કોરોનાની મહામારીમાં કોરોનાથી પીડિત દર્દીઓ માટે રેમડેસિવીર ઇન્જેક્શન માટે લાંબી લાઈનો લાગ્યા બાદ હવે મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન મેળવવા માટે દર્દીઓના સગાઓએ ભારે રઝળપાટ કરવાનો વારો આવી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત દિવસે દિવસે આ રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. ત્યારે મ્યુકરમાઇકોસિસ ઇન્જેક્શન લેવા માટે દર્દીઓના સગાઓએ ભારે દોડધામ કરવી પડી રહી છે. જોકે મેડિકલ સ્ટોર ઉપર ક્યાંય પણ ઇન્જેક્શનો મળતાં નથી.
બીજી તરફ હોસ્પિટલમાં ઇન્જેક્શનો નહીં હોવાથી દર્દીઓના સગાઓને લાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેવા સંજોગોમાં દર્દીઓના સગાઓ મ્યુકરમાઇકોસિસ રોગના ઇન્જેક્શનો લેવા માટે એકથી બીજી જગ્યાએ દોડાદોડી કરી રહ્યા છે. તેમ છતાંય ક્યાંય પણ આ ઇન્જેક્શનો મળતા નથી. જેથી દર્દીઓ ની સારવાર મુશ્કેલ બની રહી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યાની સંખ્યા કરતા ખૂબ જ ઓછા પ્રમાણમાં ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ છે. સરકાર દ્વારા ઈન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ કરાવવાની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવામાં હજુ આવી કોઈ વ્યવસ્થા ઉભી કરાઈ હોય તેવું લાગતુ નથી.