વડોદરા : વડોદરા શહેરમાં પેટ્રોલ ડીઝલ અને સીએનજી ગેસમાં થયેલા ભાવ વધારાને લઈ આમ નાગરિક મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ જવા પામ્યો છે.વાહનચાલકોને પોતાના વાહનોમાં અવરજવર કરવી પરવડે તેમ નથી. ત્યારે શહેરમાં લોકો હવે જાહેર સેવાના ઉપયોગ તરફ વળી રહ્યા છે.તો બીજી તરફ વૈશ્વિક મહામારી કોવિડ-19 ના કપરાકાળથી આર્થિક બોજ તળે દબાયેલ શહેરની સીટી બસ સેવાની આવકમાં એકાએક વધારો નોંધાયો છે. સમગ્ર રાજય સહિત વડોદરા શહેરમાં મોંઘવારીનું મોજું ફરી વળ્યું છે.તેવામાં દિવસે અને દિવસે પેટ્રોલ-ડીઝલ અને સીએનજી ગેસના ભાવમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે જ્યારે ટ્રાન્સપોર્ટેશન મોંઘું બનતા તેના કારણે અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો નોંધાયો છે.
જેથી ગૃહિણીઓ માટે ઓછા બજેટમાં ઘર ચલાવવું કપરું બન્યું છે.સતત વધી રહેલી મોંઘવારી ના કારણે સામાન્ય નાગરિકો પરેશાન છે. અને તેમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ધરખમ વધારો થતા વિદ્યાર્થીઓ સહિત નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. મર્યાદિત આવકમાં ગુજરાન કેવી રીતે ચલાવવું તે સૌથી મોટો પ્રશ્ન છે.ત્યારે હવે નાગરિકોને પેટ્રોલ ડીઝલના ભાવ નહીં પોષાતા પોતાના વાહનોનો ઉપયોગ ટાળી જાહેર સેવાના ઉપયોગ તરફ વળ્યા છે. જ્યારે બીજી તરફ વડોદરા શહેરના સીટી બસ ડેપો ખાતે મુસાફરોનો ધસારો વધ્યો છે.જેના કારણે લાંબા સમયથી મંદીમાં રહેલ સીટી બસ સેવાના સંચાલકોની આવકમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.નોંધનીય છે કે યુપીએ સરકાર વખતે મોંઘવારી અને ખાસ કરીને પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને લઇને ભાજપ દ્વારા દિલ્હીની સડકો પર ભારે વિરોધ કરાતો હતો.પરંતુ હાલ વધી રહેલ ભાવ વધારો અને મોંઘવારીનો માર વેઠી રહેલ નાગરિકોની હાલ દિનપ્રતિદિન કફોડી બની રહી છે.