Editorial

સરકાર ધ્યાન નહીં આપે તો મોંઘવારી માઝા મુકશે, પેટ્રોલ-ડિઝલનો ભાવ 120 રૂપિયે લીટર થવાની સંભાવના

પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભલે ભાજપે પોતાની સ્થિતી જાળવી રાખી હોય પરંતુ હવે આવનારો સમય કેન્દ્રની ભાજપ સરકાર માટે કપરો બની રહે તેવી સંભાવના જોવાઈ રહી છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે તે બે દેશનું જે થવાનું હશે તે થશે પરંતુ તેને કારણે ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં મોટો વધારો તોળાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે મોટો હોબાળો નહીં થાય તે માટે હાલના તબક્કે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ધીરેધીરે વધારાનું ચલણ ચાલુ રાખ્યું છે. છેલ્લા ચાર દિવસમાં 80 પૈસા લેખે પેટ્રોલના ભાવમાં 3.20 પૈસાનો વધારો થઈ જ ગયો છે. ત્યારે લોકો જાણી લે કે ભવિષ્યમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ લીટરે રૂપિયા 120 સુધી પહોંચે તો નવાઈ નહીં હોય. પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચવાની સાથે દેશમાં મોંઘવારી પણ માઝા મુકશે અને દેશના લોકોની ભારે કસોટી પણ થશે. ભારતમાં જ્યારે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ચાલતી હતી ત્યારે જ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ભડકો થયો હતો. છેલ્લા ત્રણ મહિનામાં ક્રુડ ઓઈલના ભાવ આઠ વર્ષની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા અને હવે યુદ્ધને કારણે ‘બળતામાં જાણે ઘી હોમાયું’ છે.

આમ તો ભારતમાં દર વર્ષે 175 કરોડ બેરલ જેટલા ક્રુડ ઓઈલની જરૂર પડે છે. ભારત તેમાંથી 140 એટલે કે 80 ટકા જેટલા ક્રુડ ઓઈલની આયાત કરે છે. આ કારણે જ્યારે પણ વિશ્વમાં ક્રુડ ઓઈલના ભાવો વધે ત્યારે ભારતને તેની મોટી અસર થાય છે. ગુરૂવારે ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો કે, પેટ્રોલ અને ડિઝલમાં ભારતમાં ભાવ વધારો નહીં થવાને કારણે ભારતની ત્રણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને માર્ચ મહિનામાં જ 19 હજાર કરોડ રૂપિયાની ખોટ થઈ છે. જે રીતે ભાવો વધી રહ્યા છે તે જોતાં આ ખોટની સાથે અન્ય ખોટનો ઉમેરો થશે અને તેને કારણે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ પ્રતિ લીટર 100ના ભાવને વળોટીને આગળ વધી જશે તે ચોક્કસ છે.

હાલમાં પ્રતિ લીટરે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 23 રૂપિયાનો ફરક કંપનીઓ ભોગવી રહી છે. જે જોતા પેટ્રોલનો ભાવ 120 રૂપિયા અને ડિઝલનો ભાવ 118 રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે અને જો તેમ થશે તો એક ટુ-વ્હીલરના માલિકના માથે સીધો માસિક 700 રૂપિયાની આસપાસનો બોજો વધી જશે. જે મોંઘવારી વકરાવશે. ભારત દ્વારા આમ તો રશિયાથી સસ્તા ભાવે ક્રુડ ઓઈલની આયાત કરવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ દૈનિક 38 લાખ બેરલની કુલ આયાત સામે ભારત સાથે માત્ર 30 લાખ બેરલ માટે જ કરાર થયા છે એટલે આ જથ્થા થકી મોટી રાહત મળે તેવી સંભાવના નથી. બીજી તરફ વૈશ્વિક બજારમાં ભાવો વધી જ રહ્યા છે. તેને કારણે ભારતની હાલત ક્રુડ ઓઈલના મામલે ભારે કફોડી થવાની સંભાવના છે.

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ એક મહિનાનો સમય થવા છતાં પણ હજુ અટકવાનું નામ લેતું નથી. રશિયા દ્વારા અમેરિકાની મોનોપોલી તોડવા માટે ક્રુડ ઓઈલના ભાવોમાં વધારો થાય તેવી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રશિયા એવું ઈચ્છે છે કે યુક્રેન સદંતર બરબાદીના આરે આવી જાય. જેને કારણે અમેરિકાને પણ જગત જમાદારી કરવા માટેનો સબક મળી જાય પરંતુ આમ કરવામાં અન્ય દેશોનો ખો નીકળી જવાનો છે. ભારત સરકારે ક્રુડ ઓઈલ પર ખાસ ધ્યાન રાખવાની જરૂરીયાત છે. કોરોનાની મહામારીમાંથી ભારત માંડ બહાર આવ્યું છે. આ સંજોગોમાં ક્રુડ ઓઈલનો ભાવ વધારો ભારતને આર્થિક મામલે ફરી અસ્થિર કરી શકે છે. પેટ્રોલ અને ડિઝલના ભાવો વધશે તો સાથે સાથે મોંઘવારી પણ વધશે. જો ભારત સરકાર ધ્યાન નહીં રાખે તો નાગરિકોએ મોંઘવારીના ખપ્પરમાં ફરી હોમાવું પડશે તે નક્કી છે.

Most Popular

To Top