Sports

વર્લ્ડ ચેમ્પિયનશિપ: ઇન્જર્ડ મીરાબાઈએ દેશનું ગૌરવ વધાર્યું, ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી…

નવી દિલ્હી: ભારતીય વેઇટલિફ્ટર (Indian Weightlifter) મીરાબાઈ ચાનુએ (Mirabai Chanu) ફરી એકવાર ભારતનું ગૌરવ વધાર્યું છે. ટોક્યો ઓલિમ્પિકમાં (Olympic) મેડલ જીતનારી ભારતની મીરાબાઈ ચાનુએ બીજી વખત વેઇટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં (Weightlifting World Championships) મેડલ જીત્યો છે. આ વખતે તેણે સિલ્વર મેડલ (Silver Medal) કબજે કર્યો હતો.

ભારતની સ્ટાર વેઈટલિફ્ટર અને ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાબાઈ ચાનુ ઈન્જર્ડ હોવા છતાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. 28 વર્ષની ચાનુએ 49 કિલોગ્રામ વર્ગમાં કુલ 200 કિલો વજન ઉપાડ્યું અને આ દરમિયાન તેણે ટોક્યો ઓલિમ્પિકની ચેમ્પિયન ચીનની હોઉ ઝિહુઆને પણ હરાવી હતી.

ટોક્યો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા ચાનુએ મંગળવારે રાત્રે તેની વેઇટ કેટેગરીમાં સ્નેચમાં 87 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 113 કિગ્રા વજન ઉપાડ્યું હતું. અને ચીનની જિઆંગ હુઈહુઆએ કુલ 206 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે સ્નેચમાં 93 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 113 કિલો વજન ઉપાડ્યું હતું. જ્યારે ઝિહુઆએ કુલ 198 કિગ્રા (89 અને 109 કિગ્રા) વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્ષ 2017માં ગોલ્ડ મેડલ જીતનાર મણિપુરના વેઈટલિફ્ટર માટે આ સ્પર્ધામાં બીજો મેડલ છે.

મેડલ જીત્યા બાદ ચાનુએ કહ્યું, “વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બીજો મેડલ જીત્યા બાદ પાંચ વર્ષ બાદ ઘરે પરત ફરવું મારા માટે ભાવનાત્મક રીતે ગર્વની ક્ષણ છે. વિશ્વ ચેમ્પિયનશીપમાં સ્પર્ધા હંમેશા કડક હોય છે કારણ કે શ્રેષ્ઠ ઓલિમ્પિયન ટોચના સ્તરે સ્પર્ધા કરવામાં આવે છે. તેમણે કહ્યું મારા કાંડામાં દુખાવો હતો પરંતુ હું દેશ માટે મારો જીવ આપવા માટે હંમેશા તૈયાર છું. આશા છે કે હું એશિયન ગેમ્સ અને પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ સાથે ભારતને આવી વધુ ક્ષણો આપી શકું.

કાંડામાં ઈજાથી થઈ હતી છતાં..
ચાનુને સપ્ટેમ્બરમાં ટ્રેનિંગ સેશન દરમિયાન તેના કાંડામાં ઈજા થઈ હતી. ઈજા હોવા છતાં તેણે ઓક્ટોબરમાં નેશનલ ગેમ્સમાં ભાગ લીધો હતો. ભારતના મુખ્ય કોચ વિજય શર્માએ કહ્યું કે “અમે આ ઈજા માટે કઈ વધુ કરી શકતા ન હતા કારણ કે અમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર થવા માંગતા ન હતા. હવે અમે મીરાબાઈ ચાનુના કાંડા પર ધ્યાન આપીશું કારણ કે આગામી સ્પર્ધા પહેલા અમારી પાસે ઘણો સમય છે. અમે આ સ્પર્ધા માટે કોઈ દબાણ લઈ રહ્યા ન હતા. કારણ કે મીરા હંમેશા આટલું વજન ઉઠાવે છે. હવે અમે વજન વધારવાનું અને તેને સુધારવાનું શરૂ કરીશું.

ચાનુએ બતાવી તાકાત
ચાનુની કેટેગરીમાં 11 લિફ્ટરોની હાજરી સાથે સખત સ્પર્ધા હતી પરંતુ મોટાભાગના લિફ્ટરોએ વધુ ભાર ઉચકવાનું નક્કી કર્યું ન હતું. ચાનુએ તેના કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક પછી તેણીની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેતી હતી, તેણે સ્નેચમાં 84 કિગ્રાની લિફ્ટ સાથે ઓપનિંગ કર્યું હતું. તેણે તેના બીજા પ્રયાસમાં 87 કિલો વજન ઉપાડ્યું પરંતુ તેને માન્ય ગણવામાં આવ્યું ન હતું. તેણે ત્રીજા પ્રયાસમાં સફળતાપૂર્વક 87 કિલો વજન ઉપાડ્યું હતું. સ્નેચ પછી પાંચમા ક્રમે આવેલી ચાનુએ ક્લીન એન્ડ જર્કમાં તેના પ્રથમ પ્રયાસમાં 111 કિલો વજન ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, જે તમામ સ્પર્ધકોમાં સૌથી વધુ હતો.

ચાનુના પ્રથમ પ્રયાસને ‘નો લિફ્ટ’ કહેવામાં આવ્યું હતું જેને ભારતે ચેલેન્જ આપ્યું હતું પરંતુ ન્યાયાધીશોએ નિર્ણયને માન્ય રાખ્યો હતો. ક્લીન એન્ડ જર્કમાં વર્લ્ડ રેકોર્ડ ધારક ચાનુએ તેના પછીના બે પ્રયાસોમાં 111 અને 113 કિલો વજન ઉપાડ્યું હતું. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મણિપુરની ચાનુનો ​​આ બીજો મેડલ છે. તેણે 2017માં ગોલ્ડ મેડલ જીત્યો હતો

ટુર્નામેન્ટમાં ભારતના ચાર વેઈટલિફ્ટર ભાગ લઈ રહ્યા છે
ભારતના ચાર વધુ લિફ્ટર એસ બિંદિયા રાની દેવી (59 કિગ્રા), સી ઋષિકાંત સિંઘ (61 કિગ્રા), અચિંતા શિયુલી (73 કિગ્રા) અને ગુરદીપ સિંઘ (+109 કિગ્રા) પણ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યા છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ 2022 એ 2024 પેરિસ ઓલિમ્પિક્સ માટેની પ્રથમ ક્વોલિફાઇંગ ઇવેન્ટ છે. 

નોંધપાત્ર રીતે પેરિસમાં વેઈટલિફ્ટિંગની માત્ર 10 ઈવેન્ટ્સ હશે, જ્યારે ટોક્યો ગેમ્સમાં 14 ઈવેન્ટ્સ યોજાઈ હતી. ઓલિમ્પિક 2024 ક્વોલિફિકેશન નિયમો અનુસાર, વેઇટલિફ્ટર્સ માટે 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 2024 વર્લ્ડ કપમાં ભાગ લેવો ફરજિયાત છે. આ સિવાય લિફ્ટરે 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપ, 2023 કોન્ટિનેંટલ ચેમ્પિયનશિપ, 2023 ગ્રાન્ડ પ્રિકસ વન, 2023 ગ્રાન્ડ પ્રિક્સ ટુ અને 2024 કોન્ટિનેંટલ ચેમ્પિયનશિપમાંથી ત્રણ ઇવેન્ટમાં ભાગ લેવો પડશે. અંતિમ મૂલ્યાંકન ક્વોલિફાઇંગ ઇવેન્ટમાં લિફ્ટરના શ્રેષ્ઠ ત્રણ પ્રદર્શન પર આધારિત હશે.

Most Popular

To Top