ભરૂચ: નેત્રંગમાં ઝાડા ઊલટીના રોગોમાં અચાનક વધારો થતા સરકારી દવાખાનામાં લોકો સારવાર લઈ રહ્યા છે. હાલ દર્દીઓનો આંકડો 26 ઉપર પહોંચ્યો હતો. અગાઉ એક મહિલા સહીત બેનાં મોત થયા હતા. હાલમાં દોઢ વર્ષીય બાળકીએ પણ માત્ર ૧૨ કલાકમાં દમ તોડતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છતાં વહીવટીતંત્ર હજુપણ આનું કારણ અને મારણ શોધવામાં નિષ્ફળ ગયું છે. ગ્રામ પંચાયત હસ્તક કુવા, બોર અને પાઈપલાઈનોની તપાસ કરી રોગચાળો કેવી રીતે વકર્યો તે જાણવાની પણ તસ્દી ન લેતા એક પછી એક લોકો મોતના ખપ્પરમાં હોમાવા લાગ્યા છે.
મૂળ આંજોલી ગામના અને હાલ નેત્રંગના કોસ્યાકોલામાં રહીને મજુરી કરતા નીતિનભાઈ વસાવાની 1.5 વર્ષીય દીકરી આર્વીને 27મી સપ્ટેમ્બરે રાત્રે અચાનક ઝાડા ઊલટી શરૂ થઈ જતા પરિવારજનો નેત્રંગના બે ખાનગી ક્લિનીકોમાં લઇને દોડ્યા હતા. જો કે બંને જગ્યાએ ડોક્ટરો સુઈ રહ્યા હતા, જેથી ઈમરજન્સી સારવાર માટે આવ્યા ન હતા. બીજા દિવસે બાળકીની તબિયત વધુ બગડતા પરિજનો ફરી ડોકટરને ત્યાં લઇ જતા તેઓએ આર્વીને સરકારી દવાખાનામાં લઇ જાઓ એમ જણાવી દેતા સરકારી દવાખાને લઇને દોડવું પડ્યું હતું. જો કે સારવાર મળે એ પહેલા દીકરીએ દમ તોડી દીધો હતો. જેથી ભોગ બનનાર પરિજનોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, નેત્રંગમાં તબીબોમાં માનવીય અભિગમ બાકી નથી રહ્યો. તબીબી સિધ્ધાંતને અવગણીને ખાનગી ડોકટરો સુઈ રહ્યા અને મારી દીકરીએ સારવાર વિના જીવ ગુમાવ્યો હતો. મૃતક દીકરીના પિતા નીતિન વસાવાએ તંત્ર સામે પણ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગંદુ પાણી પીવાથી મારી દીકરીએ મોતને ભેટવું પડ્યું હતું.
બાળકીના મોતનું કારણ જાણવા ઘરે ટીમ મોકલી તો કોઈ મળ્યું નહીં!: હેલ્થ ઓફિસર
નેત્રંગ તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.એન. સિંઘએ જણાવ્યું હતું કે બાળકીના મોતનું કારણ તપાસવા અહીંથી ટીમ તેના ઘરે મોકલી હતી, પરતું તેના ઘરે કોઈ મળ્યું ન હતું. હવે બરોડા SSG હોસ્પિટલથી કારણ જાણવા ખાસ ટીમ આવશે. ઉલ્લેખનીય છે કે, તપાસ કરાય તો ઘણા અંતરિયાળ વિસ્તારોમાં ડીગ્રી વિનાના ડોકટરો પણ ખુલ્લા પડી શકે છે.