નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 5 જાન્યુઆરીએ પુરી થઈ છે. 5 મેચની આ ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ સિડનીમાં રમાઈ હતી, જેના બીજા દિવસે જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે મેદાનની બહાર ગયો હતો અને ત્યારબાદ તે બોલિંગ કરવા માટે આવી શક્યો ન હતો.
ટીમ ઈન્ડિયાને ત્રીજા દિવસે બોલિંગમાં તેનું પરિણામ ભોગવવું પડ્યું. બુમરાહની ગેરહાજરીમાં ભારતીય બોલિંગ નબળી પડી અને ઓસ્ટ્રેલિયાએ આ મેચ 6 વિકેટથી જીતીને શ્રેણી કબજે કરી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
બુમરાહની ઈજાને કારણે ટીમ ઈન્ડિયા ટેન્શનમાં
આ દરમિયાન જસપ્રીત બુમરાહની પીઠની ઈજાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ બુમરાહની ઈજા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં કામના બોજ સાથે જોડાયેલી છે. આવી સ્થિતિમાં BCCI મેડિકલ ટીમ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે બુમરાહને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તૈયાર કરી શકાય. કારણ કે ટૂર્નામેન્ટમાં તેનું રમવું ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં જસપ્રીત બુમરાહે 150થી વધુ ઓવર નાંખી અને 32 વિકેટ લીધી.
સૂત્રોના જણાવ્યા અનુસાર બુમરાહની પીઠના ખેંચાણનો ગ્રેડ હજુ સુધી જાણી શકાયો નથી. જો બુમરાહની ઈજા ગ્રેડ 1 કેટેગરીમાં છે. તો તે રમતમાં પાછા ફરે તે પહેલા ઓછામાં ઓછા બે થી ત્રણ અઠવાડિયાના પુનર્વસનની જરૂર પડશે. ગ્રેડ 2 ની ઈજાના કિસ્સામાં પુનઃપ્રાપ્તિમાં 6 અઠવાડિયા લાગી શકે છે જ્યારે ગ્રેડ 3, જે સૌથી ગંભીર છે, તેને ઓછામાં ઓછા ત્રણ મહિનાના આરામ અને રિક્વરી પ્રોગ્રામની જરૂર છે.
ભારત-ઈંગ્લેન્ડ શ્રેણી ચૂકી શકે છે
નોંધનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી 5 મેચની T20I શ્રેણી શરૂ થઈ રહી છે. ત્યાર બાદ 6 ફેબ્રુઆરીથી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે શ્રેણી રમાશે. વનડે શ્રેણી બાદ ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેશે. આવી સ્થિતિમાં બુમરાહની ઈજાએ ટીમ ઈન્ડિયાને ટેન્શનમાં મૂકી દીધું છે.
જો બુમરાહ ઈજાના કારણે 1 મહિના માટે પણ બહાર રહે છે તો તે ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ ગુમાવી શકે છે. જો તેની ઈજા વધુ ગંભીર બનશે તો તેના ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ જવાનો ખતરો હોઈ શકે છે.