એક વિખ્યાત ચિત્રકારે ત્રણ મહિના સુધી બહુ મહેનત કરીને એક સુંદર ચિત્ર તૈયાર કર્યું. આ ચિત્ર, સમગ્ર ચિત્રકલા અને કારકિર્દીના શિરમોર જેવું હતું, એટલું અદભુત હતું કે મોટા મોટા ચિત્રકારો અને વિવેચકો એ ચિત્ર જોવા માટે આવતા અને જોઈને આફરીન પોકારી જતા. આ ચિત્ર વિષય વસ્તુ, રેખાંકન, રંગોની મિલાવટ, નજાકત, છાયા અને પ્રકાશનું સંયોજન બધી જ રીતે ચિત્રકલાનો અદભુત નમૂનો હતું.
એક શ્રીમંતે આ ચિત્રના લાખ રૂપિયા આપવાની તૈયારી બતાવી. ચિત્રકારે ના પાડી ચિત્રકારના પત્નીએ કહ્યું, ‘તમે લોભ ન કરો લાખ રૂપિયા કઈ ઓછા નથી આમ પણ આપણને પૈસાની ભીડ તો છે જ. જો તમે આ ચિત્ર વેચી દીધું હોત તો આપણને પૈસાની છૂટ થઈ જાત. કેટલી બધી તકલીફો દૂર થઈ જાત.’ચિત્રકારે કહ્યું, ‘ચિત્રની કિંમત બાબતમાં તને ખબર ન પડે. ચિત્રની ખરી કિંમત જાણનારો અને ચૂકવનારો આવશે જ તેની મને શ્રદ્ધા છે.’પત્ની આગળ કંઈ ન બોલી.
આ પછી પણ કેટલાય માણસો આ ચિત્ર ખરીદવા આવ્યા. એક લાખથી વધીને ૧૦ લાખ આપવા સુધીની વાત પહોંચી છતાં પણ ચિત્રકાર ના જ પાડતો રહ્યો. એક દિવસ બદનસીબેએ ચિત્ર ચોરાઈ ગયું તેની કોઈ ભાળ ન મળી. હવે પત્નીનો કકળાટ શરૂ થયો, ‘હવે શું કરીશું મારી વાત માની હોત તો, પૈસાની કેટલી તકલીફ છે. ચિત્ર વેચી નાખ્યું હોત તો લાખોમાં રમતા હોત. જીવનભર શાંતિથી જીવી શકીએ તેટલી મૂડી મળી જાત. આપણી તો કિંમતી મૂડી ચોરાઈ ગઈ અને કઈ ન મળ્યું.’ ચિત્રકારે કહ્યું, ‘શાંત થા, મૂડી ચોરાઈ ગઈ તેમ ન કહે… હા એક કિંમતી ચિત્ર ચોક્કસ ચોરાઈ ગયું પરંતુ એ આપણી મૂડી નહોતી એ માત્ર એક ચિત્ર હતું. મારી કલાની મૂડી તો મારી પાસે જ છે.’આટલું બોલી ચિત્રકારે પોતાના હાથ, રંગ, પીંછી, હૃદય તરફ આંગળી કરી.
ચિત્રકારની વાત સો ટકા સાચી હતી, જે ચિત્ર ચોરાઈ ગયું એ ગમે તેટલું કિંમતી હોવા છતાં ચિત્રકારની આંતરિક સમૃદ્ધિ કલાનો માત્ર એક અંશ હતું. ચિત્ર ભલે ચોરાઈ ગયું પણ એના સર્જનમાં જે કારણભૂત હતી તે આંતરિક સમૃદ્ધિ અને કલાની સમજ, કલ્પના કરતું મગજ અને ચિત્ર આલેખથી આંગળીઓ હજી સાબુત હતી અને તે આંતરિક કલા સમૃદ્ધિને કોઈ ચોરી શકે તેમ ન હતું. ચિત્રકારે હતાશ થયા વિના ફરી પીંછી ઉપાડી અને પેલા ચોરાઈ ગયેલા ચિત્રને પણ ભૂલાવી દે તેવું ફરી અનન્ય સર્જન કરવા માટે તેને પોતાની તમામ શક્તિ સાથે શરૂઆત કરી. એક એક થી ચડિયાતા ચિત્રનું તે સર્જન કરતો જ રહ્યો કારણ કે તેની આંતરિક સમૃદ્ધિ સલામત હતી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.