Columns

જીદ કરો જીવન બદલો….!

આ દુનિયામાં જન્મ લેનાર વ્યક્તિના જીવનનું લક્ષ્ય કોઈ ને કોઈ સ્વપ્ન સાકાર કરવાનું હોય છે. આ સ્વપ્ન સાકાર કરવામાં અનેક અડચણો અને મુશ્કેલીઓ આવે છે પરંતુ સફળતાનો નિયમ કહે છે કે તમારું ધ્યાન તમારા લક્ષ્યથી ભટકવું ના જોઈએ. આપણામાંથી મોટાભાગના લોકોની એક નબળાઈ હોય છે કે આપણે પરિસ્થિતિનો શિકાર થઈ જતા હોઈએ છીએ. હકીકતમાં તમારે પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાંધીને તમારા લક્ષ્યને સર્વ પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ.

ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યને શિક્ષણ આપવાની મનાઈ કરી હતી, આમ છતાં એકલવ્ય તૂટ્યો ન હતો અને ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિને ગુરુ માનીને અર્જુનથી પણ સારો ધનુર્ધર બન્યો હતો. વિષ્ણુગુપ્ત કૌટિલ્ય ‘ચાણક્ય’એ પણ અનેક વખત અપમાનો સહન કર્યાં હતાં અને મગધમાં લોકો માટે શ્રેષ્ઠ શાસનની પ્રતિજ્ઞા સાકાર કરી હતી. આ બાબતો તો જૂના જમાનાની થઈ, કદાચ આજના નવયુવાનો તેમાં વિશ્વાસ ના પણ કરે અને તેનું પ્રમાણ માગે પરંતુ આજના જમાનાના પણ ઉદાહરણ છે.
નૃત્યાંગના સુધા ચન્દ્રન, એક પગ ન હોવાનો અભિશાપ ધરાવતાં, અપંગ નૃત્યાંગના- જેણે શાસ્ત્રીય નૃત્યોમાં ભલભલી મહારથી નૃત્યાંગનાઓને હરાવ્યાં છે.

આ પ્રબળ ઈચ્છાશક્તિ અને દૃઢ મનોબળનું પરિણામ છે કે જેમાં એક નકલી પગ દ્વારા જ ફિલ્મ અભિનયમાં પણ પારંગતતા કેળવી છે. આ પરથી આપણને સૌને શ્રેષ્ઠ સંદેશ મળે છે કે જો મનુષ્ય એક વાર દૃઢ સંકલ્પથી કોઈ ચીજ મેળવવા માટે પ્રયત્નોમાં લાગી જાય તો ગમે તેવી અશક્ય ચીજને શક્ય બનાવી શકે છે. દૃઢ સંકલ્પ અને આત્મવિશ્વાસથી પંગુ ગિરિ પર્વતને આંબી શકે, માણસ મહાસાગરને તરી શકે. પરિસ્થિતિને પોતાની તરફેણમાં બદલી શકે, પોતાના મક્કમ મનોબળ વડે દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છે. અરૂણિમા સિંહાને લૂંટારાઓએ ચાલુ ટ્રેને ધક્કો મારી દરવાજાની બહાર ફેંકી દીધી, બાજુના પાટા પર જઈને પડી, ડાબો પગ કપાઈ ગયો, કેટલાંય ફ્રેક્ચર થયાં.

આ હાલતમાં આખી રાત અંધારામાં મદદ માટે ચીસ પાડતી રહી, તેનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં, આખી રાત દરમિયાન એની બાજુમાંથી 49 ટ્રેનો પસાર થઈ. સવારે ખેતરમાં કામ કરતાં લોકોએ જોઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરી. તેનાં પર ઘણાં ઓપરેશન કરવામાં આવ્યા. ચાર મહિના હોસ્પિટલમાં રહી, દુખિયારી બનીને નહીં, કોઈ ફરિયાદ નહીં. એ તો હોસ્પિટલના ખાટલામાં સૂતાં સૂતાં એવરેસ્ટ શિખર ચડવાના વિચાર કરવા લાગી. તેના બધાં સગાંવહાલાં અને મિત્રોએ તેની આ વાતને હસી કાઢી. ફક્ત તેના ભાઈએ જ તેને સાથ આપ્યો.

આમ અડગ આત્મવિશ્વાસથી જીદ કરી જીવન બદલ્યું. અપંગ હોવા છતાં માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચી, પોતાનું સપનું પૂરું કર્યું. જીવનમાં અનેક સંભાવનાઓ હોય છે, તમે જે બનવા ધારો તે તમે બની શકો છે, દરેક વ્યક્તિ સમાન રીતે હોંશિયાર નથી હોતી પરંતુ કેટલાંક લોકો પોતાને જીવનમાં શું કરવું તે અંગે ચોક્કસ અને મક્કમ હોય છે. આ મક્કમતા એ જ આત્મવિશ્વાસ. તેના દ્વારા તમને જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી શકાય. એક વાર તમે તમારા મનમાં તમારું ધ્યેય નક્કી કરો અને એ દિશામાં કામ કરવાનું ચાલુ કરી દો.

આત્મવિશ્વાસ એ ખૂબ ઉપયોગી લાગણી છે.
મારા મિત્ર અજયને પોતાનામાં ભારોભાર આત્મવિશ્વાસ. એના જીવનમાં એવા એવા દુ:ખના દહાડા આવ્યા કે બીજા કોઈ હોય તો ભાંગી પડે પણ આ તો મરદનો બચ્ચો, એ એમ માને કે દુ:ખ પડી પડીને કેટલું પડવાનું? જિદ્દી પણ એટલો જ, એક વાતની મનમાં ગાંઠ વાળી તે વાળી. ધાર્યું કરીને જ જંપે. બધા મિત્રો સલાહ આપે કે નેવના પાણી મોભે ન ચડે, ફોકટ મહેનત કરવી રહેવા દે પણ એ તો ધગશ રાખી કામ કર્યે જ જવાનો. આત્મવિશ્વાસ અને જિદ એ બંનેના સમન્વયથી એની મહેનત રંગ લાવી અને તેનું લક્ષ્ય સિધ્ધ કરીને જ જંપ્યો. પહેલું લક્ષ્ય હતું MBA થવાનું અને ત્યાર પછી એક મોટી કંપનીના માલિક બનવાનું, એ સ્વપ્નું એણે સતત વિધેયક દ્રષ્ટિકોણ રાખી નિષ્ફળતાના વિચારો ખંખેરી નાખી હાંસિલ કર્યું. ‘ગોડ હેલ્પ્સ ધોસ હુ હેલ્પ ધેમ સેલવ્સ’, ધમપછાડા કરવાથી કંઈ વળતું નથી. ભગવાન પણ જે પોતાને મદદ કરે છે તેને મદદરૂપ થાય જ છે.

લક્ષ્યપ્રાપ્તિ માટે જોઈએ ભારોભાર પુરુષાર્થ અને આત્મવિશ્વાસ.
આત્મવિશ્વાસરૂપી જિદ એવું એક જનરેટર છે. આપણા અંતરમનની શક્તિઓને જગાડીને બહાર લાવે છે. જીવન બદલે છે, પરિણામ ન મળે ત્યાં સુધી કામ કરતાં રહીએ છીએ. સકારાત્મક વિચારસરણી આત્મવિશ્વાસ વધારે છે, મનનો ભય દૂર કરે છે. કોઈ પણ ક્ષેત્રમાં કંઈક નવું કરવાની ઈચ્છાઓ રાખનાર વ્યક્તિએ, પોતાની સફળતા માટે બે અંતરાયો પાર કરવા પડે છે એક તો નકારાત્મક્તા અને બીજું ટીકાટિપ્પણીઓ. જ્યારે હકીકતમાં જરૂરી હોય છે તમારા વિચારો અને સિધ્ધાંતો ઉપર દૃઢ વિશ્વાસ રાખવાની.

આ દુનિયામાં દરેક વ્યક્તિ સફળ બનવા ઈચ્છે છે. ઘણાં લોકો સફળ પણ થાય છે પરંતુ આમાંથી એક પણ વ્યક્તિ એવી નથી કે જેણે પોતાની સફળતા માટે, તેમની મહત્ત્વાકાંક્ષાને જવાબદાર ગણી હોય, તો પછી આ લોકોને સફળ કોણે બનાવ્યા? 1996ની સાલમાં નેલ્સન મંડેલાને આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે ‘‘માત્ર એક જીદ અને કશુંક કરી શકવા માટેનો જોશ’’તમને સફળ બનાવી શકે છે.

તો વાચકમિત્રો..‘જીદ કરો જીવન બદલો’ આત્મવિશ્વાસ કેળવો- ઊઠો જાગો અને ધ્યેયપ્રાપ્તિ માટે મંડ્યા રહો. આપણે જ આપણા ભાગ્યવિધાતા. ‘હું કરી શકીશ’ આ ત્રણ શબ્દોમાં ગજબનો આત્મવિશ્વાસ ભર્યો છે. આત્મવિશ્વાસ સિવાય બીજા કોઈનો વિશ્વાસ કામ લાગતો નથી. તમે તમારી જાતમાં, તમારી તૈયારીમાં, તમારી આવડતમાં, તમારા પ્રદર્શનમાં જબરદસ્ત વિશ્વાસ રાખો, અડધો જંગ કે અડધી સફળતા તો માત્ર વિશ્વાસથી જ- કાર્ય પ્રત્યેની ધગશથી -જિદથી જ જીતી શકાય છે. સારી બાબતો પ્રત્યે જિદ પેદા થાય તો તે પણ સારી છે.

સફળતા કેટલાક અંશે સાહસ સાથે પણ જોડાયેલી છે અને સાહસ પણ ક્યાંક ને ક્યાંક તો જીદ સાથે જ જોડાયેલું છે. આમ જીદ અને જોશનું સંયોજન તમારા લક્ષ્યને-જીવનને આસાન બનાવી શકે છે.
સુવર્ણરજ:
આપણે ઉત્કર્ષ કરવો હોય તો આપણે ખુદ આપણામાં રસ લેવો પડે. બીજા તો લાકડાની સીડીની જેમ કામ કરી શકે. બાકી ચઢવાનું કામ આપણું પોતાનું છે.

Most Popular

To Top