Charchapatra

સ્વામી વિવેકાનંદનું પ્રેરણાદાયી વ્યક્તિત્વ

૧૨ જાન્યુઆરીને યુવા દિન તરીકે ઓળખવામાં આવે છે. મજબૂત મનોબળ,સાધુ અને યોગી જીવનને સમર્પિત એવા સ્વામી વિવેકાનંદજીના કેટલાક સંદેશાઓ આજના યુવા માટે ખૂબ જ ઉપયોગી છે. ૧.ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ૨.પોતાની જાતને કમજોર માનવી તે જ સૌથી મોટું પાપ છે.૩ તમને કોઈ શીખવાડી શકતું નથી, કોઈ આધ્યાત્મિક બનાવતું નથી . તમારે સ્વયં પાસેથી જ શીખવું પડશે. ૪.આત્માથી શ્રેષ્ઠ કોઈ શિક્ષક નથી.૫ જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ભગવાન પણ તમારા પર ભરોસો નહીં કરે.

૬.સમગ્ર બ્રહ્માંડની શક્તિઓ આપણી પાસે જ છે. આપણે જ એવા છીએ કે જે પોતાની આંખો પર હાથ મૂકી દઈએ છીએ અને ફરી રડીએ છીએ કે કેટલો અંધકાર છે.૭.જ્યાં સુધી જીવો ત્યાં સુધી શીખતા રહો. ૮.અનુભવ જ સમગ્ર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક છે. આજનો યુવા કેટલીકવાર નાની નાની બાબતો ની નિષ્ફળતા માં  નાસીપાસ થઈ જિંદગી ને દાવ પર લગાવી દેતા હોય છે.અહમ ને પોષવા ખોટા માર્ગ પર જતા દરેક યુવા માટે સ્વામીજીના સંદેશાઓ કારગર સંજીવની જેવું કામ કરે છે. આજકાલ યુવા તો શું દરેક આબાલ વૃદ્ધો જ્યારે સહુ બાહ્ય શાબાસી ને જ પ્રેરણાબિંદુ સમજવાનું વલણ રાખતા હોય ત્યારે આવા મહાન કર્મી અને ધર્મીઓના સ્વયં સ્ફુરિત આશીર્વચનો જીવનપથ પર આગળ ધપવા ખૂબ ઉપયોગી નીવડે છે.
સુરત     -સીમા પરીખ.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

શબ્દો નાના પ્રેરણા ઘણી
થોડા દિવસો પર યુ ટ્યુબ પર કોઈ એક સ્વામીજી અંગ્રેજીમાં હાજર રહેલા કોર્પોરેટ જગતના પદાધિકારીઓને સંબોધતા સાંભળવાનો લ્હાવો મળ્યો. એમનું અંગ્રેજી અસ્ખલિત રીતે વ્યક્ત થતું હતું. એમના થોડા શબ્દો યુવાનોને ખુબ લાગે એવા છે. આપણે સામાન્ય રીતે કામ કરવાની બે રીત જાણીએ છીએ. વૃત્તીપુર્વક અને કૃતિપુર્વક, પરંતુ એમના કહેવા પ્રમાણે સામાન્ય રીતે કામ કરતી વખતે આપણા હાથનો ઉપયોગ થતો જ હોય છે, એટલે એઓએ કહ્યું જો હેન્ડ સાથે હેડ મળે તો એ કોશલ્ય પૂર્ણ કામ થાય છે અને જો હેન્ડ સાથે હેડ અને હાર્ટ બે મળે તો તે કામ કળા પુર્વક થયેલું કામ છે. એમના કહેવા પ્રમાણે આ ત્રણ એચની થીયરી છે.

તેજ પ્રમાણે એમણે વ્યવસાય વિષે કહ્યું કે આપનો વ્યવસાય ફક્ત વૃદ્ધિ જ પામતો હોય તો તે આપની પ્રગતિ કે સફળતા નથી, પણ જો વૃદ્ધિ {GROWTH} સાથે નિષ્ઠા ભળે તો તે પ્રગતિ કહેવાશે અને જો વૃદ્ધિ સાથે નિષ્ઠા, માનવતા અને નૈતિકતા ઉમેરાય તો તેજ આપની સફળતા છે. હવે એઓએ આપણા સૌની એક સામાન્ય ટેવ પર વિચાર વ્યક્ત કરતા કહ્યું કે જો તમે ભેગા થઈને કોઈ વ્યક્તિ કે લોકો વિષે ચર્ચા કરો છો તો તમારી માનસિકતા બિલકુલ સામાન્ય કક્ષાની છે, જો તમે કોઈ ખાસ બનાવ વિષે ચર્ચા કરો છો તો તમારી માનસિકતા એવરેજ (સરાસરી ઠીક) છે, પણ જો તમે કોઈ આઈડિયા ( સકારાત્મક ખ્યાલ] વિષે ચર્ચા કરો છો તો તમારી માનસિકતા ઉચ્ચ કક્ષાની છે. અંતમાં તેઓએ દિવસ દરમ્યાન ફક્ત બાર મિનીટ ધ્યાન ધરવાના ફાયદાઓ જણાવતા કહ્યું કે તેનાથી તમારી ઇચ્છાશક્તિ ( વિલ પાવર) સહનશક્તિ અને પરીસ્તીથીનાં સ્વીકારની શક્તિ જરૂર વધે છે. આમ ઓછા શબ્દોમાં એઓએ ઘણી પ્રેરણા આપી છે. અસ્તું. !
સુરત     -રાજેન્દ્ર કર્ણિક.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top