છે, તેની પણ પરવા કર્યા વિના તેમણે એક પછી એક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ ઝીંકી દીધા હતા. ટ્રમ્પના ટેરિફને કારણે શેર બજારોમાં કડાકા બોલી ગયા તો પણ ટ્રમ્પ ટેરિફની બાબતમાં જરા પણ પીછેહઠ કરવા તૈયાર નહોતા, તો પછી અચાનક એવું શું બની ગયું કે જેને કારણે ટ્રમ્પને ટેરિફનો અમલ ૯૦ દિવસ સુધી મોકૂફ રાખવાની ફરજ પડી હતી?
રાજકીય નિરીક્ષકો કહે છે કે ટ્રમ્પના ટેરિફને કારણે અમેરિકન ટ્રેઝરીના બોન્ડના ભાવમાં કડાકો બોલી ગયો તેને કારણે ડોનાલ્ડ ટ્રમ્પના મિત્ર એલોન મસ્કે દબાણ લાવીને ટ્રમ્પને ટ્રેડ વોરમાં પીછેહઠ કરવાની ફરજ પાડી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ધાર્યું હતું કે શેર બજારમાં કડાકો બોલશે ત્યારે ગભરાયેલાં રોકાણકારો તેમાંથી પૈસા ઉપાડીને ટ્રેઝરી બોન્ડ ખરીદવા પડાપડી કરશે પણ તેનાથી ઊંધું જ બન્યું હતું. ટ્રમ્પના મનસ્વી નિર્ણયોને કારણે રોકાણકારોનો વિશ્વાસ બોન્ડમાંથી ઊઠી જતાં તેમણે બોન્ડ વેચવા પડાપડી કરી હતી. જો ટ્રેઝરી બોન્ડના ભાવો તળિયે જાય તો અમેરિકાની સરકારને મળતું સસ્તું ધિરાણ બંધ થઈ જાય તેમ છે. આ નક્કર વાસ્તવિકતા સમજાતાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો નિર્ણય ફરી વાર મોકૂફ રાખ્યો છે.
વિશ્વના બજારમાં લગભગ ૩૫ ટ્રિલિયન ડોલરના મૂલ્યના યુએસ ટ્રેઝરી બોન્ડ છે. તેમાંથી મોટા ભાગનો હિસ્સો ચીન જેવા વિદેશી હાથમાં છે. જો ચીન જેવો દેશ તેની પાસેના અમેરિકન ટ્રેઝરી બોન્ડ વેચવા કાઢે તો પણ અમેરિકામાં આર્થિક કટોકટી પેદા થઈ શકે છે. સરકારી બોન્ડ એક દેવાનું સાધન છે. સાર્વભૌમ સરકારો જાહેર ખર્ચ માટે બજારોમાંથી નાણાં એકત્ર કરવા માટે તેને જારી કરે છે. સરકારો બોન્ડના બદલામાં વ્યાજ ચૂકવે છે. મોટા ભાગના અમેરિકન ટ્રેઝરી બોન્ડ વિદેશી હાથમાં છે. અમેરિકાના બોન્ડને સૌથી સુરક્ષિત રોકાણોમાંનો એક ગણવામાં આવે છે, માટે તેના વ્યાજ દરોમાં વધારો નથી થતો.
બુધવારે યુએસ સરકારી બોન્ડ પર વ્યાજ દરો ઝડપથી વધીને ૪.૫ ટકા થયા હતા. થોડા દિવસ પહેલાં સુધી વ્યાજ દર ૩.૯ ટકા હતા. ફેબ્રુઆરી પછી બોન્ડ વ્યાજ દરનું આ સૌથી ઊંચું સ્તર છે. ટ્રેઝરી બોન્ડનું મોટા પાયે વેચાણ અમેરિકાના અર્થતંત્ર માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. જો ટ્રેઝરી બોન્ડનું વેચાણ ઘટી જાય તો અમેરિકાની સરકાર માટે સામાજિક સુરક્ષા અને મેડિકેડ જેવા કાર્યક્રમો માટે ભંડોળ પૂરું પાડવું શક્ય બનશે નહીં. અમેરિકાની સરકાર દેવા પર જ ચાલે છે. જો સરકાર ઉપરનો વિશ્વાસ તૂટી જાય તો તેને ઉધાર મળતું પણ બંધ થઈ જાય. આ કારણે ડોનાલ્ડ ટ્રમ્પને પીછેહઠ કરવાની ફરજ પડી છે.
ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના વ્યાવસાયિક મિત્રો, રિપબ્લિકન નેતાઓ અને વ્હાઇટ હાઉસના સલાહકારોએ પણ સતત તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેમની રેસિપ્રોકલ ટેરિફ નીતિ અમેરિકાના અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. આમ છતાં, ટ્રમ્પે છેલ્લી ક્ષણ સુધી ટેરિફના સમર્થનમાં ઇન્ટરનેટ મિડિયા પર પોસ્ટ કરવાનું ચાલુ રાખ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર કોંગ્રેસમાં ટેરિફના ફાયદાઓની ગણતરી કરાવી રહ્યા હતા ત્યારે જ ટ્રમ્પે ઇન્ટરનેટ મિડિયા પર ટેરિફ બાબતમાં ત્રણ મહિનાનો પ્રતિબંધ જાહેર કર્યો. આનો અર્થ એ થયો કે જેમીસન ગ્રીરને પણ ટેરિફ પર ૯૦ દિવસના પ્રતિબંધ વિશે અગાઉથી જાણ કરવામાં આવી ન હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના ચીફ ઓફ સ્ટાફ સુસી વિલ્સ, વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટને વ્યાપાર સંગઠનો અને ઉદ્યોગપતિઓ તરફથી સતત ફોન આવી રહ્યા હતા. તે બધા ટ્રમ્પને ટેરિફ નીતિ પર પુનર્વિચાર કરવા અપીલ કરી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાઇલ્સે ટ્રમ્પને એ વાત સમજાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી કે બજારના કડાકાથી તેમને રાજકીય નુકસાન થઈ રહ્યું છે. બુધવારે વ્હાઇટ હાઉસમાં ખૂબ જ હંગામો થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ શેર બજારના ઘટાડાને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
બીજી તરફ તેમણે કહ્યું કે શેરબજારના ઇતિહાસમાં આ સૌથી મોટો ઘટાડો છે. જો તે આ રીતે ચાલુ રહેશે, તો આપણે ચાર અઠવાડિયાં પહેલાંની સ્થિતિમાં પાછાં આવીશું. ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો હતો કે તેઓ કેટલીક અમેરિકન કંપનીઓને ટેરિફમાંથી મુક્તિ આપવાનું વિચારી શકે છે અને તેઓ પોતાની સહજતાના આધારે આ અંગે નિર્ણય લેશે. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે દાવો કર્યો હતો કે ૯૦ દિવસનો પ્રતિબંધ હાર નહોતી પણ ટ્રમ્પની વ્યૂહરચનાનો એક ભાગ હતો. તેમણે કહ્યું કે રવિવારે અમે લાંબી વાતચીત કરી હતી. આ અન્ય દેશોને વાટાઘાટોના ટેબલ પર લાવવા તરફનું એક પગલું છે.
અત્યાર સુધીમાં તમે સાંભળ્યું હશે કે અમેરિકા, જેને વિશ્વની મહાસત્તા કહેવામાં આવે છે, તે અન્ય દેશોને લોન આપે છે પણ એવું નથી. ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકા પર અન્ય દેશોનું પણ અબજો ડોલરનું દેવું છે. સૌથી મોટી વાત એ છે કે અમેરિકાને લોન આપનારા દેશોમાં ચીન અને જાપાન ઉપરાંત ભારત પણ સામેલ છે. અમેરિકાના વિદેશી લેણદારોમાં જાપાન ટોચ પર છે. તેણે ૧.૧ ટ્રિલિયન ડોલરના યુએસ ટ્રેઝરી બોન્ડ ખરીદ્યા છે.
ચીન બીજા સ્થાને છે. ચીને ૭૬૮.૬ અબજ ડોલરના યુએસ ટ્રેઝરી બોન્ડ ખરીદ્યા છે. બ્રિટન ત્રીજા નંબરે છે. બ્રિટને ૭૬૫ અબજ ડોલરના યુએસ ટ્રેઝરી બોન્ડ ખરીદ્યા છે. યુએસ ટ્રેઝરી દર મહિને વિદેશી માલિકીનો ડેટા પ્રકાશિત કરે છે. ભારતે લગભગ ૨૩૪ અબજ ડોલરના યુએસ ટ્રેઝરી બોન્ડ ખરીદ્યા છે. આ રીતે અમેરિકા ભારતનું પણ દેવાદાર છે. દેશની સરકારો પોતાનું અનામત ભંડોળ ડોલરમાં રાખવાને બદલે ટ્રેઝરી બોન્ડમાં રાખે છે, કારણ કે તેમને ટ્રેઝરી બોન્ડ પર ૩ થી ૪.૫૦ ટકાનું વ્યાજ મળે છે.
અમેરિકા દ્વારા કુલ ૩૬ ટ્રિલિયન ડોલરના ટ્રેઝરી બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે. આ બોન્ડ પર અમેરિકાને લગભગ એક ટ્રિલિયન ડોલરનું વ્યાજ દર વર્ષે ચૂકવવું પડે છે. તે ચૂકવવા માટે પણ અમેરિકા નવા બોન્ડ બહાર પાડે છે. અમેરિકાની વેપાર ખાધ વાર્ષિક બે ટ્રિલિયન ડોલર જેટલી છે. તેને સરભર કરવા માટે અમેરિકા પાસે બોન્ડ બહાર પાડવા સિવાય કોઈ રસ્તો નથી. જો દુનિયાનાં રોકાણકારો અમેરિકી સરકારના બોન્ડ ખરીદવાનું બંધ કરે તો સરકારે દેવાળું જાહેર કરવું પડે તેમ છે. એવું નથી કે ફક્ત અમેરિકાની સરકાર જ આવા ટ્રેઝરી બોન્ડ જારી કરે છે. વિશ્વભરના દેશોની સરકારો આવા ટ્રેઝરી બોન્ડ જારી કરે છે, જેમાં મોટી બેંકો અને સંસ્થાઓ રોકાણ કરીને સારો નફો કમાય છે.
અમેરિકામાં બોન્ડનું વેચાણ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા માટે એક મોટી સમસ્યા ઊભી કરે છે. છેલ્લા બે દિવસમાં અમેરિકન સરકાર દ્વારા ૧૦ વર્ષથી વધુ સમય માટે લેવામાં આવતા ઉધાર માટે વ્યાજનો દર ૩.૯% થી વધીને ૪.૫% થયો છે, જે ફેબ્રુઆરી પછીનો સૌથી ઉચ્ચ સ્તર છે. આ વધારાથી અર્થશાસ્ત્રીઓ ગભરાઈ ગયા છે કારણ કે યુએસ બોન્ડને પરંપરાગત રીતે નાણાંકીય કટોકટીના સમયમાં રોકાણકારો માટે તેમનાં નાણાં રોકવા માટે સલામત આશ્રયસ્થાન તરીકે જોવામાં આવે છે. જ્યારે અમેરિકન સરકારના દેવા પર વ્યાજના દર વધ્યા ત્યારે રોકાણકારોએ બોન્ડ વેચવાને કારણે માંગ નબળી પડી જતાં બોન્ડના ભાવમાં પણ ઘટાડો થયો હતો. અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે યુએસ ટેરિફનો ખર્ચ અમેરિકન કંપનીઓ વિદેશથી માલ આયાત કરીને ચૂકવશે.
તેને કારણે સ્થાનિક સ્તરે ભાવમાં વધારો થશે. આ વધારાનો બોજો અમેરિકાનાં નાગરિકોએ જ ઉઠાવવો પડશે. ટ્રમ્પની યોજનાનો હેતુ અમેરિકન વ્યવસાયોને વિદેશી સ્પર્ધાથી બચાવવા અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાનો છે. જો કે, વધારાના કરવેરા કંપનીઓના નફાને અસર કરશે તેવી આશંકાને કારણે શેરબજારમાં ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે કંપનીઓ નોકરીઓમાં ઘટાડો કરી શકે છે અને આર્થિક મંદીનો સામનો કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવ્યા પછી જેટલાં પણ વગર વિચાર્યાં પગલાંઓ લીધાં હતાં તે બૂમરેંગ થઈ રહ્યાં હોવાથી ટ્રમ્પને પોતાની સત્તા ટકાવી રાખવા યુ-ટર્ન લેવાની ફરજ પાડવામાં આવી રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.