દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગ (સીઆઈસી) ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રી સંબંધિત માહિતી જાહેર કરવાના આદેશને રદ કર્યો હતો. દિલ્હી યુનિવર્સિટીએ કેન્દ્રીય માહિતી આયોગના આદેશને પડકાર્યો હતો. 2016 માં દાખલ કરાયેલી આરટીઆઈ અરજીના આધારે સીઆઈસીએ દિલ્હી યુનિવર્સિટીને પીએમ મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રી સંબંધિત માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સચિન દત્તાના આદેશ અનુસાર શૈક્ષણિક રેકોર્ડ અને ડિગ્રી જાહેર કરવી ફરજિયાત નથી. પીએમ મોદીના શૈક્ષણિક રેકોર્ડ જાહેર કરવા અંગેની આ કાનૂની લડાઈ વર્ષોથી ચાલી રહી છે. માહિતી અધિકાર (આરટીઆઈ) હેઠળ અરજી દાખલ કર્યા પછી કેન્દ્રીય માહિતી આયોગે 21 ડિસેમ્બર, 2016 ના રોજ 1978 માં બીએ પરીક્ષા પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓના રેકોર્ડનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપી હતી. પીએમ મોદીએ પણ આ પરીક્ષા પાસ કરી હતી.
યુનિવર્સિટીએ તૃતીય પક્ષોને લગતી માહિતી શેર ન કરવાના નિયમોનો ઉલ્લેખ કરીને તેને નકારી કાઢ્યું હતું. જોકે કેન્દ્રીય માહિતી પંચ (CIC) એ આ દલીલ સ્વીકારી ન હતી અને ડિસેમ્બર 2016 માં DU ને નિરીક્ષણની મંજૂરી આપવાનો આદેશ આપ્યો હતો. CIC એ કહ્યું હતું કે કોઈપણ જાહેર વ્યક્તિ, ખાસ કરીને વડા પ્રધાનની શૈક્ષણિક લાયકાત પારદર્શક હોવી જોઈએ.
જણાવી દઈએ કે નીરજ નામના વ્યક્તિએ RTI અરજી દાખલ કરી હતી. 21 ડિસેમ્બર 2016 ના રોજ CIC એ 1978 માં BA પરીક્ષા પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓના રેકોર્ડનું નિરીક્ષણ કરવાની પરવાનગી આપી હતી જે વર્ષે નરેન્દ્ર મોદીએ પણ આ પરીક્ષા પાસ કરી હતી.