સુરત: (Surat) દેશભરમાં વધી રહેલા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (Input tax credit) કેસોમાં હવે જીએસટી (GST) વિભાગે વ્યાપક તપાસ શરૂ કરી છે, કેટલાક કૌંભાડકારીઓ જીએસટી ડિપાર્ટમેન્ટને ગુમરાહ કરવા માટે ખરીદીના બિલો અન્ય રાજ્યોના બતાવે છે જોકે હવે ડિપાર્ટમેન્ટ દ્વારા આવા કેસોમાં જે શહેરમાંથી ખરીદી બતાવવામા આવી હોય ત્યાં પણ ફિઝિકલ વેરિફિકેશન કરી તપાસ કરવામાં આવી રહી છે. સુરત જીએસટી વિભાગે અન્ય રાજ્યોમાંથી મળેલા ઇનપુટના આધારે 1000થી વધુ વેપારીઓને નોટિસો મોકલી છે. જોકે આમાંથી 50 ટકાનો પણ જવાબ આપ્યો નથી. આ તમામ એડ્રેસ ખોટા નીકળતા કરોડો રૂપિયાના ટેક્સ રિકવરી સામે સવાલ ઉભો થયો છે.
સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ દેશના દરેક રાજ્યોમાં કૌંભાડીઓ બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌંભાડ કરી રહ્યાં છે. જેમાં તેઓ ખોટી રીતે ખરીદી અને વેચાણના બિલોની આપ-લે કરતા હોય છે. સુરતમાં ટેક્સટાઇલ, ડાયમંડ અને કેમિકલ ઉદ્યોગ હોવાથી કૌંભાડીઓ અહીંના એડ્રેસનો ઉપયોગ કરી ખોટા બિલો બનાવે છે. થોડા દિવસો પહેલા કેટલાક કેસોમાં દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, યુપી, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં બોગસ બિલિંગના કૌભાંડના કેસોમાં સુરતનું કનેક્શન બહાર આવ્યું હતું અન્ય રાજ્યોના કૌભાંડીઓ દ્વારા કાપડ, ભંગાર સહિત વિવિધ ચીજવસ્તુની ખરીદીના બોગસ બિલો સુરતની કંપનીઓ પાસેથી લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
જેથી અન્ય રાજ્યોના જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા સુરતની કંપનીઓના ઈન્વોલમેન્ટ અંગે તપાસ માટે સુરતની સેન્ટ્રલ જીએસટી કચેરીને આવી કંપનીઓની યાદી મોકલી આપી છે. જેના આધારે એક મહિનામાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સુરતની અંદાજે 1 હજાર જેટલી કંપનીઓને નોટીસ મોકલવામાં આવી છે. જોકે, મોટાભાગની કંપનીઓ તરફથી પરત કોઈ જ જવાબ આવી રહ્યાં નથી, ત્યારે અધિકારીઓ દ્વારા ફિઝિકલ વેરીફિકેશનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. સ્થળ તપાસ દરમિયાન અનેક કંપનીઓ બોગસ નીકળી છે, ત્યારે દેશભરમાં ફેલાયેલા બોગસ બિલિંગના કૌભાંડમાં નજીકના દિવસોમાં વિભાગ દ્વારા રાષ્ટ્રવ્યાપી તપાસ થાય તેવી શક્યતા છે. જોકે વિભાગ જે લોકોને નોટિસ મોકલી રહ્યુ છે તે પૈકીના મોટાભાગની પેઢીઓ બોગસ છે.