Madhya Gujarat

ચરોતરમાં ધો.12ના તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય !

આણંદ : કેન્દ્ર સરકારના નેશનલ મેડિકલ કમિશન દ્વારા મેડિકલમાં પ્રવેશ માટેના નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરી પ્રવેશ કાર્યવાહી કેન્દ્ર સરકારની સમિતિ દ્વારા જ કરવામાં આવશે. તેમ જાહેર કરી ગુજરાત સહિતના તમામ રાજ્યના સ્થાનિક વિદ્યાર્થીઓને મોટો આંચકો આપ્યો છે.  બી – ગ્રૂપ સાથે ડોક્ટર બનવા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા બોર્ડની પરીક્ષા ઉપરાંત ‘નીટ’ની પરીક્ષા પણ સારા માર્કસ સાથે પાસ કરવી ફરજિયાત કરી છે. જેથી આ વર્ષે ગુજરાત બોર્ડ અને સીબીએસસી બોર્ડના કુલ 75 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ‘નીટ’ની પરીક્ષા આપી છે, જે આ વર્ષના બી ગ્રૂપના ગુજરાત બોર્ડના પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં બમણા જેટલા છે. નીટમાં ફરજીયાત સારા માર્ક્સના નિયમથી બોર્ડમાં ઉજ્જવળ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને અન્યાય થાય તેવો ભય ઉભો થયો છે.

આણંદના શિક્ષણવિદ્દ બિપીનચંદ્ર પી. પટેલ (વકિલ)એ જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા મેડિકલમાં પ્રવેશ માટે અગાઉ ધો. 12માં ઓછામાં ઓછા 50 ટકા માર્કસ હોવા ફરજિયાત હતા. ધો. 12 સાયન્સની બોર્ડની પરીક્ષા અને શાળાનું પણ મહત્વ હતું. મેડિકલ પ્રવેશમાં નીટના 50 ટકા અને બોર્ડના માર્કસના 50 ટકા વેટેજ હતું. પરંતુ હવે નિયમોમાં ફેરફાર થતાં મેડિકલમાં પ્રવેશ માટે હવે ધો. 12ની બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા 50 ટકા માર્કસ ફરજિયાત હોવા જરૂરી હોવાનો નિયમ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે.

માત્ર નીટના રેન્ક ઉપર જ મેડિકલ પ્રવેશ આપવા નક્કી કરાયું છે. જે ‘નીટ’ની પરીક્ષા કેન્દ્રિય એજન્સી દ્વારા લેવાય છે, અને તેના પ્રશ્નો અંગ્રેજીમાં અને સીબીએસસી – એનસીએઆરટી આધારિત હોય છે, જ્યારે ગુજરાતમાં ધો. 12નો અભ્યાસક્ર્મ ગુજરાતીમાં અને એનસીઇઆરટીથી અલગ હોય છે, તેથી અત્યારે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ ધો. 12 પાસ કર્યા બાદ બીજું એક વર્ષ ‘નીટ’ની પરીક્ષા માટે તૈયારી કર્યા બાદ આપતા હોવાનું જોવા મળે છે. તે રીતે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને તો આ નવા નિયમથી નીટ માટે જ સૌથી વધુ સમય આપવો પડે તે સંજોગો ઉપરાંત, મેડિકલની પ્રવેશ પ્રક્રિયા પણ કેન્દ્રિય સમિતિ હસ્તક થનાર હોવાથી ગુજરાતનાં વિદ્યાર્થીઓને હવે અન્ય રાજ્યમાં એડમિશન મળવાના સંજોગોમાં નવો આર્થિક બોજ આવશે.

બિપીન પટેલ (વકિલ)એ વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલ પ્રવેશ પણ હવે રાજ્યની કમિટીને બદલે કેન્દ્ર સરકારની સમિતિ દ્વારા કરવામાં આવશે. નીટ જેવી કોઈ પરીક્ષા આપ્યા વિના ડોક્ટરની ડિગ્રી માટેની સરળતા સામે અહીં,  નીટની આકરી પ્રવેશ પરીક્ષા સાથે મર્યાદિત સીટો માટે ખેંચતાણ અને એક કરોડ કરતાં વધારેનો માતબર ખર્ચ કર્યા બાદ એમબીબીએસ થવાની વાત સમગ્ર શિક્ષણ વ્યવસ્થા માટે ઉનાળાના આકરા તાપ કરતાં પણ વધારે ગરમ વિષય બની ગયો છે.

હવે મેડિકલ એડમિશન માટે માત્ર નીટ સ્કોર – રેન્ક જ મેરીટ માટે માંય કરવા ઉપરાંત ગુજરાતની મેડિકલની 6158 સીટો માટે પણ કેન્દ્રિય સમિતિ નિર્ણય કરશે તેવા નવા નિર્ણય સાથે ગુજરાતનાં વિદ્યાર્થીઓએ માટે તો મેડિકલ અભ્યાસનો મૃત્યુઘંટ જ વગાડી દીધો છે. નીટના મેરિટમાં 720 માંથી માર્ક લાવવાના હોય છે, જેમાં જનરલ કેટેગરીમાં 599 થી 612 માર્ક લાવનાર પાત્રતા મેળવતા હોય ત્યારે આ વર્ષે, કુલ 21 લાખ વિદ્યાર્થીઓએ નીટ આપી અને તેમાથી 50 ટકા સાથે 10 લાખ જેટલા વિદ્યાર્થીઓને ઓલ ઈન્ડિયા રેન્ક આપવામાં આવ્યા છે, જેમાં માત્ર 10 ટકા વિદ્યાર્થીઓ મોટી ફી સાથે મેડિકલમાં એડમિશન મેળવી શકશે.

Most Popular

To Top