Charchapatra

ટ્રમ્પના ટેરિફ સામે પગલાંઓ લેવાને બદલે રાંધણ ગેસમાં ભાવવધારો

દેશની સામાન્ય પ્રજા મોંઘવારીના કારણે પહેલેથી જ પરેશાન છે ત્યારે તાજેતરમાં રાંધણ ગેસ એટલે કે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા 50નો વધારો ઝીંકી કેન્દ્ર સરકારે પ્રજાની મુશ્કેલીમાં ઓર વધારો કર્યો છે.આ રાંધણ ગેસનો ભાવવધારો માત્ર સામાન્ય સિલિન્ડર પર જ નહીં બલકે ઉજ્જવલા યોજના લાભાર્થીઓ પર પણ પડવાનો છે. એ જોતાં મધ્યમવર્ગ અને ગરીબવર્ગ એમ બંને વર્ગ પર મોંઘવારીનો બોજ પડવાનો છે. આ ભાવવધારો તાત્કાલિક અસરથી અમલી પણ બનાવી દેવાયો છે. તેના કારણે પહેલાં ઉજ્જવલા ગેસ સિલિન્ડર રૂપિયા 503માં મળતો હતો એ હવે 553 રૂપિયામાં મળશે.

આ ઉજ્જવલા યોજના સિવાયના રાંધણ ગેસ લેતાં ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધારી રૂપિયા 853 કરી દેવામાં આવી છે. આ ભાવવધારો પણ એવા સમયે કરાયો છે કે જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ તૂટી રહ્યા છે અને દેશ પાસે પણ ગેસનો જંગી જથ્થો છે. તે જોતાં આ ભાવવધારો કરવાની જરૂર જ નહોતી. કેન્દ્ર સરકારે ટ્રમ્પના ટેરિફના કારણે દેશના અર્થતંત્ર ઉપર પડનારી વિપરીત અસરો પાળવા માટે યોગ્ય પગલાં લેવાને બદલે દેશની સામાન્ય પ્રજા ઉપર ભાવવધારાનો બોજો નાખ્યો તે અત્યંત દુ:ખદ અને ખેદજનક છે.
પાલનપુર          – મહેશ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top