વિમાની સેવા અંગેના એક પ્રસંગે વડા પ્રધાને સુંદર ખ્યાલ દર્શાવ્યો હતો કે બે પટ્ટીવાળી સાદી ચંપલ પહેરનાર નાગરિક પણ હવાઈસફર કરવા સક્ષમ બનવો જોઈએ. હવે જ્યારે વિમાનીસેવા મોંઘી અને અસુરક્ષિત થતી જાય છે, ત્યારે લોકો પરિવહન માટે અન્ય સેવા પસંદ કરે છે. સુરત અને વડોદરા દરેક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યાં છે. ઝડપી પ્રગતિ અને વિકાસ માટે હવાઈ સફર જરૂરી છે, છતાં તેના પેસેન્જરોને ઉડાન મોંઘી સહન કરવી પડે છે. એરપોર્ટ ઓથોરીટી સુરત, વડોદરા એરપોર્ટનો ઉપયોગ કરનાર પેસેન્જરો પાસે ટિકિટ દરમાં વધુ પડતી યુઝર ડેવલપમેન્ટ ફી વસૂલે છે.
દિલ્હીની તુલનાએ છ ગણી ફી ઝીંકાય છે. વધુ દુ:ખ તો એ વાતનું છે કે અહીંના એરપોર્ટ પર મર્યાદિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા છે છતાં વધુ યુ.ડી.એફ. ચાર્જ લેવાય છે. કોઈ પારદર્શિતા જણાતી નથી, છતાં ભારેખમ ભાર લાદ્યો છે. સુરતના એરપોર્ટ પર ડયુટી ફ્રી શોપ, પેસેન્જર લાઉન્ચ કે સારી રેસ્ટોરાં નથી, પ્રેયર હોલ ફેસિલિટી પણ નથી, અત્યાધુનિક રડાર સ્ટેશન નથી, પૂરતી પાર્કિંગ સુવિધાનો અભાવ છે, ઈન્ટરનેશનલ કાર્ગો સુવિધાયે નથી, બેન્ક એ.ટી.એમ.સુવિધા વધારવાની જરૂરત છે. ટેક્ષીચાલકો મનફાવે તેવું ભાડું લે છે. હવે આવી પરિસ્થિતિમાં વડાપ્રધાનનો જનસાધારણ માટેનો સુંદર ખ્યાલ તો કલ્પનાવિહાર જ ગણાય.
ઝાંપાબજાર, સુરત – યૂસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.