Vadodara

સહકાર નગરમાં ‘તળાવ’ની જગ્યાએ પ્લોટસ આપી કયૂબ કન્ટ્રકશનને ‘કમાણી’ કરાવી આપવાનો કારસો

વડોદરા : પાંચ વર્ષથી વગર બાંધકામના કારણે વિવાદમાં ઘેરાયેલી તાંદલજાની સહકાર નગર સ્કીમમાં કોન્ટ્રાક્ટર ક્યૂબ કન્સ્ટ્રકશન પર પાલિકાનું તંત્ર ઓળઘોળ થઈ ગયું છે અને કોન્ટ્રાક્ટરને કરોડો રૂપિયાનો ફાયદો કરી આપવાનો કારસો ઘડાયો છે ખાસ કરીને તળાવ ના વિકલ્પમાં ત્રણ જુદા-જુદા પ્લોટ ફાળવી આપવાનો નિર્ણય લેતા કોન્ટ્રાક્ટર પર આટલી મહેરબાની કેમ તેની ચર્ચાએ ભૂકંપ સર્જ્યો છે. શહેરના તાંદલજા વિસ્તારમાં સરકારી જમીન પર વર્ષો સુધી ‘આશિયાના’ ધરાવતા સહકાર નગર માટે પાલિકાએ પીપીપી સ્કીમ મૂકી હતી અને તેમાં 18 મહિનામાં બાંધકામ પૂરું કરવાની સાથોસાથ 15 કરોડ રૂપિયા નું પ્રિમીયમ પાલિકાને મળે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે આવી સ્કીમોમાંથી દબાણોનો સફાયો થાય ત્યારબાદ ટેન્ડર  ભરનાર એજન્સી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતું હોય છે અને તેના આધારે ટેન્ડર ઓફર આપતું હોય છે પરંતુ પાલિકાના સહકાર નગર માં 1428 આવાસો અને 78 દુકાનો બાંધીને ‘મફત’માં આપવાની ઓફર આપનાર ક્યૂબ કન્સ્ટ્રકશનના સંજય શાહે ચૂકવવાના થતા ભાડાના 7.14 કરોડ રૂપિયા પાલિકાએ ચૂકવવા પડયા છે. પાંચ વર્ષમાં ‘તળાવ’ના નામે એક કપ સુધ્ધા ન મૂકનાર ક્યૂબ કન્સ્ટ્રકશનના સંચાલક 15 નોટિસને પણ ઘોળીને પી ગયા છે વિધાનસભા ચૂંટણી આ વર્ષે આવી રહી છે ત્યારે પાંચ વર્ષથી ચાલતા વિવાદનો અંત લાવવા એક જૂથે ‘રોકડીયુ’બીડું ઉઠાવ્યું છે.

સહકાર નગરના ટેન્ડર મુજબ 44304 ચોરસ મીટર જમીન ક્યૂબ કન્સ્ટ્રકશન ને આપવાની થતી હતી પણ પાંચ વર્ષમાં આ વિશાળ પ્લોટમાં ‘તલાવડી’ હોવાનુ સત્તાવાર ધ્યાને આવતા કોન્ટ્રાક્ટર ક્યૂબ કન્સ્ટ્રકશનને 7100 ચોરસ મીટર જમીન ઓછી મળશે તો શું થશે તેની ચિંતા પાલિકાના સત્તાધીશોને થઈ  છે પાંચ પાંચ વર્ષ સુધી પાલિકાને કોણીએ ગોળ લગાડનાર આ કોન્ટ્રાક્ટરને 462ચો.મી, 386ચો.મી, અને 2602 ચો.મી એમ મળી ત્રણ જુદા-જુદા પ્લોટની 3551 ચોરસ મીટર (લગભગ 36 હજાર ચોરસ ફૂટ) જમીન ની મફતમાં લહાણી કરાશે. 7 માળના બદલે 14 માળના ટાવર આ જગ્યામાં ઊભા કરવાનો પણ તખ્તો ઘડાઈ રહ્યો છે ક્યુબ કન્સ્ટ્રક્શનને 11.16 લાખ ચોરસ ફૂટમાં ‘વેચાણ’ કરવા માત્ર બાંધકામ મળશે તે નક્કી છે આ સંજોગોમાં પાલિકાએ પોતાની ‘તિજોરી’ ભરવાના બદલે ક્યુબ કન્સ્ટ્રક્શનને કમાણી કરાવી આપવાનો રસ્તો ખોલી  આપ્યો તેની પાછળ કોનું ‘ભેજું’કામ કરી ગયું તેવો સવાલ પણ ઉભો થયો છે.

સંજયનગરમાં વધારાના મકાનો લીધા તો ‘સહકાર’માં કોને પેટમાં દુખ્યું?
શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ સંજયનગર સ્કીમ પણ પાલિકાની વિવાદિત પીપીપી મોડેલ ની સ્કીમ છે આ સ્કીમનો વિવાદ ઉકેલાઈ ગયો હોવાનો દાવો થઈ રહ્યો છે અને તેના બિલ્ડર-કોન્ટ્રાક્ટર મેયર કેયુર રોકડિયાના કહેવાથી જ વધારાના મકાનો એકપણ તસુભાર જમીન વગર બનાવી આપવા તૈયાર થઈ ગયા છે સંજયનગરમાં આવાસોની રાહ જોતા ગરીબ ઝુપડાવાસીઓને ભાડા માટે વલખા મારવા પડ્યા હતા અને તેના કોન્ટ્રાક્ટરે નાણાંની અછત હોવાની રેકર્ડ જે તે સમયે વગાડીયે રાખી હતી પરંતુ મેયર સાથેની બેઠક બાદ કોન્ટ્રાક્ટર બિલ્ડર પર રાતોરાત જાણે લક્ષ્મી માતા પ્રસન્ન થયા હોય કેમ મેયર કેયુર રોકડિયાની તમામ શરતો માની હતી આ સમાધાન ફોર્મ્યુલા હાલમાં માત્ર સંજયનગર પૂરતી સીમિત હોય તેવી સ્થિતિ છે કારણકે તાંદલજાની સહકાર નગર સ્કીમમાં તલાવડીના વિકલ્પમાં મફતમાં ત્રણ પ્લોટસ આપવાની તૈયારી બતાવનાર પાલિકાના શાસકોએ એક ફૂટી કોડી ક્યુબ કન્સ્ટ્રક્શનના કર્તાહર્તા પાસે માગણી કરવાની હિંમત બતાવી નથી.

Most Popular

To Top