મીરપુર : ભારતીય સુકાની રોહિત શર્મા અંગૂઠાની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજા થવામાં નિષ્ફળ જતાં બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર (Out) થઈ ગયો હોવાની આજે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. રોહિત ઉપરાંત ઝડપી બોલર (Fast bowler) નવદીપ સૈની પણ પેટના સ્નાયુ ખેંચાવાના કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે. રોહિતને વનડે સીરિઝની બીજી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ડાબા અંગૂઠામાં ઈજા (Injured) થયા પછી તે સારવાર માટે મુંબઈ (Mumbai) પહોંચ્યો હતો અને હાલ તે બીસીસીઆઈ (BCCI) મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.
- મેડિકલ ટીમનું માનવું છે કે ભારતીય કેપ્ટનને તેની સંપૂર્ણ ફિટનેસ સાથે બેટિંગ કરવા અને ફિલ્ડિંગ કરવા માટે થોડો વધુ સમય જોઈએ છે
- ભારતીય ટીમની ઘરઆંગણે વ્યસ્ત સિઝનને જોતા ટીમ મેનેજમેન્ટ રોહિતને રમવાનું જોખમ લેવા માગતું નથી
બીસીસીઆઇ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર મેડિકલ ટીમનું માનવું છે કે ભારતીય કેપ્ટનને તેની સંપૂર્ણ ફિટનેસ સાથે બેટિંગ કરવા અને ફિલ્ડિંગ કરવા માટે થોડો વધુ સમય જોઈએ છે. તે પોતાનું રિહેબિલીટેશન ચાલુ રાખશે અને બાંગ્લાદેશ સામેની બીજી અને અંતિમ ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ન્વેદનમાં વધુમાં કહેવાયું હતું કે નવદીપ સૈની પણ પેટના સ્નાયુ ખેંચાવાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. તે પોતાની ઈજાના મેનેજમેન્ટ માટે નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં જશે.
ભારતીય ટીમની ઘરઆંગણે વ્યસ્ત સિઝનને જોતા ટીમ મેનેજમેન્ટ રોહિતને રમવાનું જોખમ લેવા માગતું નથી. ભારતે આવતા મહિને શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે મર્યાદિત ઓવરોની શ્રેણી રમવાની છે. તે પછી ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટની સીરિઝ માટે ભારત પ્રવાસે આવશે. સૈનીની ઈજાએ તેની ફિટનેસ પર ઘણા સવાલો ઉભા કર્યા છે. તેણે ટેસ્ટ પહેલા બાંગ્લાદેશમાં બે મેચમાં ભારત-એ નું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેને યોગ્ય માનવામાં આવ્યો હતો. જો કે તે પ્રથમ ટેસ્ટ રમ્યો ન હતો. સૈનીએ તેની છેલ્લી ટેસ્ટ મેચ ગયા વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં રમી હતી.