Editorial

ફુગાવો વધ્યો, ઉત્પાદન ઘટ્યું: અર્થતંત્રમાં ફરી મુશ્કેલીના સંકેતો

કોરોનાવાયરસના રોગચાળાને કારણે ખૂબ લથડી ગયેલું દેશનું અર્થતંત્ર ફરી પૂરપાટ દોડવા માંડ્યું છે તેવા સરકારના દાવાઓ વચ્ચે હાલમાં દેશના અર્થતંત્ર અંગેના બહાર આવેલા કેટલાક આંકડાઓ સૂચવે છે કે છેલ્લા કેટલાક મહિનામાં ફરી પાટે ચડી રહેલા જણાતા અર્થતંત્રએ ફરી લથડીયું ખાધું છે.

બજેટ પછી શેરબજાર પૂરપાટ દોડવા માડ્યું તેથી દેશનું અર્થતંત્ર મજબૂત થઇ ગયું એમ માનવાને કોઇ કારણ નથી એમ કેટલાયે જાણકારો કહેતા જ હતા અને તેમની વાત સાચી જ છે. સામાન્ય પ્રજાની મુશ્કેલીઓ તો દૂર થઇ જ નથી અને ત્યાં હવે સરકારી આંકડાઓ જ સૂચવે છે કે અર્થતંત્રમાં ફરી મુશ્કેલી સર્જાઇ રહી છે.

ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો વધીને પ.૦૩ ટકા થયો હતો જે મુખ્યત્વે ખોરાકી ચીજવસ્તુઓની વધેલી કિંમતોને કારણે થયું હતું એમ સરકારી આંકડાઓએ હાલમાં જણાવ્યું છે. કન્ઝયુમર પ્રાઇઝ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારિત છૂટક ફુગાવો જાન્યુઆરીમાં ૪.૦૬ ટકા હતો.

આ પહેલા ઉંચો દર નવેમ્બર ૨૦૨૦માં ૬.૯૩ ટકા નોંધાયો હતો. ફૂડ બાસ્કેટમાં ભાવવધારાનો દર ફેબ્રુઆરીમાં વધીને ૩.૮૭ ટકા થયો હતો, જેની સામે તેના અગાઉના મહિનામાં આ દર ૧.૮૯ ટકા હતો એમ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ જણાવતા હતા.

શાકભાજીની બાબતમાં ડીફ્લેશનની સ્થિતિ ચાલતી હતી અને ફુગાવો માઇનસમાં હતો, હવે શાકભાજીના ભાવો ઉંચા આવવાને કારણે તે દર માઇનસ ૧પ.૮૪ પરથી વધીને માઇનસ ૬.૨૭ ટકા થયો છે. જો કે દૂધ અને તેની બનાવટો, કઠોળ, ઇંડામાં જાન્યુઆરીની સરખામણીમાં ફેબ્રુઆરીમાં ફુગાવો ઘટ્યો છે. શુક્રવારે એનએસઓ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આંકડાઓ પરથી આ માહિતી મળે છે.

આ ફુગાવાની બાબતે ઇકરાના મુખ્ય અર્થશાસ્ત્રી અદીતી નાયરે જણાવ્યું છે કે ઇંધણના ભાવવધારાની પ્રથમ રાઉન્ડની અસર ફુગાવા પર મર્યાદિત છે ત્યારે બીજા રાઉન્ડની અસર નોંધપાત્ર છે તેથી જો સરકાર વેરા નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડશે નહીં તો ફુગાવાનું દબાણ રિઝર્વ બેન્કને દર કાપ નહીં કરવા દે. રિઝર્વ બેન્ક, કે જે તેની નાણાકીક નીતિ નક્કી કરતા પહેલા છૂટક ફુગાવા પર ઘણો આધાર રાખે છે તેને આ છૂટક ફુગાવો બંને બે બાજુએ બે ટકાની છૂટ સાથે ૪ ટકા પર રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. જો ફુગાવાની બાબતમાં આ જ સ્થિતિ રહી તો રિઝર્વ બેન્ક તેના દરો નહીં ઘટાડે એમ માની શકાય.

બીજી બાજુ, જાન્યુઆરી મહિનામાં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન ૧.૬ ટકા સંકોચાયું છે એમ મુજબ સત્તાવાર આંકડાઓએ દર્શાવ્યું હતું. આ સાથે જ દેશનું ઔદ્યોગિક ઉત્પાદન ફરીથી નેગેટિવ ટેરિટરીમાં પ્રવેશ્યું છે.

ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડકશન(આઇઆઇપી)ના આંકડાઓ પ્રમાણે જાન્યુઆરી ૨૦૨૧માં મેન્યુફેકચરીંગ સેકટરનું ઉત્પાદન બે ટકાથી સંકોચાયું હતું. માઇનીંગ સેકટરનું ઉત્પાદન ૩.૭ ટકા સંકોચાયું હતું જ્યારે વિજળી ઉત્પાદનમાં જાન્યુઆરીમાં પ.પ ટકાનો વધારો થયો હતો.

જાન્યુઆરી ૨૦૨૦માં આઇઆઇપીમાં ૨.૨ ટકાની વૃદ્ધિ થઇ હતી. સૌથી ખરાબ દેખાવ કેપિટલ ગુડ્સ સેકટરનો હતો જેમાં ૯.૬ ટકાનું સંકોચન જોવા મળ્યું હતું, જેની સરખામણીમાં એક વર્ષ પહેલા તેમાં ૪.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. સપ્ટેમ્બર, ઓકટોબરમાં પોઝિટિવ બન્યા બાદ ઔદ્યોગિક ઉત્પાદન નવેમ્બરમાં ફરીથી નેગેટિવ થયું હતું, ડીસેમ્બરમાં પોઝિટિવ ઝોનમાં પ્રવેશ્યા બાદ જાન્યુઆરી ૨૦૨૧માં તે ફરીથી નેગેટિવ ટેરિટરીમાં પ્રવેશ્યું છે.

આપણે જોઇ શકીએ છીએ કે અનલોકની પ્રક્રિયા પછી અર્થતંત્રે વેગ પકડ્યો હોય તેમ જણાતું હતું પરંતુ મોંઘવારી ફરી માથુ ઉંચકી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ક્રૂડના વધતા ભાવોને કારણે આપણા દેશમાં પેટ્રોલ, ડીઝલના ભાવ ઘણા વધ્યા છે અને ડીઝલના વધેલા ભાવો હવે અન્ય ચીજવસ્તુઓ પર પણ અસર દેખાડવા લાગ્યા છે એમ જણાય છે. વળી કેરોસીન અને રાંધણ ગેસના પણ વધી રહેલા ભાવો તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ઘરોના બજેટ પર સીધી અસર કરી રહ્યા છે.

ઇંઘણોના વધેલા ભાવ માટે સરકાર ક્રૂડના વધેલા આંતરરાષ્ટ્રીય ભાવોનું બહાનુ કાઢે છે પરંતુ પેટ્રોલ, ડીઝલ પર સરકાર અત્યંત ઉંચા દરે વેરાઓ વસૂલે છે તે એક કઠોર વાસ્તવિકતા છે. ઘણા ઉહાપોહ પછી વેરા કંઇક ઘટાડવાના સરકારે સંકેતો આપ્યા ખરા પરંતુ ઘટાડતી તો નથી જ! અને આ માટે રસીકરણ સહિતના કાર્યક્રમો માટે મોટા પાયે નાણાની જરૂર હોવાનું જણાવાય છે.

બધું મળીને સ્થિતિ ઘણી કઠોર છે. અને સામાન્ય પ્રજાની મુશ્કેલીઓ તો ઘણી જ વ્યાપક છે. લૉકડાઉન પછી રોજગાર ગુમાવી બેઠેલા ઘણા લોકો હજી પુરા ઠરીઠામ થઇ નથી રહ્યા. નાણાનો અભાવ છે અને મોંધવારી વધી રહી છે. અને રસીકરણ શરૂ થયા છતાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે.લાગે છે કે દેશના અર્થતંત્રની મુશ્કેલીઓ ઝડપથી અને સહેલાઇથી દૂર નહીં થાય.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top